સુરતમાં મહિલાઓ પર અત્યાચારના ગુનાઓમાં ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે. શહેરમાં સગીરા અને મહિલાઓની છેડતી, મારામારી અને દુષ્કર્મની ઘટના સામાન્ય થઈ ગઈ છે, ત્યારે આવો વધુ એક બનાવ કાપોદ્રા પોલીસ મથકના ચોપડે નોંધાયો છે. જેમાં ટ્રાવેલ એજન્ટ દ્વારા પરિણીતાને પ્રેમજાળમાં ફસાવીને લગ્નની લાલચ આપીને 8 વર્ષ સુધી દુષ્કર્મ આચરવામાં આવ્યું હતુ.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, 38 વર્ષીય ફરિયાદી મહિલા હાલ પોતાના બે સંતાનો સાથે વરાછા વિસ્તારમાં રહીને સિલાઈ કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. જ્યારે તેનો પતિ તેને છોડીને જતો રહ્યો છે. ફરિયાદી પરિણીતા સાડીમાં લેસ પટ્ટીનું કામ એક વેપારી પાસેથી લાવતી હતી. આથી જૉબ વર્ક માટે વેપારીને ત્યાં પરિણીતાને અવારનવાર જવાનું થતું હતુ. જ્યાં વેપારીનો મિત્ર શૈલેષ તળાવિયા પણ આવતો હોવાથી પરિણીતા તેના સંપર્કમાં આવી હતી.
ટ્રાવેલ એજન્ટ તરીકે કામ કરતા શૈલેષે પોતાને પત્ની સાથે બનતુ ના હોવાથી તેને છૂટાછેડા આપવાનું કહીને પરિણીતાને પોતાની પ્રેમજાળમાં ફસાવીને તેની સાથે શરીર સબંધ બાંધ્યા હતા. આ દરમિયાન આરોપીએ પરિણીતાના ફોટો અને વીડિયો ઉતારી લીધા હતા.
આ વીડિયો અને ફોટો વાઈરલ કરવાની ધમકી આપીને આરોપી સતત બ્લેકમેઈલ કરતો હતો અને પરિણીતાને સુરત, મુંબઈ, દીવ, સાપુતારા અને કચ્છ સહિતના શહેરોમાં લઈ જઈને ત્યાંની હોટલોમાં ડરાવીને તેનું યૌન શોષણ કરતો હતો. આટલું જ નહીં, ટ્રાવેલ એજન્ટે પરિણીતાના બચતના બે લાખ રૂપિયા તેમજ સાડા ત્રણ તોલાનો સોનાનો હાર પણ પડાવી લીધો હતો. બીજી તરફ ટ્રાવેલ એજન્ટ સાથેના અનૈતિક સબંધની જાણ થતાં પરિણીતાનો પતિ પણ તેને છોડીને જતો રહ્યો હતો.
આખરે ટ્રાવેલ એજન્ટે પોતાની પત્નીને છૂટાછેડા આપવાની ના પાડીને પરિણીતા સાથે લગ્નનો ઈનકાર કર્યો હતો. જેથી કંટાળેલી મહિલાએ કાપોદ્રા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરીને આગળની તપાસ હાથ ધરી છે.