એક તરફ રાજ્યમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે. ત્યારે બીજી તરફ ભાજપના નેતાઓ અને કાર્યકરોમાં સતત નારાજગી સામે આવી રહી છે. આ દરમિયાન હવે કાર્યકર્તાઓની નારાજગી ડામવા જાણે પ્રદેશ ભાજપ અધ્યક્ષ મેદાને આવ્યા છે. આજે પાટીલે એક સભામાં કાર્યકરોને ચેતવણી આપતા કહ્યું કે, નારાજ થવાનો અધિકાર તમારી પાસેથી હું આજે લઈ લઉં છું અરવલ્લીના મોડાસામાં ભાજપ દ્વારા પ્રમુખ બુથ સંમેલનનુ આયોજન કરવામાં આવ્યુ હતુ.
જ્યાં પ્રદેશ ભાજપ અધ્યક્ષ પાટીલે કાર્યકરોને સાબરકાંઠા લોકસભા બેઠક ટિકિટ અંગેની વાત કરતા કહ્યુ હતુ કે, જેમની નારાજગી છે તેઓ તેમની નારાજગી અહીં મૂકી જાય અને કામે લાગી જાય.
પાટીલે કહ્યું કે, ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો પાસે મહત્વકાંક્ષા હોવી જોઈએ, ધારાસભ્યથી લઈ તાલુકા પંચાયત જેવી ચૂંટણી લડવાની ઈચ્છા હોવી જોઈએ. પરંતુ જો ટિકિટ ન મળે તો જેને મળે તેને જીતડવા માટે કામ કરવાનું હોય. પાટીલે કાર્યકરોને સૂચના આપતા કહ્યું કે, જો કોઈ બીજાને ટિકિટ મળે અને તમે નારાજ થઈ જાઓ તો તે તમારો અધિકાર નથી. કારણ કે, જે દિવસે તમને ટિકિટ મળશે તે દિવસે બીજા નારાજ થયા તો ! માટે જો કોઈને નારાજગી હોય તો આજે અહીં જ તમારી નારાજગી મૂકીને જજો. વધુમાં કહ્યું કે, નારાજ થવાનો અધિકાર તમારી પાસેથી હું આજે લઈ લઉં છું.