રાજ્યની સરકારી અને ગ્રાન્ટેડ સ્કૂલોમાં ફરજ બજાવાત શિક્ષકો અને અન્ય કર્મચારીઓને નિવૃત્તિના સમયે મળવાપાત્ર ગ્રેચ્યુટી મર્યાદા રૂ. 20 લાખથી વધારીને રૂ. 25 લાખ કરવા માટે શૈક્ષિક સંઘ દ્વારા નાણાં મંત્રીને રજૂઆત કરવામાં આવી છે. કેન્દ્રીય કર્મચારીઓની જેમ રાજ્યના કર્મચારીઓને પણ લાભ આપવામાં આવે તે માટે માગ કરાઈ છે.
જેમાં મોંઘવારીનો દર તથા સાતમા પગાર પંચની ભલામણ અનુસાર આ લાભ આપવા માટે જણાવ્યું છે. આ અંગે તાકીદે નિર્ણય લેવામાં આવે તેમ પણ રજૂઆત કરવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા ગ્રેચ્યુટી મર્યાદામાં વધારો કરવા માટે રાજ્યના નાણા મંત્રીને પત્ર લખીને રજૂઆત કરી હોવાનું જાણવા મળે છે. રાજ્યમાં મોંઘવારીનો દર 50 ટકા અને સાતમા પગાર પંચની ભલામણ અનુસાર કેન્દ્રીય કર્મચારીઓની જેમ ગુજરાતના કર્મચારીઓને પણ નિવૃત્તિના સમયે મળવાપાત્ર ગ્રેચ્યુટી મર્યાદા વધારવામાં આવે તેવી માગ કરી છે. કેન્દ્રીય કર્મચારીઓની જેમ ગુજરાતની સરકારી તેમજ ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓ, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના શિક્ષકો અને અન્ય કર્મચારીઓને નિવૃત્તિના સમયે મળવાપાત્ર ગ્રેચ્યુટી મર્યાદા રૂ. 20 લાખથી વધારીને રૂ. 25 લાખ કરવા ભલામણ કરાઈ છે.
નોંધનીય છે કે, કેન્દ્ર સરકારે પોતાના કર્મચારીઓને તાજેતરમાં મોટી ભેટ આપી હતી. કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો કર્યા બાદ સરકારે ગ્રેચ્યુટીની રકમમાં મોટો વધારો કર્યો હતો. સરકારે નિવૃત્ત કર્મચારીઓની ગ્રેચ્યુટી 25 ટકા વધારી દીધી છે. 30 મે, 2024ના ઓફિસ પરિપત્ર મુજબ, 7મા પગાર પંચની ભલામણો અનુસાર, નિવૃત્તિ ગ્રેચ્યુટીની મહત્તમ મર્યાદા 25 ટકા વધારીને 20 લાખ રૂપિયાથી વધારીને 25 લાખ કરવામાં આવી છે. તે 1 જાન્યુઆરી, 2024થી લાગુ થશે. અગાઉ, આ જ જાહેરાત 30 એપ્રિલ, 2024ના રોજ કરવામાં આવી હતી, પરંતુ 7 મેના રોજ તેને અટકાવી દેવામાં આવી હતી.