રાજકોટમાં 27 લોકોનો ભોગ લેનારા ટીઆરપી ગેમઝોન ફંડમાં અધિકારીઓની જવાબદારી ફિકસ કરવાની કવાયતના ભાગરૂપે આઈએએસ-આઈપીએસ સહિતના અધિકારીઓની પુછપરછનો દોર શરુ કરી દેવામાં આવ્યો છે. રાજકોટથી તાબડતોડ બદલી પામેલા ચાર સહિત આઠ આઈએએસ-આઈપીએસ અધિકારીઓની પુછપરછ થશે. આ સિવાય ફાયરબ્રિગેડ સહિત અન્ય વિભાગોના મળીને કુલ 30 જેટલા અધિકારીઓની ‘સીટ’ ઈન્કવાયરી કરશે તેવા નિર્દેશ સાંપડયા છે.
રાજકોટના અગ્નિકાંડ વિશે તપાસ કરવા સરકારે ‘સીટ’ની રચના કરી જ છે. પ્રાથમીક રિપોર્ટ સોંપાયા બાદ હવે વધુ ઉંડાણપૂર્વક તપાસ શરૂ થઈ છે. ‘સીટ’ દ્વારા અંદાજીત 30 અધિકારીઓને સમન્સ પાઠવીને આજ સવારથી વારાફરતી પુછપરછ હાથ ધરવામાં આવી છે. બે દિવસ આ કવાયત ચાલુ રહેવાની શકયતા છે.
રાજકોટના ચીફ ફાયર ઓફીસર આજે સવારે જ પોલીસ ભવન પહોંચી ગયા હતા. આ સિવાય રાજકોટથી બદલી પામેલા મ્યુનિસિપલ કમિશ્નર આનંદ પટેલ, પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવ તથા એડીશ્નલ પોલીસ કમિશ્નર વિધિ ચૌધરી પણ પોલીસ ભવન પહોંચ્યા હતા. સૂત્રોએ એમ કહ્યું કે રાજયના પોલીસ વડા વિકાસ સહાય પણ ત્રણેય અધિકારીઓની પુછપરછ દરમ્યાન હાજર રહ્યા હતા.
એવી વિગતો બહાર આવી છે કે સીટ દ્વારા કુલ 8 આઈએએસ-આઈપીએસ અધિકારીઓની પુછપરછ કરાશે. અગ્નિકાંડ સર્જાયો તે ટીઆરપી ગેમઝોન 2021થી ધમધમતો હતો. રાજકોટમાં ફરજ બજાવી ચુકેલા પુર્વ સનદી અધિકારીઓ ત્યાં રૂબરૂ પણ ગયા હતા છતાં કાયદાનો ઉલાળીયો કરીને તે ચાલતુ હોવા વિશે કોઈએ પગલા લીધા ન હતા કે કોઈ તપાસ ચકાસણીની પણ તસ્દી લીધી ન હતી તેના આધારે પુર્વ અધિકારીઓની પણ પુછપરછ થનાર છે.
સમગ્ર બનાવમાં રાજય સરકારે ફાયરબ્રિગેડ, પોલીસ તથા માર્ગમકાન વિભાગના સાત અધિકારીઓને સસ્પેન્ડ કર્યા હતા. આ સિવાય ગઈકાલે સીટી ટીપીઓ સાગઠીયા, ફાયર અધિકારી ઠેબા, વિજ ઈજનેર ચૌહાણ વગેરેની પુછપરછ કરી હતી. આ તમામની ફરી ‘સીટ’ પણ પુછપરછ કરી શકે છે.
સૂત્રોએ એમ કહ્યું છે કે સીટ દ્વારા 30 જેટલા અધિકારીઓની પુછપરછ કરવામાં આવનાર છે. રાજકોટના અગ્નિકાંડની તપાસમાં સરકારે ‘સીટ’ને છુટ્ટોદોર આપ્યો જ છે. કોઈપણ જવાબદાર અધિકારીઓને નહીં છોડવા અને ગમે તેની પુછપરછ કરવાની છુટ્ટ આપવામાં આવી છે.
સમગ્ર રાજયમાં આક્રોશ સર્જનાર આ ઘટના વિશે નિર્ણાયક પગલા લેવાનો ઈરાદો છે. 10 દિવસમાં આખરી રિપોર્ટ આપવા કહેવાયુ છે. પુછપરછ બાદ સીટ દ્વારા કોઈની ધરપકડ કરવામાં આવે છે કે કેમ તે વિશે અટકળો પ્રવર્તવા લાગી છે.