ઈષ્ટદેવ કે આરાધ્ય દેવ પાસે ઘણા ભક્તો માનતા હોય છે અને સમય આવે તે પૂરી પણ થતી હોય છે. મનોકામના પૂરી થતા સમય લાગે છે, સમય પહેલા કોઈને ક્યાં કશું મળે છે? પરંતુ રાજકોટના એક શખ્સે તો આનાથી તદ્દન ઉલટું કર્યું અને કોઈ ન બની શકે તેવો સ્વાર્થી બન્યો.મનોકામના પૂરી ન થતાં રાજકોટના એક શખ્સ મંદિરો સળગાવી નાખ્યાં અને મૂર્તિઓમાં ભારે તોડફોડ મચાવી હતી.
રાજકોટ અમદાવાદ હાઈવે ઉપર આવેલ જીયાણા ગામમાં આવેલા રામદેવ પીર મંદિર અને મેલડી માતાના મંદિરમાં રાતે આગ લગાડાઈ હતી. શરુઆતમાં લાગ્યું કે આ કોઈ અસામાજિક તત્વોનું કામ છે પરંતુ સચ્ચાઈ સામે આવતાં હડકંપ મચ્યો હતો. માજી સરપંચ અરવિંદ સરવૈયાએ મંદિરોમાં આગ લગાડી હોવાનું સામે આવતાં તેની ધરપકડ કરાઈ હતી અને પૂછપરછમાં તેણે આવું કરવાનું કારણ આપ્યું છે.
જીયાણા ગામમાં ખેડૂત અને પંચાયતના સભ્ય કાનજીભાઈ મેઘાણીએ પોતાની ફરિયાદમાં કહ્યું કે ગત 12 તારીખે રાત્રે ગામમાં આવેલ બંગલાવાળી મેલડી માતાજીના મંદિરે તાવો કર્યાં બાદ બધા ઘેર ગયાં હતા. સવારે નવેક વાગ્યે ગામના લક્ષ્મણભાઈ રામાણીએ ફોન કરી મંદિરમાં આગ લગાડાઈ હોવાની જાણ કરી હતી. તાકીદે અન્ય ગ્રામજનો સાથે જઈને ત્યાં જોતા પાદરમાં આવેલ રામદેવપીરના મંદિરની અંદર ટાયર સળગાવી મૂર્તિ નષ્ટ કરી નાખી હોવાનું તેમજ સીમમાં આવેલ બંગલાવાળી મેલડી માતાજીના મંદિરમાં પણ લાકડા સળગાવી છબી પણ સળગાવી નાખેલી જોવા મળી હતી.
બે મંદિર ઉપરાંત ગામમાં આવેલા વાસંગીદાદાના મંદિર બહાર કપડાના ઢગલામાં આગ લગાડી કપડા સળગાવ્યા હોવાનું પણ જોવા મળ્યું હતું. ફરિયાદને આધારે PSI એ કે રાઠોડ સહિતના સ્ટાફે ગુનો નોંધી આરોપીની શોધખોળ હાથ ધરી હતી. જેમાં તપાસ દરમિયાન માજી સરપંચ અરવિંદ સરવૈયાનું નામ ખુલતા તેને સકંજામાં લઇ કાર્યવાહી હાથ ધરી છે.
મંદિરો સળગાવી નાખનાર આરોપી માજી સરપંચે કોઈ માનતા માની હતી અને ઘણો સમય થતાં માનતા ન ફળતાં તે ગુસ્સે ભરાયો હતો અને તેથી તેણે મંદિરોમાં આગ લગાડી હતી અને મૂર્તિઓમાં તોડફોડ કરી હતી. પૂછપરછમાં આરોપી સરપંચે રામાપીરનું મંદિર, બંગલાવાળી મેલડી માતાજીનું મંદિર અને વાસંગીદાદાના મંદિરમાં આગ લગાડી હોવાની કબૂલાત કરી લીધી છે.