દેશના અર્થતંત્રમાં લાંબી મંદીના સંકેત : NPA ટેન્શન રૂપી પ્રશ્ન

Spread the love

અર્થવ્યવસ્થાની હાલની પરિસ્થિતિમાં સરકાર તેમજ રિઝર્વ બૅન્ક બન્ને માટે સરકારી બેંકોના નોન-પર્ફૉમિંગ એસેટ્સનો પ્રશ્ન વિકટ બનતો જાય છે. દેશની રાષ્ટ્રીયકૃત બૅન્કોની અંદાજે 9 લાખ કરોડ રૂપિયા જેટલી રકમ ફસાયેલી પડી છે ત્યારે આ નોન-પર્ફૉમિંગ એસેટ્સની સમસ્યા શું છે તે સરળ ભાષામાં સમજાવાનો અહીં પ્રયાસ કર્યો છે. નોન-પર્ફૉમિંગ એસેટ એ અપાયેલી લૉનની એવી શ્રેણી છે જેમાં મૂડી અથવા વ્યાજની પુનઃચુકવણી નિર્ધારિત સમયપત્રક મુજબ ચૂક(ડિફોલ્ટ)માં હોય. મોટાભાગના કિસ્સાઓમાં આ પ્રકારનું દેવું નોન-પર્ફૉમિંગ તરીકે ત્યારે વર્ગીકૃત થાય જ્યારે 90 દિવસ અથવા વધારે સમયથી નિર્ધારિત પુનઃચૂકવણીના સમયપત્રકમાં ચૂક થઈ હોય. જોકે આ સમય મર્યાદામાં વધારો અથવા ઘટાડો કેટલાક ખાસ કિસ્સાઓમાં મંજૂર થયેલ લૉનની શરતો મુજબ થઈ શકે છે.

નોન-પર્ફૉમિંગ એસેટ્સના પ્રકારો

સામાન્ય રીતે તો મુદતી ધિરાણ (ટર્મ લૉન)ના સંદર્ભમાં જ આ શબ્દ પ્રયોજાય છે. પણ આ સિવાય પણ છ પ્રકારની લૉન અને ઍડવાન્સિસ, નોન-પર્ફૉમિંગ એસેટ્સ તરીકે ક્લાસિફાય થઈ શકે છે.

અ) ઓવરડ્રાફ્ટ અને કૅશ ક્રૅડિટ (OD/Cash Credit) યાને કે ઓવરડ્રાફ્ટ અને કેશ ક્રૅડિટ એકાઉન્ટ 90 દિવસ કરતાં નિર્ધારિત ધારાધોરણ મુજબ ન ચાલતા હોય.

બ) એવી કૃષિ લૉન જેની મુદત અથવા વ્યાજનો હપ્તો બે પાક/લણણીની સિઝન કરતાં વધુ સમયથી ચૂકવવાનો બાકી હોય (ટૂંકા ગાળે પાકતા પાક માટે). લાંબા ગાળે પાકતા પાક માટે આ સમય મર્યાદા એક પાક સિઝન જેટલી હોય છે.

ક) 90 દિવસ કરતાં વધુ સમયથી વણચૂકવાયેલ પરચેઝ્ડ અને અથવા ડિસ્કાઉન્ટેડ બિલો.

ડ) અપેક્ષિત પેમેન્ટ 90 દિવસ કરતાં વધુ સમય કરતાં મુદતથી બાકી હોય તે.

ઈ) લાગલાગટ ત્રણ ક્વાર્ટર સુધી કૅશ ક્રૅડિટ ફૅસિલિટી ભોગવતા ગ્રાહકે સ્ટૉક સ્ટેટમેન્ટ ન આપ્યું હોય.

ફ) 90 દિવસ કરતા વધુ સમયથી CC, OD, EPC અથવા PCFC એકાઉન્ટમાં કોઈ હલચલ (ટર્નઓવર)ના હોય.

એનપીએની ટકાવારી

બૅન્કોના કુલ એનપીએની ટકાવારી ક્ષેત્રે FY 2001થી FY 2018 સુધીની વિગતો રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા પાસેથી ઉપલબ્ધ માહિતી મુજબ નીચે પ્રમાણે છે.

