ભારત દેશમાંથી આરક્ષણ દૂર થશે નહીં, નરેન્દ્ર મોદી આદિવાસીઓના મિત્ર : કોઈ ભૂલ કરશો તો અર્બન નક્સલ આવી જશે કહી આપ અને કોંગ્રેસને જુઠ્ઠાણાનું જોડાણ કહ્યું
અમદાવાદ
ભરૂચવાળાઓને બે હાથ જોડી વિનંતી મનસુખભાઇ જેવો જન પ્રતિનિધિ નહિ મળે ભૂલ કરશો તો કોઈ અર્બન નક્સલ આવી જશે. ભરૂચ લોકસભા બેઠક પર ભાજપની વિજય સંકલ્પ સભામાં ગૃહમંત્રી અમિત શાહનું મેદનીને સંબોધન.ભરૂચ લોકસભા બેઠક માટે ભાજપની વિજય સંકલ્પ સભા ઝઘડિયાના ખંડોલી ગામે ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં શનિવારે બપોરે ધોમધખતી ગરમિમાં મળી હતી.ગૃહમંત્રી અમિત શાહે મહિલાઓ, બહેનોને વંદન કરી જીગરના ટુકડા એવા યુવા મિત્રોને રામ રામ કહ્યા હતા. તેઓએ મનસુખભાઈનો પ્રચાર કોઈ સારામાં સારો કરી શકે તો તેઓ પોતે જ કરી શકે તેમ કહી ભરૂચવાળાને અપીલ કરવા આવ્યો હોવાનું કહ્યું હતું.અમિત શાહે બે હાથ જોડી ભરૂચની પ્રજાને વિનંતી કરી હતી કે, મનસુખભાઇ જેવો જનપ્રતિનિધિ નહિ મળે. કોઈ ભૂલ કરશો તો કોઈ અર્બન નક્સલ આવી જશે.તેઓએ નરેન્દ્ર મોદી વડાપ્રધાન બનતા જ 2014 નું પહેલું ભાષણ યાદ અપાવ્યું હતું. જેમાં મોદીજીએ આદિવાસી, દલિતો અને ગરીબોની આ મોદી સરકાર હોવાનું ગર્વથી કહ્યું હતું.ભરૂચ બેઠકની વાત કરતા કોંગ્રેસ – આપ ભેગા થઈ લડવા નિકળા હોય ત્યારે કોંગ્રેસને આદિવાસી વિરોધી અને આપ ને આદિવાસીઓના મત લઈ શોષણ કરનાર પાર્ટી ગણાવી હતી.ભરૂચમાં બે જુઠ્ઠા ભેગા થઈ ભાજપની મોદી સરકાર 400 બેઠકો સાથે ફરી આવશે તો બંધારણ, આરક્ષણ બદલી નાખશે તેવા જૂઠાણા ફેલાવી રહ્યાં છે. ત્યારે અમિત શાહે કહ્યું હતું કે, નરેન્દ્ર મોદી અનામતને હાથ લગાવશે નહિ.દેશમાંથી આરક્ષણ દૂર થવાનું નથી. નરેન્દ્ર મોદી તો આદિવાસીઓના મિત્ર છે. તેઓએ 10 વર્ષની મોદી સરકારની સિદ્ધિઓ અને આદિવાસીઓના લાભની યોજનાઓનો ચિતાર આપવા સાથે કોંગ્રેસને પણ આડે હાથે લીધી હતી.કાશ્મીરમાંથી આપણે 370 ની કલમ હટાવી દીધી ત્યાં કોંગ્રેસ પોતાની વોટ બેંક માટે 70 વર્ષથી દત્તક છોકરાની જેમ તેને રમાડી રહી હતી. રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠામાં પણ કોંગ્રેસને આમંત્રણ અપાયું હતું પરંતુ કોંગ્રેસ તેની વોટ બેંક સાચવવા દૂર રહી હતી. ત્યારે રામના પ્રાણ પ્રતિષ્ઠામાં જે ના જાય તેની જોડે ભરૂચે રહેવાય તેવો પ્રશ્ન પૂછ્યો હતો.અંતે અમિત શાહે ભરૂચવાસીઓને ચૂંટણીમાં ભૂલ ન કરતા બાકી ખંડણી બિઝનેસ ફરી શરૂ થઈ જશે તેમ કહી તેઓ ચૈતર એન્ડ કંપનીને જાણતા હોવાની ટકોર પણ કરી હતી.સભામાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ભાજપની મોદી સરકારની સિદ્ધિ ગણાવી ભરૂચ લોકસભામાં સાકાર થયેલા કરોડોના પ્રોજેક્ટો અંગે માહિતી આપી 7મી વખત પણ મનસુખ વસાવાને 5 લાખની લીડ સાથે વિજયી બનાવવા હાંકલ કરી હતી.
