અમદાવાદ મહાનગરપાલિકા તંત્ર દ્વારા આગામી ચોમાસામાં 100 દિવસમાં 30 લાખ વૃક્ષોનું વાવેતર કરવાનું નક્કી કરવામાં આવ્યું છે.
અમદાવાદ મહાનગરપાલિકાના વિવિધ વિભાગો દ્વારા શહેરમાં વિવિધ ઝોનમાં વૃક્ષારોપણ માટે કેટલાક પ્લોટ નક્કી કરવામાં આવ્યા છે. જેમાં મધ્ય ઝોનમાં 7 સ્થળો, પૂર્વઝોનમાં 16 સ્થળ, પશ્ચિમઝોનમાં 10 સ્થળ, ઉત્તરઝોનમાં 11 સ્થળ, દક્ષીણઝોનમાં 11 સ્થળ, ઉ.પશ્ચિમઝોનમાં 20 સ્થળ જ્યારે દ.પશ્ચિમઝોનમાં 20 સ્થળે વૃક્ષારોપણ કરાવવા માટેનું નક્કી કરવામાં આવ્યું છે.
આ તમામ સ્થળો પર અમદાવાદ મહાનગરપાલિકા 16.7 લાખ નાના વૃક્ષોના રોપા, 40 હજાર મોટા વૃક્ષો અને 7 લાખ ફુલ-છોડ વાવશે. 100 દિવસમાં 30 લાખ વૃક્ષ વાવવાના લક્ષ્યાંક સામે આગામી દિવસોમાં 16.75 લાખ જેટલા નાના વૃક્ષના રોપા લગાવવામાં આવશે.
સૌથી વધુ નાના વૃક્ષો પૂર્વઝોનમાં 6.51 લાખ, ઉત્તર અને દક્ષિણ ઝોનમાં 2.5 લાખ, પશ્ચિમ અને ઉત્તર-પશ્ચિમ ઝોનમાં 2 લાખ તથા દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં 1 લાખ જેટલા નાના વૃક્ષો વાવવાનો લક્ષ્યાંક નક્કી કરાયો છે.
મોટા વૃક્ષોમાં 8થી 10 ફુટ મોટા વૃક્ષો વાવવામાં આવશે. જેમાં પણ ઉત્તર-પશ્ચિમ ઝોનમાં 11 હજાર જેટલા વૃક્ષો વવાશે, જ્યારે ફ્લાવરીંગ છોડમાં વિવિધ ઝોનમાં એવરેજ એકથી સવા લાખ જેટલા છોડ વાવવાનો લક્ષ્યાંક છે.