રાજ્યમાં મે મહિનામાં અપેક્ષા પ્રમાણે જ કાળઝાળ ગરમી પડી રહી છે. આકરી ગરમી વચ્ચે હવામાન વિભાગની નવી આગાહી થોડી રાહત આપનારી છે. જે અનુસાર બે દિવસ આકરી ગરમી બાદ ગરમીમાં આંશિક રાહત મળશે. બે દિવસ બાદ ગુજરાતમાં વરસાદની આગાહી છે.
11મીએ નર્મદા, તાપી, ડાંગ, વલસાડ, દમણ, દાદારનાગર હવેલીમાં પવન સાથે વરસાદ રહેશે.12મીએ અરવલ્લી, સાબરકાંઠા, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, વલસાડ, દમણમાં વરસાદ રહેશે.13મી મેએ સુરત, નર્મદા, દાહોદ, વલસાડ, નવસારી, દમણ, દાદારાનાગર હવેલી, સાબરકાંઠા સહિત વરસાદ રહેશે.
બે દિવસ અમદાવાદવાસીઓ સાવધાન રહેજો. બે દિવસ રાજ્યમાં આગ ઓકતી ગરમી પડશે.અમદાવાદમાં બે દિવસ પારો 43 ડિગ્રીએ રહી શકે છે. ગાંધીનગરમાં બે દિવસ પારો 42 ડિગ્રીએ રહી શકે છે.
હવામાન વિભાગના ડાયરેક્ટર એ. કે. દાસે આગામી દિવસના હવામાન અંગે આગાહી કરતાં જણાવ્યું કે, હાલ ગુજરાત પાસે 4 સિસ્ટમ સક્રિય થઈ છે. રાજસ્થાન ઉપર 2, મધ્યપ્રદેશ ઉપર એક અને એક સિસ્ટમ અરબસાગર ઉપર સક્રિય થતા ગુજરાતમાં વરસાદ થઈ શકે છે.