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહે આગામી લોકસભા ચૂંટણી અંતર્ગત પોરબંદરના જામકંડોરણા ખાતે કેન્દ્રીય મંત્રી અને ભાજપા ઉમેદવાર શ્રી મનસુખભાઈ માંડવીયા તેમજ પોરબંદર અને માણાવદર વિધાનસભા પેટા ચુંટણીના ઉમેદવાર શ્રી અર્જુનભાઈ મોઢવાડીયા અને શ્રી અરવિંદ લાડાણીના સમર્થનમાં વિશાળ વિજય સંકલ્પ સભાને સંબોધન કર્યું હતું. શ્રી અમિતભાઈ શાહે ભારતમાતા કી જય અને જય શ્રી રામના જયઘોષ કરી, ખોડલધામ મંદિર, શ્રી જલારામ બાપા, બિલેશ્વર મહાદેવ, હર્ષદ માતા અને વછરાજ દાદાને પ્રણામ કરી તેમજ પોરબંદરની ધરતી પર જન્મ લઈ જેમણે દેશ અને સમગ્ર વિશ્વને રસ્તો બતાવ્યો તેવા દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી તેમજ સૌરાષ્ટ્રમાં સહકાર ક્ષેત્રે નવી ક્રાંતિનું સર્જન કરનાર, ખેડૂતો અને દીકરીઓ માટે અભૂતપૂર્વ કાર્ય કરનાર શ્રી વિઠ્ઠલભાઈ રાદડિયાનું સ્મરણ કરી કરી જંગી મેદની સમક્ષ તેમના સંબોધનની શરૂઆત કરી હતી.શાહે જણાવ્યું હતું કે, લોકસભા ચુંટણીના બે ચરણ પૂર્ણ થયા છે તેમાં રાહુલબાબાના સૂપડા સાફ થઈ ગયા છે. દેશની જનતાએ આ વખતે નક્કી કરી લીધું છે કે ફિર એક બાર મોદી સરકાર. દેશ શ્રી નરેન્દ્રભાઇ મોદીને ત્રીજી વખત પ્રધાનમંત્રી બનાવવા કટિબદ્ધ છે. દેશમાં પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ ચારેય દિશાઓમાં હું જ્યાં પણ જાઉં છું ત્યાં ફક્ત મોદી.. મોદી…ના નારા ગુંજી રહ્યાં છે. ગુજરાતની જનતાએ ૨૦૧૪ અને ૨૦૧૯ લોકસભા ચૂંટણીમાં ગુજરાતની તમામ ૨૫ બેઠકો ભાજપાની જોળીમાં આપી હતી, આ વખતે સુરતની બેઠક ચુંટણી પહેલા જ બિનહરીફ થતાં ભાજપા પાસે છે ત્યારે બાકીની ૨૫ બેઠક પર કમળનું બટન દબાવી જનતા ભાજપાને ફરી વિજયી બનાવશે. શ્રી મનસુખભાઈ માંડવીયાના નામની સામેના કમળનાં બટનને દબાવવાથી તમારો મત સીધો શ્રી નરેન્દ્રભાઇ મોદીને વડાપ્રધાન બનાવવા માટે જશે. અમિતભાઈ શાહે કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે, વોટબેંક અને તુષ્ટિકરણની રાજનીતિ અને વોટની લાલચમા કોંગ્રેસે ૭૦ વર્ષથી કાશ્મીરમાં કલમ ૩૭૦ને દત્તક લીધેલા બાળકની જેમ ખોળામાં રમાડી અને અયોધ્યામાં પ્રભુ રામના મંદિર નિર્માણના મુદ્દાને અટકાવી, લટકાવી, ભટકાવી રાખ્યો. નરેન્દ્રભાઇ મોદીએ કાશ્મીરમાંથી કલમ ૩૭૦ ને હટાવી તેમજ ૫૦૦ વર્ષથી અસ્થાયી જગ્યાએ રહેલા પ્રભુ શ્રી રામ તેઓના ગૌરવને છાજે તેવા ભવ્યાતિભવ્ય મંદિરમાં બિરાજમાન થયા. કોંગ્રસના ૮૦ થી વધુ વર્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે કહે છે કે ગુજરાત અને રાજસ્થાનને કાશ્મીર સાથે શું લેવા દેવા? પણ એ ભૂલી ગયા છે કે આ જામકંડોરણાનો એક એક યુવાન કાશ્મીર માટે જીવ આપવા તૈયાર છે. રાહુલ ગાંધી અને કોંગ્રેસ કહેતા કે કલમ ૩૭૦ હટાવશો તો લોહીની નદીઓ વહેશે, પણ પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં કાંકરીચાળો પણ ન થયો અને કલમ ૩૭૦ હટી ગઈ. આજે કાશી વિશ્વનાથ કોરિડોર, મહાકાલ કોરિડોર બન્યા છે, બદ્રીનાથ, કેદારનાથ સોમનાથ સહિતના સુપ્રસિદ્ધ મંદિર ભવ્ય બની રહ્યા છે. શ્રી નરેન્દ્રભાઇ મોદીએ દેશની સાંસ્કૃતિક અસ્મિતાને જાળવવાનું, ગૌરવ અપાવવાનું અને મજબૂત કરવાનું કાર્ય કર્યું છે.
