એક સાસુએ પોતાની પુત્રવધૂ માટે કરેલી અભૂતપૂર્વ દરકાર ચીનમાં વાહવાહી લૂંટી રહી છે.ચીનના શેનયાંગ નામના શહેરમાં સિઝેરિયન સેક્શનથી બાળકને જન્મ આપ્યા પછી પુત્રવધૂ હૉસ્પિટલમાંથી ઘરે આવવાની હતી ત્યારે તેને સાત માળ ચડવા ન પડે એ માટે સાસુએ ક્રેનની વ્યવસ્થા કરી હતી. બિલ્ડિંગમાં લિફ્ટ નથી એટલે સાસુને ચિંતા હતી કે સર્જરી પછી તરત પુત્રવધૂ સીડીઓ કઈ રીતે ચડી શકશે.
એટલે તેમણે દીકરાને કહીને ક્રેનની વ્યવસ્થા કરાવી હતી. વૉન્ગ અટક ધરાવતી સાસુએ ચીની સોશ્યલ મીડિયા પર મૂકેલો વિડિયો વાઇરલ થયો છે. આ વિડિયોમાં દેખાય છે કે ક્રેનના પ્લૅટફૉર્મ પર એક વર્કર સાથે એક મહિલા છે અને આ ક્રેન તેને તેના ઘરની બાલ્કની સુધી લઈ જાય છે. સાસુ વૉન્ગ પુત્રવધૂ વિશે કહે છે, ‘તેણે મારા દીકરા સાથે લગ્ન કર્યાં છે અને તે અમારા પરિવારનો જ હિસ્સો છે. અમે તેનું ધ્યાન નહીં રાખીએ તો કોણ રાખશે?’ ક્રેનના માલિકે કહ્યું હતું કે મારી ક્રેનનો આ પ્રકારે પહેલી જ વાર ઉપયોગ થયો છે.