બાંગ્લાદેશના સાંસદ અનવરૂલ્લા અઝીમ અનારની હત્યા કેસમાં ચોકાવનારી વિગતો સામે આવી રહી છે. તાજેતરમાં કોલકાતાના એક ફ્લેટમાંથી તેમનો મૃતદેહ મળી આવ્યો હતો. કોલકાતા પોલીસ આ મામલે સતત તપાસ કરી રહી છે. દરમિયાન આ મામલે એક નવો ખુલાસો સામે આવ્યો છે. સીઆઈડી સૂત્રોના જણાવ્યા અનુસાર બે મહિના પહેલા કોલકાતામાં જ બાંગ્લાદેશના સાંસદની હત્યાનું કાવતરું ઘડવામાં આવ્યું હતું.આ ષડયંત્ર યુએસમાં રહેતા બાંગ્લાદેશી નાગરિક અખ્તરુઝ ઝમાને ઘડ્યું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર, કસાઈ જેહાદ હવાલદારને બે મહિના પહેલા બાંગ્લાદેશના ખુલનાથી લાવવામાં આવ્યો હતો. જે ક્રૂરતા સાથે આ હત્યા કરવામાં આવી તે સાંભળીને તમે ચોંકી જશો. સીઆઈડી બાંગ્લાદેશના સાંસદ અનવારુલ અઝીમની હત્યામાં એક મહિલાનો એંગલ પણ શોધી રહી છે. આ મહિલાનું નામ સેલેસ્ટી રહેમાન છે.
સીઆઈડીના સૂત્રોના જણાવ્યા મુજબ, સેલેસ્ટી રહેમાનને કાવતરાખોરો દ્વારા સાંસદને હનીટ્રેપમાં ફસાવ્યા હતા. આ પછી સેલેસ્ટીએ બાંગ્લાદેશના સાંસદ સાથે મિત્રતા કરી હતી અને તેમને ન્યૂ ટાઉન ખાતેના ફ્લેટમાં લાવી હતી જ્યાં સાસંદની હત્યા કરવામાં આવી હતી. હત્યા સમયે સેલેસ્ટી ફ્લેટમાં હાજર હતી.
હનીટ્રેપમાં ફસાવ્યા બાદ સૌથી પહેલા સાંસદને બેડરૂમમાં લાવવામાં આવ્યા હતા જ્યાં ઓશીકાથી તેમનું મોં દબાવીને હત્યા કરવામાં આવી હતી. તે પછી, જ્યારે આ બદમાશોને ખાતરી થઈ કે સાંસદ મૃત્યુ પામ્યા છે, ત્યારે લાશને રસોડામાં લાવવામાં આવી હતી. જ્યાં કસાઈએ પહેલા ધારદાર હથિયાર વડે સાંસદના મૃતદેહ પરથી ચામડી ઉતારી નાખી હતી. આ પછી માંસનો ખીમો બનાવી નાખ્યો હોવાની વિગતો સામે આવી રહી છે. માંસના ટૂંકડાને પ્લાસ્ટિકમાં એકઠા કરી લેવામાં આવ્યા હતા. હાડકાંના નાના ટૂકડાઓ કરીને કાપીને પ્લાસ્ટિકમાં ભરીને તેનો નિકાલ કરવામાં આવ્યો હતો.
સતત ત્રણ દિવસ સુધી આ આરોપીઓએ ત્યાંથી મૃતદેહના ટુકડાઓ કાઢીને ટેક્સી મારફતે વિવિધ સ્થળોએ ફેંકી દીધા જેથી સાંસદનો મૃતદેહ ક્યારેય ન મળે. આ બાબત ત્યારે સામે આવી જ્યારે સીઆઈડીએ આ મામલે ટેક્સીના ડ્રાઈવરની પૂછપરછ કરી. આ કેસમાં CIDએ ખુલનાના કસાઈ જેહાદ હવાલદારની ધરપકડ કરી છે, જેણે કબૂલ્યું છે કે અખ્તરુઝ ઝમાને પોતે જ આ કાવતરું ઘડ્યું છે.
બાંગ્લાદેશ પોલીસ અધિકારીએ કહ્યું કે અમે જે વ્યક્તિની ધરપકડ કરી છે તેણે આપેલી માહિતી મુજબ મૃતદેહને મળવો મુશ્કેલ છે. તેઓએ મૃત શરીરમાંથી હાડકાં અને માંસને અલગ કર્યા. તેણે તેના ટૂકડા કર્યા અને પછી માંસમાં હળદર ભેળવીને ફેંકી દીધા. કોલકાતા પોલીસ અમને સહકાર આપી રહી છે, અમે આશા રાખીએ છીએ કે જો આખો મૃતદેહ ન મળે તો પણ કેટલાક અંગો ચોક્કસ મળી જશે.