રાજકોટ લોકસભા બેઠક પરથી ભાજપ ઉમેદવાર પરષોત્તમ રુપાલાએ રાજા-રજવાડાઓ અંગે કરેલી ટિપ્પણી બાદ ક્ષત્રિય સમાજનો રોષ ભભૂકી ઉઠ્યો છે. રૂપાલાએ બે હાથ જોડીને માફી માંગી હોવા છતાં ક્ષત્રિય સમાજ તેમની ટિકિટ રદ્દ કરવાની માંગ પર અડગ હતો. આમ છતાં ભાજપ ઉમેદવાર રુપાલાએ ક્ષત્રિયોના વિરોધ વંટોળ વચ્ચે ઉમેદવારી નોંધાવી દીધી છે. જેને પગલે ક્ષત્રિય સમાજ દ્વારા ભાજપ વિરુદ્ધ ચૂંટણી પ્રચાર કરવાનું એલાન કરાયું છે.
એવામાં આજે અમદાવાદ રૉડ શૉ કરી રહેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ક્ષત્રિય આંદોલનને લઈને પહેલીવાર કોઈ નિવેદન આપ્યું છે.
અમિત શાહે રોડ શૉ દરમિયાન જણાવ્યું કે, ભાજપ ઉમેદવાર પરષોત્તમ રુપાલાએ ક્ષત્રિય સમાજની હ્દયથી માફી માંગી લીધી છે. ભાજપ ગુજરાતની તમામ 26 લોકસભા બેઠક ગત ચૂંટણી કરતાં વધારે લીડથી જીતશે.
અમિત શાહે વધુમાં જણાવ્યું કે, જીતનો માર્જીન તો જનતા નક્કી કરે છે. જો કે હું લોકોનો ઉત્સાહ જોઈને કહી શકું છું કે, ગત ચૂંટણી કરતાં અમે વધારે બહુમત સાથે જીતીશું. ઉત્તર-દક્ષિણ, પૂર્વ-પશ્ચિમ દરેક ઠેકાણે 400 પારનો માહોલ છે. આ સાથે જ અમિત શાહે આગામી એક-બે વર્ષમાં દેશમાં નક્સલવાદ નાબૂદ થઈ જશે, તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે.
જણાવી દઈએ કે, ક્ષત્રિય સમાજના વિરોધ છતાં ભાજપે પરષોત્તમ રુપાલાની ટિકિટ રદ્દ નહતી કરી. જેથી હવે ક્ષત્રિય સંકલન સમિતિએ આંદોલન પાર્ટ-2 શરૂ કર્યું છે. જે અંતર્ગત ગુજરાતમાં જ્યાં પણ ભાજપની ચૂંટણી સભા હશે, ત્યાં ક્ષત્રિયો શાંતિપૂર્વક કાળા વાવટા ફરકાવીને પ્રદર્શન કરી રહ્યાં છે. આ ઉપરાંત ગુજરાતના જે ગામડાઓમાં ક્ષત્રિય હશે, ત્યાં બેનર લગાવીને ભાજપ વિરુદ્ધ મતદાન કરવાની અપીલ કરવામાં આવી રહી છે.
સૌરાષ્ટ્રથી શરૂ થયેલી આ લડત હવે ગુજરાતની દરેક સીટ પર ફેલાઈ ગઈ છે. ગત 3 એપ્રિલના રોજ ભાજપ નેતા અને ક્ષત્રિય આગેવાનો વચ્ચેની બેઠક પડી ભાંગી હતી. જે બાદ રાજપૂત કો-ઓર્ડિનેશન કમિટીના કન્વીનર કરણસિંહ ચાવડાએ જણાવ્યું કે, અમને ભાજપ સામે કોઈ વાંધો નથી. અમારી એકમાત્ર માંગ રુપાલાને હટાવવાની છે. હવે ભાજપ હાઈકમાન્ડને નક્કી કરવાનું છે કે, તેમને કોણ વધારે વ્હાલું છે, ગુજરાતના 75 લાખ સહિત દેશમાં વસતા 22 કરોડ રાજપૂત કે પછી રુપાલા.