રાજકોટ TRP ગેમઝોનમાં આગ લાગતાં જાનહાનિ થવા પામી હતી. દરમિયાન ફોરેન્સિકની ટીમે મૃતકોનાં DNA ટેસ્ટ લીધા હતા. આજે 27 મૃતકોના રિપોર્ટ આવી શકવાની સંભાવના છે. ગુજરાત હાઈકોર્ટે સરકારને આદેશ આપ્યા છે.
ગુજરાત હાઈકોર્ટે સુનાવણીમાં કહ્યું કે, અગ્નિકાંડ મામલે રિપોર્ટ તૈયાર કરો. RMCની જવાબદારી નક્કી કરો.
આ એક વખતની દુર્ઘટના હોય તેમ નથી, દર વખતે, હાઈકોર્ટ, સુપ્રિમ કોર્ટના નિર્દેશોનો અનાદર કરવામાં આવે છે. CID ક્રાઈમ, SIT સહિતની ટીમોને જવાબ રજૂ કરવાનો હાઈકોર્ટે આદેશ આપ્યો છે. હાઈકોર્ટે ટકોર કરી છે, સરકાર આ વાત હંમેશા યાદ રાખે. ફાયર સેફ્ટીનાં નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. CCTV ફૂટેજમાં વેલ્ડિંગ વખતે આગ લાગતાનું જણાતાં હાઈકોર્ટે આકરા શબ્દોમાં કહ્યું, શા માટે ગેમઝોન ચાલુ રાખવામાં આવ્યો હતો. તમને લોકોના જીવની પડી નથી?
SITની પૂછપરછમાં ઘણા ખુલાસા થયા હોવાની માહિતી મળી છે. ત્યારે જવાબદાર અધિકારીઓના નિવેદન નોંધાશે.
રાજકોટ TRP ગેમઝોનનાં આરોપી રાહુલ લલિતભાઈ રાઠોડની ધરુપકડ કરવામાં આવી છે. આરોપીને ક્રાઈમ બ્રાંંચમાં હાજર કરાયો છે.
રાજકોટ અગ્નિકાંડ બાદ અમદાવાદ શહેરમાં શિક્ષણ તંત્ર એલર્ટ થયું છે. શાળાઓમાં ફાયર સુવિધાઓનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. જીલ્લા શિક્ષણ વિભાગના અધિકારીઓ સફાળા જાગ્યા છે.
હાઈકોર્ટમાં સુઓમોટો પીટિશન પર સુનાવણી થઈ રહી છે. બાંધકામ નિયમોનું પાલન ન થતું હોવાની રજૂઆત કરવામાં આવી છે. હાઈકોર્ટે આકરા શબ્દોમાં કહ્યું કે, “આટલા લોકોના મૃત્યુ હત્યાથી ઓછા નથી”, “GDCRના નિયમ શોભાનાં ગાંઠિયા સમાન છે”. અગ્નિકાંડમાં 30થી વધુ લોકોના મોત થયા છે.
હાઈકોર્ટે સરકારને સવાલ કર્યો છે કે જીડીસીઆરના નિયમોનું શા માટે ઉલ્લંઘન કરવામાં આવ્યું? હાઈકોર્ટે ઘટનાને અધિકારીઓની બેદરકારી ગણાવી છે. આગમાં મનપા સહિતનું તંત્ર જવાબદાર છે. ત્યારે સરકારનું કહેવું છે કે આ મુદ્દે ગંભીરતીથી તપાસ કરી રહ્યાં છે. રાજ્ય સરકાર વતી બે એડિશનલ એડવોકેટ જનરલ ઉપસ્થિત રહ્યાં છે.
ગૃહ વિભાગ અને મુખ્યમંત્રીની બેઠક બાદ 7 અધિકારીઓને સસ્પેન્ડ કરવાનો નિર્ણય લેવાયો છે. સૂત્રો મુજબ, બે PI, R&B વિભાગના ડેપ્યુટી એન્જિનિયર, આસિસ્ટંટ ટાઉન પ્લાનર અને આસિસ્ટંટ એન્જિનિયરને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
રાજકોટ અગ્નિકાંડ મામલે એક પછી એક મોટા ખુલાસા થઈ રહ્યા છે. ત્યારે SITની ટીમે પૂછપરછ હાથ ધરતાં પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવે ખુલાસો કર્યો કે, તેમણે જ મંજૂરી આપી હતી તેવા અહેવાલો મળ્યા છે. એમ્યુઝમેન્ટ પાર્ક ચલાવવાની મંજૂરી આપી હતી. પૂછપરછમાં જાણવા મળ્યું કે, ગત નવેમ્બર 2023માં એમ્યુઝમેન્ટ પાર્ક ચલાવવાની મંજૂરી આપી હતી. તેમજ ફરી મંજૂરી રિન્યુ પણ CPએ જ કરી આપી હતી.
રાજકોટ ગેમઝોન કાંડ મામલે સીટ(SIT)ની ટીમોએ અધિકારીઓની પૂછપરછ શરૂ કરી છે. રાજકોટ મહાનગરપાલિકાના કમિશ્નર આનંદ પટેલ અને પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવને અઢી કલાક સુધી બેસાડવામાં આવ્યા હતા. સીટની ટીમે બંન્ને અધિકારીઓની સઘન પૂછપરછ કર્યુ હોવાનું જાણવા મળ્યું છે.
