ગુજરાતમાં હીટસ્ટ્રોકે બે દિવસમાં 19નો જીવ લીધો છે. તેમા એકલા સુરતમાં જ નવના મોત થયા હતા. ગરમીમાં વધારો થવાથી હાર્ટએટેક, ડીહાઇડ્રેશન, બેભાન થઈ જવું, લૂ લાગવી, હીટસ્ટ્રોક લાગવો, ઉલ્ટી, ચક્કર સહિતના કિસ્સા વધી રહ્યા છે. ગરમીના લીધે થયેલા મોતમાં જોઈએ તો વડોદરામાં ચાર, મોરબી, જામનગર અને રાજકોટમાં એક-એક વ્યક્તિના મોત થયા છે.વડોદરામાં ગરમીની સીઝનમાં અત્યાર સુધી 23 લોકો મોતને ભેટી ચૂક્યા છે.
અમદાવાદમાં કાળઝાળ ગરમીના લીધે ગરમીને લગતી બીમારીના કેસોમાં વધારો થઈ રહ્યો છે. ગુરુવારે શહેરના ઉત્તર ઝોનમાં ગરમીના લીધે થતી બીમારીના 10 કેસ અને દક્ષિણ ઝોનમાં 16 કેસ સહિત કુલ 35 કેસ નોંધાયા છે. તેની સાથે હીટવેવ હજી પણ જારી રહેતાં લોકોના મોતનો આંકડો સતત વધતો રહેવાનો છે. 108ને છેલ્લા એક અઠવાડિયામાં ગરમી સંબંધિત બીમારીના 200થી વધુ કોલ મળ્યાં છે.
ગરમીએ કેર વર્તાવતા અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલના હીટ સ્ટ્રોકમાં પાંચ દર્દીઓને દાખલ કરવામાં આવ્યા છે. ગુરુવારે 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ મારફતે પાંચ દર્દીઓને સિવિલ ખાતે લાવવામાં આવ્યા હતા. ભારે ગરમીના લીધે લૂની અસર થતાં પાંચ દર્દી હીટ સ્ટ્રોક વોર્ડમાં સારવાર લઈ રહ્યા છે. રાજ્યમાં ગરમીના લીધે છેલ્લા એક મહિનામાં 2,500 જેટલા લોકોને 108 મારફતે સારવાર માટે ખસેડવા પડ્યા છે.