જ્યારે દેશમાં સોનિયા ગાંધી-મનમોહન સિંહની સરકાર હતી ત્યારે દેશમાં છાશવારે આતંકવાદી હુમલાઓ થતાં, બોમ્બ ધડાકાઓ થતાં અને નિર્દોષ નાગરિકોએ પોતાના જીવ ગુમાવવો પડતો અને તત્કાલીન પ્રધાનમંત્રી મનમોહન સિંહ હંમેશા મૌની બાબા બનીને બેસી જતા. ૨૦૧૪ માં જનતાએ શ્રી નરેન્દ્રભાઇ મોદીને પ્રધાનમંત્રી બનાવ્યા અને આતંકવાદીઓએ આદત પ્રમાણે હુમલો કર્યો પણ ત્યારે એ ભૂલી ગયા કે આજે શ્રી નરેન્દ્રભાઇ મોદી પ્રધાનમંત્રી છે અને દેશમાં ભાજપની સરકાર છે. પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ આતંકવાદ સામે કઠોર વલણ અપનાવતા દેશની સેનાએ સર્જીકલ અને એયર સ્ટ્રાઈક કરી સરહદ પાર જઈને આતંકીઓનો સફાયો કર્યો. શ્રી નરેન્દ્રભાઇ મોદીએ આતંકવાદ અને નકસલવાદનો સફાયો કરવાનું કાર્ય કર્યું છે. યુપીએના શાસનમાં ભારત વિશ્વનું ૧૧મું મોટું અર્થતંત્ર હતું જે શ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં પાંચમું સૌથી મોટું અર્થતંત્ર બન્યું છે અને ત્રીજી ટર્મમાં ભારત વિશ્વનું ત્રીજું સૌથી મોટું અર્થતંત્ર બનશે એ મોદીની ગેરંટી છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ દેશને સુરક્ષિત અને સમૃદ્ધ કરવાનું કાર્ય કર્યું છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ દેશના ૨૫ કરોડ નાગરિકોને ગરીબી રેખામાથી બહાર લાવવાનું કાર્ય કર્યું છે. શૌચાલય નિર્માણ, આવાસ યોજના, ઉજ્જવલા યોજના, નલ સે જલ, ૫ લાખ સુધીની મફત સારવાર, જન ઔષધી કેન્દ્રો થકી સસ્તી દવાઓ, ૮૦ કરોડ નાગરિકોને વિનામૂલ્યે અનાજ સહિતની યોજનાઓનો દેશના કરોડો નાગરિકોને પ્રત્યક્ષ રૂપથી લાભ થયો છે. કેન્દ્રીય મંત્રીશ્રી મનસુખ માંડવીયાનો ઉલ્લેખ કરતા શ્રી શાહે જણાવ્યું હતું કે, કોરોના મહામારીના કપરા કાળમાં કોઈ પ્રકારની ગભરાહટ અને ઉશ્કેરાટ વગર તદ્દન શાંત ચિત્તે શ્રી મનસુખભાઇએ ૧૪૦ કરોડ નાગરિકોના કોરોના વેક્સિન અભિયાનને સંભાળ્યું અને આરોગ્ય વ્યવસ્થા સુદ્રઢ કરવાનું કાર્ય કર્યું છે. ૨૦૧૪ પહેલા દેશમાં ૭ AIIMS હતી જે આજે ૨૨ છે, મેડિકલ સીટો ૫૧ હજાર હતી જે આજે ૧.૧૦ લાખથી વધુ છે.દશ વર્ષ યુપીએ સરકારે ગુજરાતને અન્યાય કરવામાં કાંઈ બાકી નહોતું રાખ્યું, ૨૦૦૪ થી ૨૦૧૪ સુધી યુપીએના સમયમાં ગુજરાતને કેન્દ્રમાંથી રૂ.