રાજકોટ અગ્નિકાંડ પછી જાગૃત થયેલ ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની ટાઉન પ્લાનિંગ, એસ્ટેટ તેમજ ફાયર બ્રિગેડ ધ્વારા સંયુક્ત રીતે ડ્રાઈવ શરૂ કરી સ્કૂલો, કોલેજો, હોસ્પિટલો, મોલ સહિતના એકમોમાં સઘન ચેકીંગ શરૂ કરી દેવાયું છે. જે અંતર્ગત આજે ફાયર એનઓસી રિન્યુઅલ નહીં કરાવનાર વાવોલની સિદ્ધાર્થ મીરેકલ સ્કૂલ, સેકટર – 21 ની જંગલ જોય રેસ્ટોરન્ટ તેમજ સેકટર – 16 માં ભોંયરામાં ચાલતાં આદર્શ ભોજનાલયને પણ સીલ મારી દેવામાં આવ્યું છે.
રાજકોટ અગ્નિકાંડ પછી સફાળા જાગી ઉઠેલા ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્રનાં ટાઉન પ્લાનિંગ, એસ્ટેટ તેમજ ફાયર બ્રિગેડ ધ્વારા શહેરી વિસ્તારની સ્કૂલો, કોલેજો, હોસ્પિટલ, મોલ સહિતના એકમોમાં ફાયર એનઓસી તેમજ બિયું પરમિશન ઉપરાંત ગેરકાયદેસર બાંધકામ અંગેનું સઘન ચેકીંગ શરૂ કરી દેવાયું છે. જે અન્વયે ફાયર એનઓસીનાં ધજાગરા ઉડાવી નિયમો નેવે મૂકીને ચાલતી દિલ્હી પબ્લિક સ્કૂલ, વસંત કુંવરબા સ્કૂલ, નવ ગુજરાત કોમર્સ કોલેજ ઉપરાંત સરગાસણમાં હોક્કો કીચન, સરગાસણ-કુડાસણમાં બેઝમેન્ટમાં આવેલું કેપીટલ આઈકોન-2, સેક્ટર-6માં આવેલું વિશાલ સુપર માર્કેટ, સેક્ટર-21માં ઓશિયા હાઈપર માર્ટ, સેક્ટર-16માં રજવાડી ભોજનાલયને સીલ મારી દેવાયા છે.
ઉલ્લેખનીય છે કે, સેકટર – 21 ઓશિયા હાઈપર માર્ટને
ભૂતકાળમાં કોર્પોરેશન દ્વારા અનેકવાર સીલ કરવામાં આવ્યું
હતું. તેવી જ રીતે સેકટર – 6 નાં વિશાલ સુપર માર્કેટને પણ
ભૂતકાળમાં સીલ મારી દેવાયું હતું. અને કોઈ કારણસર
કોર્પોરેશનના હાથ પણ કાર્યવાહી કરતાં ટૂંકા પડ્યા હતા.
કોઈ નક્કર કાર્યવાહી નહીં થતાં બંને એકમો ફરીવાર શરૂ થઈ
ગયા હતા. ત્યારે રાજકોટ અગ્નિકાંડ પછી પુનઃ ઉક્ત બંને
એકમોને સીલ મારી દેવાયા છે. એજ રીતે આજે રવિવારે
જાહેર રજાના દિવસે પણ કોર્પોરેશનની ટીમોએ ચેકીંગ હાથ
ધર્યું હતું. જેમાં વાવોલની સિદ્ધાર્થ મીરેકલ સ્કૂલ, સેકટર
– 21 ની જંગલ જોય રેસ્ટોરન્ટ તેમજ સેકટર – 16 માં
ભોંયરામાં ચાલતાં આદર્શ ભોજનાલય પણ ફાયરના નિયમોને
નેવે મૂકીને ધમધમતા હોવાનું સામે આવ્યું હતું. જેનાં પગલે
ત્રણેય એકમોને સીલ મારીને દેવામાં આવ્યા છે.
બીજી તરફ ગાંધીનગર શહેરી વિસ્તારમાં બિયું પરમિશન વિનાનાં કેટલી સ્કૂલો, કોમર્શિયલ બિલ્ડીંગ આવેલા છે એજ માહિતી કોર્પોરેશન પાસે ઉપલબ્ધ નથી. જેથી મનપા દ્વારા ગુડા તેમજ ઔડા પાસે પણ વિગતો મેળવવામાં આવી રહી છે. જે બાદ બિયું વિનાનાં એકમોને નોટિસો આપવામાં આવશે. ઘણાં કિસ્સામાં તો ગામતળની જમીનમાં જેતે વખતે ગ્રામ પંચાયત દ્વારા સીધી જ બિયું પરમિશન આપી દેવાઈ છે. કુડાસણની ગામતળની જગ્યામાં ચાલતી એક નામાંકિત સ્કૂલને આજ રીતે જેતે સમયે પંચાયત દ્વારા બિયું પરમિશન આપી દેવાઈ હતી. જેનાં કેમ્પસમાં નામ પુરતું ગ્રાઉંડ હોવા છતાં સ્કૂલ ધમધમી રહી છે. હવે ભૂતકાળમાં બિયું મળ્યું હોવાથી હાલમાં મનપા તંત્ર પણ કાર્યવાહી કરવા અવઢવમાં મુકાઈ ગયું છે.