વર્ષ કુલ એનપીએ (%)
FY 2001 4.2
FY 2002 5.4
FY 2003 3.9
FY 2004 8.0
FY 2005 7.0
FY 2006 9.5
FY 2007 9.6
FY 2008 9.3
FY 2009 6.7
FY 2010 8.4
FY 2011 8.4
FY 2012 6.5
FY 2013 4.5
FY 2014 4.9
FY 2015 6.2
FY 2016 7.5
FY 2017 9.3
FY 2018E 11.2

આપણી અર્થવ્યવસ્થા વર્ષ 2000થી 2008 સુધી તેજીના તબક્કામાંથી પસાર થઈ રહી હતી ત્યારે એકબીજાની હરીફાઈમાં બૅન્કો આક્રમક રીતે ધિરાણ આપવા કાર્યરત હતી. 2008-09થી પરિસ્થિતિ બદલાઈ. સરકારે ખાણ ખનિજ પ્રોજેક્ટ પર પ્રતિબંધ મૂક્યો અને સાથે-સાથે કૉર્પોરેટ નફાની ટકાવારી ઘટવા માંડી. પર્યાવરણને લગતી મંજૂરીઓમાં વિલંબ, વીજળી તેમજ આયર્ન ઍન્ડ સ્ટીલ જેવા આંતરમાળખાકીય સવલતોના ક્ષેત્રમાં અસ્પષ્ટતા પ્રોજેક્ટને વિલંબમાં મુકવા માટે કારણભૂત બન્યા. ખાસ કરીને મોટા ઔદ્યોગિકગૃહોને પૂરતી ચકાસણી અને ક્રૅડિટ રેટિંગની દરકાર કર્યા વગર બૅન્કો દ્વારા અપાયેલ લૉન પણ બીજું એક તાર્કિક કારણ લાગે છે. પરિણામ સ્વરૂપ બૅન્કનો નફો ઘટતો જાય અને સામે આ પ્રકારની નોન પર્ફૉમિંગ એસેટ્સમાં ફસાઈ ગયેલ રકમ વધતી જાય.

2018-19ની સાલનો દાખલો લઈએ તો રાષ્ટ્રીયકૃત બૅન્કોએ 1.5 લાખ કરોડનો નફો કર્યો તે સામે બૅન્કોની એનપીએમાં 2.16 લાખ કરોડનો વધારો થયો, જે આ નફાને ખાઈ ગયો અને બૅન્કોની મૂડીને પણ ઘસરકો પાડતો ગયો. બૅન્કોની મૂડીમાંથી આ રીતે 66 હજાર કરોડ રૂપિયા ધોવાઈ ગયા છે. એક ટીકા એવી પણ થાય છે કે ઘણે મોટેપાયે સુઆયોજિત રીતે ભાગરૂપે બૅન્કોની મૂડી ચાઉં કરી જવાઈ છે. આ મૂડી જે હેતુ માટે આપવામાં આવી હતી તેને બદલે બીજા ધંધામાં અથવા વ્યક્તિગત સાહસમાં ડાયવર્ટ કરી બૅન્કોના નાણાં ઓળવી જવામાં આવ્યા છે. વિલફૂલ ડિફોલ્ટર્સ દ્વારા પોતાની જવાબદારી મર્યાદિત હોય તે પ્રકારની પબ્લિક અને પ્રાઇવેટ લિમિટેડ કંપનીઓમાં આ નાણાં મેળવી એના સામે જે સારી અસ્કયામતો ઊભી થવી જોઈએ અને ખંતપૂર્વક ધંધો કરી નફો રળી બેંકોમાંથી લીધેલાં નાણાં પરત ચૂકવવાં જોઈએ એવું થતું નથી. પ્રોજેક્ટ રિપોર્ટ સજાવી-ધજાવીને તૈયાર કરવામાં આવે છે. વ્યવસાયિકોની પૂરી ટીમ એના પાછળ લાગે છે. એટલે કાગળ ઉપર આ પ્રોજેક્ટ ખૂબ આકર્ષક અને નફાકારક લાગે. જેનો ઉપયોગ ત્યારબાદ બૅન્કો પાસેથી નાણાં મેળવવા માટે અથવા રોકાણકારો પાસેથી નાણાં મેળવવા માટે થાય છે.