૧,૨૨,૦૦૦ કરોડ મળ્યા જ્યારે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના શાસનમાં છેલ્લા દસ વર્ષમાં ગુજરાતને રૂ.૫,૯૫,૦૦૦ કરોડ મળ્યા છે. કોંગ્રેસે હંમેશા જવાહરલાલ નેહરુ, ઇન્દિરા ગાંધી, રાજીવ ગાંધી અને એક પરિવાર સિવાય બીજો કોઈ મોટો નેતા જ ન હોઈ શકે તેવી માનસિકતા સાથે મહાત્મા ગાંધીના યોગદાનને ભૂલાવવાનો અને શ્રી સરદાર પટેલનું નામોનિશાન મિટાવવા પ્રયાસ કર્યા. પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના કેવડિયામાં દેશની જનતાને સરદાર સાહેબ માટે જે અપાર સન્માન છે તેના અનુરૂપ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા બનાવી સમગ્ર દુનિયામાં તેમનું નામ અમર બનાવ્યું છે.પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી વર્ષ ૨૦૪૭ માં વિકસિત ભારતના સંકલ્પ સાથે અવિરતપણે અથાગ પરિશ્રમ કરી રહ્યા છે. છેલ્લા દસ વર્ષમાં શ્રી મોદીએ કોંગ્રેસે કરેલા ખાડાઓ ભર્યા છે, આગામી પાંચ વર્ષ વિકસિત ભારતની ઇમારતનો પાયો નાખવાના વર્ષ છે. શ્રી નરેન્દ્રભાઈ મોદીએ તેમના ગુજરાતના મુખ્યમંત્રીકાળ દરમિયાન અભૂતપૂર્વ કામગીરી થકી ગુજરાતના નામને દુનિયામાં ઉજવળ કર્યું છે, ગાંધી અને સરદારના ગુજરાતને નવી ઓળખ આપી છે. ગુજરાતના વિકાસ મોડલના આધારે વિકસિત ભારત બનવા જઈ રહ્યું છે. શ્રી નરેન્દ્રભાઈ મોદીને ત્રીજી વખત પ્રધાનમંત્રી બનાવવાનો મતલબ એટલે આતંકવાદ અને નક્સલવાદ થી મુક્તિ, ભારતના યુવાનોને વૈશ્વિક સ્તરનું પ્લેટ ફોર્મ અને મહાન ભારતની રચના.80ના દાયકામાં સૌરાષ્ટ્રએ જળસંકટનો સામનો કર્યો, ટેન્કર રાજ ચાલતું, ગાંધીનગર થી રાજકોટ ટ્રેનમાં પાણી લાવવું પડતું. પોરબંદર ખાતે બોર્ડ લાગેલા કે કાયદો વ્યવસ્થાની હદ અહીં પૂરી થાય છે, પોરબંદરની હદ શરૂ થાય છે. સૌરાષ્ટ્રમાં અસામાજિક તત્વોની ગુંડાગીરી અને દાદાગીરી ચાલતી. શ્રી નરેન્દ્રભાઈ મોદીના ગુજરાતના મુખ્યમંત્રી બન્યા બાદ ભાજપની સરકારે નર્મદા, મહી સહિતની નદીઓના પાણી ખેડૂતના ખેતરોએ પંહોચાડ્યા, સૌની યોજનાથી નર્મદાનું પાણી કચ્છના ખાવડા સુધી પહોંચ્યું. કાયદો વ્યવસ્થાની સ્થિતિ મજબૂત થઈ. કોંગ્રેસ પાર્ટીના શાસનમાં ગામમાં ૮ કલાક વીજળી મળતી, જ્યોતિગ્રામ યોજના લાવીને શ્રી નરેન્દ્રભાઈ મોદીએ 24 કલાક વીજળી આપવાની શરૂઆત કરી. રોડ રસ્તા, ચેકડેમ, નેહરો અને વીજળી સહિતની સુવિધાઓથી રાજ્યમાં ખેતી, ઉદ્યોગ- ધંધા અને કારખાનાં ફાલ્યા ફૂલ્યા.