માણસા પોલીસ મથકમાં નોંધાયેલ છેતરપિંડીનાં ગુનામાં છેલ્લા 32 વર્ષથી પોલીસને હાથતાળી આપીને નાસતા ફરતા આરોપીને ગાંધીનગર લોકલ ક્રાઇમ બ્રાંચે પૂર્વ બાતમીના આધારે રાજકોટથી ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
લોકસભા ચુંટણી અન્વયે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઇ રહે તે અન્વયે ગાંધીનગર જિલ્લામાં મિલ્કત સંબંધી સહીતના ગંભીર ગુના આચરીને નાસતા ફરતા આરોપીઓને પકડી લેવા એસપી રવિ તેજા વાસમસેટ્ટીએ થાણા અધિકારીઓને સુચનાઓ આપવામાં આવેલી છે. ત્યારે ગંભીર ગુના આચરીને પોલીસને હાથતાળી આપી નાસતા ફરતા આરોપીઓને પાંજરે પુરવા માટે એલસીબી પીઆઈ ડી બી વાળા સહીતની ટીમે જિલ્લા પોલીસ મથકોનાં ચોપડે વોન્ટેડ આરોપીઓની યાદી મંગાવી અલગ અલગ દિશાઓમાં તપાસનો દોર શરૂ કરવામાં આવ્યો છે.
આ દરમ્યાન માણસા પોલીસ મથકના ચોપડે છેતરપીંડીનાં ગુનામાં છેલ્લા બત્રીસ વર્ષથી એક આરોપી વોન્ટેડ હોવાનું જાણીને એલસીબીએ હ્યુમન શોર્સિસના આધારે તપાસ હાથ ધરવામાં આવી રહી હતી. જે અન્વયે બાતમી મળી મળી હતી કે, ચીંટીંગના ગુનામા છેલ્લા 32 વર્ષથી નાસતો ફરતો આરોપી રમેશભાઇ વલ્લભભાઇ બારાઇ રાજકોટની કિષ્ણા પાર્ક સોસાયટીમાં રહી રહ્યો છે.
જેનાં પગલે એલસીબીની ટીમ તાબડતોબ બાતમી વાળી જગ્યાએ પહોંચી ગઈ હતી. અને 28 વર્ષની ઉમરમાં ચીંટીંગનો ગુનો આચરી 32 વર્ષથી વર્ષથી નાસતા ફરતા 60 વર્ષીય રમેશભાઇ વલ્લભભાઇ બારાઇને પકડીને ગાંધીનગર લઈ આવવામાં આવ્યો હતો. બાદમાં જરૂરી પૂછતાંછ કરીને આરોપીની માણસા પોલીસ મથકમાં નોંધાયેલ છેતરપિંડીનાં ગુનામાં ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.