આ પ્રકારની કૉર્પોરેટ કંપની ફડચામાં લઈ જવામાં આવે અથવા બંધ થાય ત્યારે પેલા રોકાણકારોના નાણાં તો પૂરેપૂરા ગયા પણ જે અસ્ક્યામતો ઉપર બૅન્કે ધિરાણ કર્યું હોય તે અસ્ક્યામતોમાંથી પણ બૅન્કોને પોતાનું ધિરાણ પાછું મેળવવા માટે અનેક કારણોસર અવરોધ નડે છે. ફળસ્વરૂપે નોન-પર્ફૉમિંગ એસેટ્સ વધતી જાય છે. બધા જ પ્રમોટરો આવા હોય છે તેવું કહેવાનો આશય નથી, પણ લૉનના તેમજ શેર-મૂડી પેટે મેળવેલ રોકાણકારોના નાણાં હજમ કરી જઈને તગડાં બનનાર પ્રમોટરોની સંખ્યા પણ ખૂબ મોટી છે. વધારામાં આવા લોકોને રાજકીય પીઠબળ મળતું હોવાથી તેમની પાસેથી રિકવરી કરવામાં બૅન્કો ઘાંચમાં પડે છે.

રિઝર્વ બૅન્કના પૂર્વ ગવર્નર રઘુરામ રાજન દ્વારા તાજેતરમાં પાર્લમેન્ટરી પેનલને આપવામાં આવેલા સ્ટેટમેન્ટ મુજબ 2006 અને 2008 વચ્ચે યૂપીએ સરકારના કાર્યકાળ દરમિયાન અતિઉત્સાહી બનીને બૅન્કોએ આપેલ લૉન મહદઅંશે જવાબદાર છે. રઘુરામ રાજનના અવલોકન મુજબ મોટા ભાગનું ખરાબ ધિરાણ (બેડ લૉન્સ) 2006 અને 2008 વચ્ચે યૂપીએના કાર્યકાળ દરમિયાન થયું છે. આમાં પણ જેમનો ઇતિહાસ બહુ સારો નહોતો, ભૂતકાળમાં પણ જેઓ પોતાની જવાબદારીઓ અદા કરવામાં નિષ્ફળ ગયા હતા એવા પ્રમોટરોને લોન અપાઈ છે. જાહેર ક્ષેત્રની બૅન્કો લૉન આપ્યા બાદ આ પ્રમોટર કઈ રીતે નાણાંનો ઉપયોગ કરે છે તેનું મોનિટરિંગ કરવામાં પણ નિષ્ફળ ગઈ છે.

એટલે જ બૅન્કો આ સમયગાળા દરમિયાન એવી હરખપદૂડી બની હતી કે પોતાના ટાર્ગેટ સિદ્ધ કરવા માટે આવા પ્રમોટરોને લગભગ કોરા ચેક આપવાની ઘેલછાંમાં પડી હતી. આમ પાર્લમેન્ટરી પેનલને રઘુરામ રાજને જે કહ્યું તેમાં રાષ્ટ્રીયકૃત બેંકોનો એક પ્રકારનો લૉન આપવા માટેનો ઉન્માદ અને પૂરતી ચકાસણીના અભાવને કારણે આ ધિરાણ જ ખોટી જગ્યાએ થયું હતું અને એટલે આગળના વર્ષોમાં તેને કારણે નોન-પર્ફૉમિંગ એસેટ્સની ટકાવારી અને રકમ વધી. તેનું મોટાપાયે બીજારોપણ 2006થી 2008ના ગાળામાં થયું હતું. મારો અંગત મત એવો છે કે આ ઉપરાંત 2008 બાદ આવેલ મંદીના વાવઝોડાએ પણ આ કટોકટીને વકરાવવામાં ભાગ ભજવ્યો હશે. પ્રશ્ન એ થાય કે જેમનો ઇતિહાસ જ ખરડાયેલો હતો એવા મોટી વગ ધરાવતા લોકોને ધિરાણ આપવા માટે બૅન્કો કેમ ઉત્સુક હતી? રઘુરામ રાજને તો ત્યાં સુધી કહ્યું છે કે જ્યારે ખાનગી બૅન્કો આ કળણમાંથી બહાર નીકળી રહી હતી ત્યારે પણ રાષ્ટ્રીયકૃત બૅન્કો તો વધુ ને વધુ ધિરાણ આપવાની હોડમાં હતી. પ્રશ્ન એ થાય કે સેન્ટ્રલ બૅન્કરનો આ પરિસ્થિતિમાં શું રોલ હતો? રધુરામ રાજન સ્વીકારે છે કે રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા કંઈક અંશે વધુ પડતી ઉદાર અને ઢીલી રહી તેને બદલે જો જાગરુકતા અને કડકાઈ રાખી હોત તો પરિણામો બદલી શકાયાં હોત. આજની પરિસ્થિતિમાં કોઈ નાટ્યાત્મક પરિવર્તન આવે અને એનપીએ ઘટવા માંડે એવું દેખાતું નથી.

