પુણેમાં લક્ઝરી કારના અકસ્માતની ઘટના પર આકરી ટીકા થયા બાદ રાજ્યના એક્સાઇઝ વિભાગે ફરી સતર્કતા દેખાડી છે. રાજ્યમાં દારૂ વેચતી તમામ દુકાનોનાં દેવી-દેવતા પર રાખેલાં નામ બદલવા માટે વહીવટી તંત્રના ૨૦૨૨ના આદેશ પ્રમાણે કાર્યવાહી કરવા ફરી નવો આદેશ બહાર પાડવામાં આવ્યો છે.દારૂનું વેચાણ કરતાં અનેક બાર, હોટેલ, વાઇન શૉપ વગેરેને દેવી-દેવતાઓનાં નામ આપવામાં આવ્યાં છે.
આ સિવાય રાષ્ટ્રપુરુષ અને કિલ્લાઓનાં નામ પણ આપવામાં આવ્યાં છે. જોકે દેવી-દેવતાઓનું અપમાન થતું હોવાથી લાગણીઓ દુભાય છે એટલે આ નામો બદલવાની માગણી કરવામાં આવી હતી. એથી રાજ્ય સરકાર દ્વારા ૨૦૨૨ની ૭ એપ્રિલે એક અધ્યાદેશ બહાર પાડીને દારૂનું વેચાણ કરતી તમામ દુકાનોનાં ધાર્મિક, રાષ્ટ્રપુરુષ અને ગઢ-કિલ્લાનાં નામ બદલવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો. રાજ્ય સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા આદેશમાં ૫૬ રાષ્ટ્રપુરુષ અને ૧૧૫ કિલ્લાઓનાં નામની યાદી ઉમેરવામાં આવી હતી. નોટિસમાં જણાવવામાં આવ્યું હતું કે જે સંસ્થાઓ આ આદેશનો અમલ નહીં કરે એમનું લાઇસન્સ રદ કરવામાં આવશે. એ વખતે ઘણા બારમાલિકોએ દાવો કર્યો હતો કે તેમની દુકાનનાં દુર્ગા, શ્રી કૃષ્ણ, મહાદેવ નામ દેવી-દેવતાઓનાં નામ પર નહીં પરંતુ તેમનાં માતા-પિતાના નામ પરથી રાખવામાં આવ્યાં છે. કેટલાંક સંગઠનોએ આ નિર્ણય પર સ્ટે માગવા કોર્ટનો દરવાજો ખખડાવ્યો હોવાથી નામ બદલવામાં આવ્યાં નહોતાં.
પુણેમાં કાર-અકસ્માત બાદ રાજ્યનો એક્સાઇઝ વિભાગ કોઈ જોખમ લેવા તૈયાર નથી. એથી દારૂની દુકાનોની તપાસની સાથે અધ્યાદેશ ૨૦૨૨નો કડક અમલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ૨૬ મેએ રાજ્યના એક્સાઇઝ વિભાગના કમિશનર વિજય સૂર્યવંશીએ આ સંદર્ભે તમામ સુપરિન્ટેન્ડેન્ટને પત્ર મોકલ્યો છે. અધ્યાદેશ મુજબ દારૂનું વેચાણ કરતી દુકાનોના લાઇસન્સધારકોને નિર્દેશ આપવામાં આવ્યો છે કે તેઓ તેમની દુકાનોનાં દેવી-દેવતાઓ, રાષ્ટ્રપુરુષો, મહાનુભાવો અને કિલ્લાઓનાં નામ તરત બદલે અને જો બદલાયાં ન હોય તો રિપોર્ટ સબમિટ કરે. એમાં બેદરકારી બતાવનારા અધિકારીઓ સામે શિસ્તભંગનાં પગલાં લેવાનો ઇશારો પણ કરવામાં આવ્યો છે. રાજ્યના એક્સાઇઝ વિભાગના ડેપ્યુટી કમિશનર (નિરીક્ષણ) સુભાષ બોડકેએ માહિતી આપી હતી કે ‘દારૂનું વેચાણ કરતી દુકાનોનાં નામ બદલવાનો અધ્યાદેશ ૨૦૨૨માં આપવામાં આવ્યો હતો. અમે જિલ્લાના તમામ અધિકારીઓને આ સૂચનાનો અમલ કરવાનો નિર્દેશ આપ્યો છે.’