રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાએ કરેલા વિવાદી નિવેદનને લઈને ક્ષત્રિય સમાજ દ્વારા ભાજપ વિરુદ્ધ આંદોલન ચાલી રહ્યું છે. મતદાનને માત્ર એક દિવસ આડો છે ત્યાં ભાજપને વધુ એક ઝટકો લાગ્યો હોય એમ ગુજરાતના માલધારી સમાજે પણ ક્ષત્રિય સમાજને ટેકો જાહેર કર્યો છે. ગુજરાત માલધારી મહાપંચાયતે માલધારી સમાજને ભાજપ વિરુદ્ધ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીને મતદાન કરવા માટે અપીલ કરી છે.
મીડિયા રિપોર્ટ પ્રમાણે ગુજરાત માલધારી મહાપંચાયત સમિતિ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, ક્ષત્રિય સમાજની અસ્મિતાની લાગણીને માન ના આપીને ભાજપ દ્વારા રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પરશોત્તમ રુપાલાની ટિકિટ રદ કરવામાં આવી નથી. ગુજરાત શહેરી ઢોર નિયંત્રણ કાયદો-2022 લાવવામાં આવ્યો, જેમાં શહેરી વિસ્તારમાં માલિકની ઘર આંગણેથી ગેરકાયદેસર પશુ પડાવવાની પ્રવૃત્તિ બંધ કરવા બદલ તેમજ ખોટા કેસ કરવા બદલ અને માલધારી સમાજની બહેનદીકરીઓ પર અત્યાચાર કરવામાં આવ્યો. શહેરમાં ઘાસચારો આવવા દેવામાં આવતો નથી.
ગુજરાત માલધારી મહાપંચાયત સમિતિના પ્રમુખ નાગજી દેસાઈએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં સરકાર દ્વારા ઢોર નિયંત્રણ કાયદો લાવવામાં આવ્યો છે. પશુપાલકોને હેરાન કરી ગૌચરની જમીન ઉદ્યોગપતિઓને આપી દેવામાં આવી છે. પશુપાલકો પોતાના ઘર આંગણામાં પણ પશુ ન રાખી શકે. ઢોર નિયંત્રણ કાયદાનો દુરુપયોગ થઈ રહ્યો છે. રોડ પર આવતા પશુઓને પકડે તેમાં કોઈ વાંધો નથી પરંતુ, ઘરઆંગણે બાંધેલા પશુઓ લઈ જવામાં આવે છે. પશુપાલનનો વ્યવસાય બંધ કરી ઉદ્યોગપતિઓને જમીન વેચી દીધી છે, જેના ભાગરૂપે પશુપાલકોએ આ વખતે ભાજપને મત નહીં આપવા માટે માલધારી મહાપંચાયત દ્વારા ઠરાવ કરવામાં આવ્યો છે.
સોશિયલ મીડિયામાં પણ ભાજપ વિરુદ્ધ મતદાન કરવા માટે માલધારી સમાજે અપીલ કરી છે અને ક્ષત્રિય સમાજને તેમના આંદોલનમાં ટેકો જાહેર કરી ભાજપ વિરુદ્ધ મતદાન કરવા જણાવ્યું છે. માલધારી મહાપંચાયતે માલધારી સમાજને આહવાન કર્યું છે કે, માલધારી સમાજ ભાજપને મત નહીં આપે અને કોંગ્રેસ તથા આમ આદમી પાર્ટીને મત આપવામાં આવે તેવી અપીલ કરવામાં આવી છે.