ગાંધીનગરના કુડાસણ ખાતે આવેલી બોસ્કી સન લાઈટ કન્સ્ટ્રક્શન સાઇટ ખાતે ગઈકાલે સાંજના સમયે ભોંયરું બનાવવા માટે ખોદવામાં આવેલી માટીની ભેખડ ધરાશાયી થઈ જતાં બે મજૂરો દટાઈ ગયા હતા. આ બનાવના પગલે બંને ઈજાગ્રસ્ત મજૂરોને ગાંધીનગર સિવિલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં એક મજૂરનું ટૂંકી સારવાર દરમ્યાન મોત નિપજતા ઈન્ફોસિટી પોલીસ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ગાંધીનગરના કુડાસણ ખાતે બોસ્કી સનેલાઈટ નામની 3 બીએચકે ફ્લેટ – દુકાનોની કન્સ્ટ્રક્શન સાઈટ ઉપર ગઈકાલે સાંજના માટીની ભેખડ ધસી પડતાં બે મજૂરો દટાઈ ગયા હતા. જે પૈકી એક મજૂરનું મોત નીપજ્યું હતું. જ્યારે બીજા મજૂરને સારવાર અર્થે સિવિલમાં દાખલ કરવામાં આવ્યો છે. પ્રાપ્ત વિગતો અનુસાર કુડાસણમાં બોસ્કી સનેલાઈટ ગામની ફ્લેટ અને દુકાનોની નવીન કન્સ્ટ્રક્શન સાઈટ ઉપર ગઈકાલે સાંજના સમયે મજૂરો કામ કરી રહ્યા હતા.
આ દરમ્યાન ભોંયરું બનાવવા માટેની ખોદવામાં આવેલી માટીની ભેખડ ધસી પડતાં બે મજૂરો દટાઈ ગયા હતા. આ બનાવના પગલે અત્રે કામ કરતા મજુરોએ માટી હટાવીને બે મજૂરોને બહાર કાઢી લેવામાં આવ્યા હતા. જેમાં મોન્ટુ યાદવ નામના મજૂરની હાલત ગંભીર હતી. બે મજૂરો દટાઈ ગયાની જાણ થતાં કન્સ્ટ્રક્શન સાઇટનાં સુપરવાઇઝર સહીતના લોકો પણ સ્થળ ઉપર દોડી ગયા હતા.
બાદમાં બંને મજૂરોને તાત્કાલિક સારવાર અર્થે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં મોન્ટુ યાદવનું ટૂંકી સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું. આ ઘટનાની જાણ થતાં ઈન્ફોસિટી પોલીસ પણ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. આ અંગે પોલીસ સૂત્રોએ ઉમેર્યું હતું કે, કન્સ્ટ્રક્શન સાઇટ ખાતે ભોયરું ખોદવામાં આવેલું છે. જેની માટીનો એક ભાગ ધરાશાયી થયો હતો. એ વખતે અહીં કામ કરી રહેલા બે મજૂરો માટી નીચે દટાઈ ગયા હતા. જેઓને બહાર કાઢી સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જે પૈકી મોન્ટુ યાદવ નામના મજૂરનું ટૂંકી સારવાર દરમ્યાન મોત થયું હતું.