ગાંધીનગરના સેક્ટર – 16, ઘ – 5 ખાતેથી 14 વર્ષની સગીરાને લલચાવી ફોસલાવી જારકર્મ કરવાના ઈરાદે બાઈક પર અપહરણ કરી લઈ જઈ મહેસાણાનાં વડનગરમાં ગોંધી રાખી તેમજ અવારનવાર દુષ્કર્મ ગુજારવાના ગુનામાં ગાંધીનગર સ્પે. પોક્સો કોર્ટે આરોપીને તકસીરવાર ઠરાવી 20 વર્ષની સખ્ત કેદની સજા તેમજ અને 11 હજારનો દંડ ફટકાર્યો છે.
ગાંધીનગરના સેક્ટર – 16, ઘ – 5 છાપરામાં રહેતી 14 વર્ષીય સગીરાનું વર્ષ – 2021 માં અપહરણ – દુષ્કર્મનાં ગુનામાં સ્પે. પોક્સો કોર્ટે આરોપીને 20 વર્ષની સખ્ત કેદની સજા ભોગવવાનો હુકમ કરવામાં આવ્યો છે. આ કેસની વિગતો મુજબ, 30 જુન 2021 ની રાત્રે અજય રણજીતસિંહ ચૌહાણ (રહે. ગામ રામપુર(કોટ), તા. વિજાપુર, જી. મહેસાણા) ગાંધીનગરમાંથી 14 વર્ષની સગીરાને લલચાવી ફોસલાવી લગ્નની લાલચ આપી બાઈક પર ભગાડી લઈ ગયો હતો.
સગીરા અનુસુચિત જાતિની હોવાનું જાણતો હોવા છતાં જારકર્મ કરવાના ઈરાદે અજય તેણીને વડનગર ખાતે લઈ ગયો હતો અને 12 મી જુલાઈ 2021 સુધી સગીરાને ગોંધી રાખી અવારનવાર દુષ્કર્મ આચર્યું હતું. આ મામલે સેક્ટર 21 પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરી જરૂરી પુરાવા એકત્ર કરીને ગાંધીનગર કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી હતી. જે કેસ ગાંધીનગરના સ્પે. પોક્સો કોર્ટમાં બીજા એડી. સેશન્સ જજ એસ. ડી. મેહતાની સમક્ષ ચાલ્યો હતો.
જે અન્વયે ભોગબનનાર તથા અન્ય સાહેદોની જુબાનીઓ
લેવામાં આવી હતી. આ કેસમાં સરકાર તરફે સરકારી વકીલ
સુનિલ એસ. પંડ્યાએ દલીલ કરેલી કે આરોપીએ આવો
ગંભીર પ્રકાર ગુનો કરેલો હોય તેને આવા કેસમાં સખતમાં
સખત સજા અને દંડ કરવો જોઈએ. સમાજમાં આવા
ગુનાઓ રોજબરોજ બને છે અને જેથી આવા ગુનાના
આરોપીઓને ગુનાઓમાં વધુમાં વધુ સજા અને દંડ કરવામાં
આવે તો નવા ગુના કરતાં લોકો અટકે અને સમાજમાં
દાખલો બેસે. જે દલીલોને ગ્રાહ્ય રાખી કોર્ટે આરોપીન અજય
રણજીતસિંહ ચૌહાણને 20 વર્ષની સખ્ત કેદની સજા તેમજ
11 હજારનો દંડ ભોગવવાનો હુકમ કર્યો છે.