સીબીઆઈ, ઇડીનો ડર બતાવી માઇકાના ડાયરેકટર શૈલેન્દ્ર મહેતાને પાસેથી 1.15 કરોડ પડાવી લીધાના કેસમાં અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાંચે તપાસ કરતા આ કૌભાંડ છેક ચીનથી ઓપરેટ થતું હોવાનો ધડાકો થયો છે.
વધુ બે આરોપી પ્રદીપ વશરામ મણિયા (રહે. જલદર્શન સોસાયટી, સવજી કોરાટ બ્રિજ, નાના વરાછા, સુરત) તથા વીરેન બાબુ આસોદરીયા આસોદરિયા (રહે.બ્લુ બેલ, મહારાજા ફાર્મ પાસે, સુરત)ને ઝડપી લેવાયા છે. આ કેસમાં અગાઉ રાજકોટ, પોરબંદર, ધોરાજી, અમદાવાદના 14 આરોપી પકડાયા હતા. હવે વધુ 2 આરોપીને સુરતથી દબોચી લેવાયા છે. પ્રદીપ મણીયા માસ્ટર માઇન્ડ, ક્રિપ્ટો થકી 700 કરોડના ટ્રાન્જેકશન કર્યા, વિરેન આસોદરીયા જે ચીનાઓ સાથે વહેવાર કરતો તેના નામ મળ્યા છે. 9 ચાઇનીઝ વ્યકિત સાથે તેમના આર્થિક વ્યવહારો સામે આવ્યા છે.
ઉપરાંત માઇકાના ડાયરેક્ટર પાસેથી પડાવેલા પૈસા જે રોહનના ખાતામાં જમા થયા હતા તે રૂપિયા વીરેન પાસે પહોંચ્યા હતા. આ વીરેન વિરુદ્ધ દેશભરમાંથી સાયબ ક્રાઇમની 610 ફરિયાદો નોધાઇ છે. 51 બેન્ક એકાઉન્ટની વિગતો મળી છે. આવા કરોડો રૂપિયા કયા માર્ગે ક્યાં ગયા તેની તપાસ શરૂ થઈ છે.
અગાઉ ખૂલેલું કે, શૈલેન્દ્ર મહેતાના રૂ.4,99,200 રોહન લેઉઆના એકાઉન્ટમાં જમા થતા. તે ઉપાડીને કિરણ તથા અંકિતે પોતાનુ કમિશન કાપી સુરતના વીરેન આસોદરિયાને મોકલી આપ્યા હતા. વિરેન ચાઇનાના 9 નાગરિકોના સંપર્કમાં હતો.
આરોપીઓ જ્યારે પોતાના ટાર્ગેટ શિકારને વીડિયો કોલ કરતા ત્યારે એક ફિલ્મી સેટ ઊભો કરવામાં આવતો. સીબીઆઈ, ઇડીની ઓફિસ જેવો સેટ બનાવતા ત્યાં અધિકારી પોલીસ અધિકારીના યુનિફોર્મમાં તેયાર બેઠા હોય. ત્યાર બાદ વીડિયો કોલ કરીને ટાર્ગેટને ડરાવી ધમકાવી પૈસા પડાવવાનું ચાલુ કરવામાં આવતું હતું.
અગાઉ આ કેસમાં મિહિર રમણીકભાઇ ટોપિયા (ઉ.વ. 23, હીરાપરાવાડી, નવયુગ સ્કૂલ પાસે, ધોરાજી, રાજકોટ), અંકિત ભલાભાઇ દેસાઇ (ઉ.વ. 29, ઘરનં- 18, હરિકૃષ્ણ સોસાયટી, ઇસનપુર, સરદાર ચોક, અમદાવાદ), પ્રફુલ લવજીભાઇ વાલાણી (ઉ.વ. 43, અંજનીસૂત હનુમાન મંદિર પાસે, ધોરાજી, રાજકોટ), રોનક હરેશભાઇ સોજીત્રા (ઉ.વ. 23 અભ્યાસ, દેવભૂમિ એપાર્ટમેન્ટ, તાપસ સોસાયટી, રાજકોટ), કિરણ અમથાભાઇ દેસાઇ (ઉ.વ. 29, રહે. હરિકૃષ્ણ સોસાયટી, સરદાર ચોક, ઇસનપુર), કિશા પોલાભાઇ ભારાઇ (ઉ.વ. 45, નેસ વિસ્તાર, સાસણ નેસ, પોરબંદર), મેરુભાઇ બાવનભાઇ કરમટા (ઉ.વ. 24, રહે. ધુવારા પાટિયાની બાજુમાં, મોબતપુરા, કુતિયાણા, પોરબંદર), યોગીરાજસિંહ દિવ્યરાજસિંહ જાડેજા (ઉ.વ. 36, રત્નમપ્રાઇડ સોસાયટી, ગ્રીનફીલ્ડ સોસાયટી, ઘંટેશ્વર, રાજકોટ), રવિ બાબુભાઇ સવસેટા (ઉ.વ. 26, રહે. કૃષ્ણાજી સોસાયટી, નાલંદા વિદ્યાલય પાછળ, રાજકોટ), રોહન પ્રહલાદભાઇ લેઉવા (ઉ.વ. 26, રહે. અતિથિ એવન્યૂ, નારોલ, અમદાવાદ), રોહિત જિતુભાઇ વાઘેલા (ઉ.વ. 24, સુનાપુરી રોડ, રામપુરા, ધોરાજી, રાજકોટ), સાગર રમેશભાઇ ડાભી (ઉ.વ. 31, વૃંદાવન સોસાયટી, અવધ રોડ, રાજકોટ), મોઇન અલ્તાફભાઇ ઇંગોરિયા (ઉ.વ. 26, પહેલો માળ, કિનારા એપાર્ટમેન્ટ, બહારપુરા, રબાનીનગર, ધોરાજી, રાજકોટ), નેવીવાલા મુસ્તુફા યુનુસ વગેરે ઝડપાયા હતા.