ભારતીય જનતા પાર્ટી ફરી કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરાને લઈને પ્રહારો કરી રહી છે. શુક્રવારે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે રાહુલને પૂછ્યું કે શું દેશ શરિયા પર ચાલશે? હાલમાં જ ભાજપે પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનો એક વીડિયો શેર કર્યો છે, જેમાં ભાજપે દાવો કર્યો છે કે દેશના સંસાધનો પર ગરીબ મુસ્લિમોનો પ્રથમ અધિકાર હોવો જોઈએ. શાહે કહ્યું કે, ‘કોંગ્રેસનો ઢંઢેરો કહે છે કે ‘અમે પર્સનલ લોને આગળ લઈશું.’ હું રાહુલ ગાંધીને પૂછવા માંગુ છું કે જો તમે પર્સનલ લોને આગળ વધારશો તો શું હવે આ દેશ શરિયાના આધારે ચાલશે?
તમે આ દેશમાં કેવું બંધારણ ઈચ્છો છો? ભાજપે તેના ઢંઢેરામાં સ્પષ્ટ કહ્યું છે કે અમે યુનિફોર્મ સિવિલ કોડ (યુસીસી) લાવીશું, તમામ સંપ્રદાયો અને ધર્મના લોકો માટે એક જ કાયદો હશે.
તેમણે એમ પણ કહ્યું કે, ‘સુરક્ષિત દેશ માટે, સમૃદ્ધ દેશ માટે, ગરીબોના કલ્યાણ માટે, એવી પાર્ટીને મત આપો જે પોતાના વચનો પર ખરા ઉતરે. …કોંગ્રેસનો ઢંઢેરો જાહેર થયા પછી, ભારતીય જનતા પાર્ટી તરફ લોકોનો ઝોક વધુ વધ્યો છે, કારણ કે કોંગ્રેસે ફરી એકવાર તેના ઢંઢેરામાં તુષ્ટિકરણની તેની જૂની આદતનું પુનરાવર્તન કર્યું છે.
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જગત પ્રકાશ નડ્ડાએ કોંગ્રેસ પર આરોપ લગાવ્યો કે તે મુસ્લિમોને ફાયદો કરાવવા માટે અનુસૂચિત જાતિ (SC), અનુસૂચિત જનજાતિ (ST) અને અન્ય પછાત વર્ગો (OBC)ના અધિકારો છીનવી લેવા માંગે છે. તેમણે એમ પણ કહ્યું કે આ વિરોધ પક્ષનો છુપો એજન્ડા છે.
લોકસભા ચૂંટણીનાબીજા તબક્કામાં મતદાન ચાલુ હોવાથી તેમણે વીડિયો દ્વારા નિવેદન જારી કર્યું હતું. નડ્ડાએ 2006ના તત્કાલિન વડાપ્રધાન મનમોહન સિંહના નિવેદનને ટાંક્યું હતું જેમાં તેમણે કહ્યું હતું કે દેશના સંસાધનો પર લઘુમતીઓ, ખાસ કરીને મુસ્લિમોનો પ્રથમ અધિકાર છે. ભાજપના નેતાએ કહ્યું કે સિંહે એપ્રિલ 2009માં પણ આવી જ ટિપ્પણી કરી હતી.