આ અધિકારીઓને કરાયા સસ્પેન્ડ
બે સિનિયર પોલીસ ઈન્સ્પેક્ટર
R&B વિભાગના ડેપ્યુટી એન્જિનિયર
આસિસ્ટંટ ટાઉન પ્લાનર
આસિસ્ટંટ એન્જિનિયર
ફાયર ઓફિસર
રાજકોટ અગ્નિકાંડ મુદ્દે બે સિનિયર PIને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
રાજકોટમાં ગેમઝોન અગ્નિકાંડ મામલે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી શરૂ થઈ ગઈ છે. સુઓમોટો પિટિશનના આધારે ગઈકાલ બાદ આજે પણચીફ જસ્ટિસ બિરેન વૈષ્ણવ અને દેવેન દેસાઈની અધ્યક્ષતામાં હાઈકોર્ટે સુનાવણી હાથ ધરી છે. ફરિયાદીના વકીલે આરોપીઓની સ્થાવર મિલકત ટાંચમાં લેવા હાઈકોર્ટ સમક્ષ માગ કરી છે. સરકાર દ્વારા જાહેર કરાયેલ વળતરમાં વધારાની પણ માગ કરી છે. ઉપરાંત, આરોપીઓની મિલકતો વેચી વળતર આપવા રજૂઆત કરવામાં આવી છે. સુઓમોટો પિટિશનમાં વચગાળાની રાહતો મંગાઈ છે.
ગેમઝોન 4 વર્ષથી ધમધમી રહ્યું હોવાનો ખુલાસો થયો છે. ફાયર NOC વિના જ ટેમ્પરરી મંજૂરી અપાઇ હતી. ત્યારે સવાલો થઈ રહ્યાં છે કે 4 વર્ષથી શા માટે કોઇ જ કાર્યવાહી કરવામાં આવી ન હતી.
રાજકોટની ઘટના બાદ અમદાવાદમાં પણ તપાસ શરૂ કરાઈ છે. અમદાવાદ શહેરના તમામ ગેમઝોનમાં તપાસ આદરવામાં આવી છે. શહેરનાં બે મોલમાં એક-એક ગેમ ઝોનની મંજૂરી આપવામાં આવી હતી. માહિતી મુજબ, એક ગેમઝોનની મંજૂરીમાં બીજા ગેમઝોન શરૂ કરવામાં આવ્યા હતા. ત્યારે સરકારનાં તમામ ગેમઝોન બંધ રાખવા આદેશ આપવામાં આવ્યા છે.
ગેમઝોન દુર્ઘટના બાદ તંત્ર હરકતમાં આવ્યું છે. રાજ્ય સરકારે તમામ કોર્પોરેશનને આદેશ આપ્યા છે. અનુસંધાને 100થી વધુ ગેમઝોનને તાત્કાલિક બંધ કરાવાયા છે. 30 ટકા ગેમઝોન પાસે ફાયર NOC જ નથી. અમદાવાદ શહેરમાં 25 ગેમઝોન આવેલાં છે. જેમાં માત્ર 10 પાસે જ NOC છે. સુરતમાં 18 ગેમઝોન ધમધમી રહ્યાં છે.
આગને પગલે રાજકોટમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે. રાજકોટ શહેરમાં તમામ વેપાર-ધંધા બંધ રહેશે. વેપારીઓએ સ્વયંભુ બંધ પાડશે.
TRP ગેમઝોનની તપાસ ક્રાઈમ બ્રાંચને સોંપવામાં આવી છે. ઝડપથી ગુનાની તપાસ પૂર્ણ કરવા આદેશ આપવામાં આવ્યા છે. સંયુક્ત પોલીસ કમિશ્નર વિધિ ચૌધરીના નેતૃત્વ હેઠળ વિશેષ ટીમ ઊંડાણપૂર્વક તપાસ કરશે. ઝોન 2 DCP સુધીર દેસાઈ અને DCP ક્રાઇમ ટીમમાં સામેલ છે.
રાજકોટ ગેમઝોનમાં બિયરના ટીન મળવા મામલે તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસે બિયરના 8 ટીન કબ્જે કર્યા હતા. બિલ્ડીંગના પહેલા માળે સંચાલકની ઓફિસમાંથી ટીન મળી આવ્યા છે. પોલીસે લિકર પ્રોહિબિશનની કલમ અંતર્ગત ગુનો દાખલ કરી ફરિયાદ નોંધી છે.
રાજકોટ TRP ગેમઝોન મામલે એક મૃતદેહની ઓળખ થઈ છે. 33 વર્ષીય યુવકના DNA મેચ થયા હતા. મૃતકનું નામ જીગ્નેશભાઈ ગઢવી હતું. ટીઆરપી ગેમઝોનમાં 22 દિવસથી નોકરી કરતા હતા. ફોરેન્સિક નિષ્ણાતોએ પુત્ર સાથે DNA મેચ કર્યા હોવાનું જાણવા મળ્યું છે.
FSLની ટીમે ડીએનએ લઈ ગાંધીનગર એરએમ્બ્યુલન્સ મારફતે મોકલ્યા હતા. માહિતી મુજબ ડીએનએ રિપોર્ટ 48 કલાકમાં આવવાની સંભાવના હતી ત્યારે આજે બપોર બાદ રિપોર્ટ આવતા આગળની કાર્યવાહી હાથ ધરાશે. આજે સવારે એક પરિવારનો મૃતક સાથે DNA મેચ થઈ જતાં તેમને મૃતદેહ સોંપવામાં આવ્યો છે. કેટલાક મૃતકોના DNA રિપોર્ટ આવી ગયા છે. રિપોર્ટ આવતાં પરિવારને મૃતદેહો સોંપવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.