આર્થિક મંદીને કારણે અત્યારે નાના અને મધ્યમ કદની કંપનીઓ બૅન્કોને તેમનાં દેવાં ચૂકવવામાં નિષ્ફળ જઈ રહી છે. નજીકના ભવિષ્યમાં આમાં કોઈ સુધારો આવે તેવું દેખાતું નથી. ટકાવારીની દ્રષ્ટિએ પ્રમાણમાં ઓછી પણ કૃષિ માટેની લૉનોની ચૂકવણીમાં પણ કંઈ દમ દેખાતો નથી. શૈક્ષણિક લૉન લેનાર પણ હાલના સંજોગોમાં વધતી જતી બેકારી તેમજ ઘસાતી જતી નોકરીની તકોને કારણે લૉન પરત કરવામાં મુશ્કેલી અનુભવશે. શૈક્ષણિક લૉનની એનપીએ પણ આ કારણથી વધવાની છે. એક સૌથી ખરાબ સંદેશો તો એવો જાય છે કે બૅન્કની લોન લઈને યેન કેન પ્રકારે ન ચૂકવનાર કડદાબાજો પછી તે બિઝનેસ કે ઉદ્યોગ સાથે સંકળાયેલા હોય અથવા એવા રાજકારણીઓ હોય, ખુલ્લેઆમ ફરે છે અને વૈભવી જીવન જીવે છે. આ ખરાબ સંદેશાને લીધે કારણે સામાન્ય લોકોમાં પણ એવી માનસિકતા ઊભી થઈ રહી છે કે બૅન્કોના પૈસા લઈને ન ચૂકવાય તો કશું થવાનું નથી. છેલ્લા 50 વર્ષમાં 8000 બ્રાંચમાંથી 90,000 બ્રાન્ચ કરી ગ્રામીણ તેમજ અર્ધ શહેરી વિસ્તારોમાં બૅન્કિંગ સુવિધા પૂરી પાડતી અગ્રિમતાના ક્ષેત્ર (પ્રાયોરિટી સેક્ટર)માં ધિરાણ કરી અર્થતંત્ર અને સામાજિક વિકાસમાં ફાળો આપતી રાષ્ટ્રીયકૃત બૅન્કોની સ્થિતિ દેશના અર્થતંત્રના વિકાસની એક મહત્વની કડી છે.

એક બાજુ યુવા અને બેરોજગારીનો પ્રશ્ન છે તો બીજી બાજુ કૃષિ અને ખાસ કરીને માઇક્રો, લઘુ અને મધ્યમ ઉદ્યોગો તેમજ નાના-મોટા સેવાકીય ક્ષેત્રની આર્થિક પ્રવૃત્તિઓના વિકાસ માટે વધુ આર્થિક સહાયતાનો ડોઝ આપીને મંદી સામે લડવાની તાતી જરૂરિયાત છે. બરાબર તે જ સમયે રાષ્ટ્રીયકૃત બૅન્કો એનપીએના રાક્ષસી ભરડામાં પીસાઈ રહી છે. આમાંથી બૅન્કો બહાર આવે તે માટે નાણામંત્રીએ કહ્યા મુજબ ખૂબ મોટી રકમ એમની ઘસાઈ ગયેલી મૂડીને સજીવન કરવા સરકાર આપવા માગે છે. સરકારની આ પહેલ આવકારદાયક છે એને કારણે માંદગીને બિછાને ડચકાં ખાઈ રહેલી બૅન્કોને ઓક્સિજન મળી રહેશે એમ માનવામાં આવે છે. સવાલ એ છે કે જો સમગ્ર અર્થવ્યવસ્થાના ફેફસાં જ બગડી ગયા છે તો એને દુરસ્ત કર્યા વગર માત્ર ઓક્સિજન થેરાપી બૅન્કિંગ સેક્ટરને પુનઃ ધબકતું કરી શકશે? નાણામંત્રીની નિયત બાબતમાં કોઈ શંકા નથી પણ પડકાર વધુ મોટો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com