શનિવારે સાંજે રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં મોટા સમાચાર સામે આવ્યા છે. આ ચકચારી મામલામાં છ સરકારી કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ આગકાંડમાં બે પોલીસ ઇન્સપેક્ટર, બે આસિસ્ટન્ડ એન્જિનિયર અને બે ડેપ્યુટી એન્જિનિયરને તાત્કાલિક અસરથી ફરજમોકુફીના આદેશો કર્યા છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ રાજકોટ ગેમ ઝોન દુર્ઘટના સ્થળની મુલાકાત લઇને જાત નિરિક્ષણ કર્યું હતું.
આ અતિગંભીર ઘટના અંગે જવાબદારો સામે કડક શિક્ષાત્મક કાર્યવાહીની સુચનાઓ આપવામાં આવી હતી. જેને પગલે રાજ્ય સરકારે છ અધિકારીઓની તાત્કાલિક અસરથી ફરજમોકુફીના આદેશો કર્યા છે. આ ગેમઝોન જરૂરી મંજુરીઓ વિના શરૂ કરવા દેવાની ગંભીર નિષ્કાળજી અને ફરજક્ષતિ અંગે રાજ્ય સરકારે પોલિસ, મહાનગરપાલિકા અને માર્ગ મકાન વિભાગના છ અધિકારીઓની જવાબદારી નિયત કરીને તેમની સામે સખત શિક્ષાત્મક કાર્યવાહી કરવાનો નિર્ણય કર્યો છે.
નોંધનીય છે કે, રાજકોટની સયાજી હોટલ પાસે ટી.આર.પી. ગેમ ઝોનમાં લાગેલી ભીષણ આગથી 28 લોકો ભડથું થઈ ગયા હતા. આ ઘટનામાં રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ. પ્રજ્ઞેશ બી. ત્રાજીયા ફરિયાદી બન્યા છે. તેમણે ગેમ ઝોનના માલિક યુવરાજસિંહ સોલંકી સહિત છ શખ્સ અને તપાસમાં ખૂલે એ શખ્સો સામે એફ.આઈ.આર. દાખલ કરી છે. આ આરોપીઓ સામે પોલીસે સાપરાધ મનુષ્યવધની કલમ 304 સહિત ભારતીય દંડ સંહિતાની કલમ 308, 337, 338, 114 મુજબ ગુનો દાખલ કર્યો છે.