રાજકોટમાં બનેલા અગ્નિકાંડમાં 30 લોકોના જીવ ગયા છે ત્યારે આ મામલે ગુજરાત રાજ્ય માનવ અધિકાર પંચ પણ હરકતમાં આવ્યું છે અને આ ઘટનાને લઈને ગુજરાત માનવ અધિકાર પંચે રાજકોટ શહેર પોલીસ કમિશનર અને મ્યુનિસિપલ કમિશનરને નોટીસ ફટકારી ખુલાસા પુછ્યા છે તેમજ આ મામલે જવાબદાર અધિકારી અંગેને અહેવાલ આપવા આદેશ કર્યો છે.
ટીઆરપી ગેમઝોનમાં બનેલી આગની દૂર્ઘટનામાં 30 નીર્દિોષ જિંદગીઓ આગમાં હોમાઈ ગઈ હોય આ ઘટનાને લઈને રાજ્યભરમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે.
હાઈકોર્ટ દ્વારા પણ આ મામલે આકરું વલણ દાખવવામાં આવ્યું છે ત્યારે ગુજરાત રાજ્ય માનવ અધિકાર પંચે આ ઘટનાને લઈને પોલીસ કમિશનર અને રાજકોટ મ્યુનિસિપલ કમિશનરને નોટીસ ફટકારી છે આ નોટીસમાં આ અગ્નિકાંડના બનાવમાં જવાબદાર અધિકારીઓની શું ભુમીકા રહી તે સહિતની માહિતીનો અહેવાલ રિપોર્ટ તાત્કાલીક રજૂ કરવા આદેશ આપ્યો છે ઉપરાંત માનવ અધિકાર પંચે ગુજરાત રાજ્યના અલગ અલગ શહેર અને જિલ્લાના કલેક્ટર તેમજ જે તે જિલ્લાના પોલીસ અધિક્ષક તેમજ પોલીસ કમિશનર પાસે ગેરકાયદેસર મંજુરી વગર તેમજ ફાયર એનઓસી વગર ચાલતા આવા ગેમઝોન અંગે માનવ અધિકાર આયોગને માહિતી આપવા આદેશ કર્યો છે. રાજકોટની આ ઘટનાને લઈને ગુજરાતભરના ગેમઝોનોમાં ચેકીંગ શરૂ કરાયું છે આ મામલે માનવ અધિકાર પંચ પણ મેદાને આવતા આ મામલે હવે જવાબદારો સામે વધુ આકરી કાર્યવાહી થશે તેવા એંધાણ દેખાઈ રહ્યા છે.