બોટાદમાં હિરામા મંદી અને મોંઘવારીની વચ્ચે બોટાદ નગરપાલિકા દ્વારા એકાએક 45 ટકા સુધીનો વેરામાં વધારો કરાતા શહેરીજનોમાં રોષ ફેલાયો છે. નગરપાલિકા દ્વારા એકાએક વેરામાં વધારો કરાતાં, આવતા દિવસોમાં ઉગ્ર આંદોલનના મંડાણ થાય તેવું લાગી રહ્યું છે. તો નગરપાલિકા દ્વારા વેરો વધારાના નિર્ણયને ભાજપના નગરપાલિકાના પૂર્વ સભ્યો પણ અયોગ્ય ગણાવી રહ્યાં છે.
બોટાદ નગરપાલિકા દ્વારા એકા એક છુપી રીતે ડબલ વેરામાં વધારો લાગુ કરી દેતા શહેરીજનોમાં ભારે રોષ છવાયો છે. સાથો સાથ પાણી, ગટર, સફાઈ જેવા વેરામાં એકાએક 45% નો વધારો કરી દેવામાં આવતા બોટાદના વેપારીઓ અને શહેરીજનોમાં મોટા પ્રમાણમાં રોષ ફેલાયો છે.
વેરા વધારા બાબતે બોટાદ નગરપાલિકાએ કોઈ ગાઈડ અથવા તો પ્રજાની જાણકારી વગર વેરામાં વધારો કરાતા પ્રજામાં રોષ ફેલાયો છે. જ્યારે શહેરીજનો વેરો ભરવા જાય છે ત્યાં સીધા વેરાના ડબલ પૈસા ભરવાનું કહેતા લોકો મૂંઝવણમાં મુકાઈ ગયા છે. જેને લઈ તાત્કાલિક વેરો વધારાનો નિર્ણય મૌકૂફ રાખવામાં આવે તેવું બોટાદના વેપારીઓ તેમજ શહેરીજનો માંગ કરી રહ્યા છે. તેમ છતાં જો વેરો વધારો પાછો નહિ ખેંચાય તો વેપારીઓ અને શહેરીજનો દ્વારા ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી.
બોટાદ પાલિકાએ પ્રજાને અંધારામાં રાખી ગત વર્ષની સરખામણીમાં બમણો વેરો વધારી દેતા જનતામાં એકાએક નારાજગી જોવા મળી હતી. કારણ કે બોટાદ શહેરમાં કેટલો વેરો વધારાયો તે જુઓ.
ત્યારે આ અંગે લોકોએ રજૂઆત કરતાં જવાબદાર અધિકારીએ જણાવ્યું કે, વેરો વધારો ગત જાન્યુઆરી 24 માસથી વધારી દેવામાં આવ્યો છે .બોટાદ નગર પાલિકા સુપરસીડ થતા હાલ નગરપાલિકામા વહીવટદાર શાસન ચલાવી રહ્યા છે. નવા નાણાંકીય વર્ષમાં બીલ આવ્યા ત્યારે સ્થાનિક રહીશોને વધારાની જાણ થઇ હતી. ગત વર્ષના સફાઈ વેરો કુલ રકમના ૧૫% હોય છે તેના બદલે વધારી ૪૫ % કરી દેવામા આવ્યો છે. આવી જ રીતે દિવાબત્તી વેરામા પણ 15 ના બદલે 45 % કરી દેવામા આવ્યો છે. આમ ત્રણ ગણો વેરો વધારો કરી દેવામા આવ્યો હતો. જ્યારે ગટર વેરો અને પાણી વેરો ડબલ કરી દેવામા આવતા કોંગ્રેસ દ્વારા પણ વિરોધ કરાયો છે અને જો વેરો વધારો પાછો નહિ ખેંચાય તો કોંગ્રેસ દ્વારા પણ આંદોલન કરવામાં આવશે તેમ બોટાદ વિપક્ષ નેતા વિઠ્ઠલભાઈ વાજાએ જણાવ્યું હતું.
બોટાદ નગરપાલિકાના ભાજપના પૂર્વ નગરસેવક હરેશભાઈ ધાધલે જે નગરપાલિકા દ્વારા એકાએક વેરામાં તોતિંગ વધારો કરવાના નિર્ણયને અયોગ્ય ગણાવ્યો છે. અને આવતા દિવસોમાં સંગઠન તેમજ ચિફ ઓફિસર અને સરકારમાં રજૂઆત કરી વેરો ઓછો થાય તેવા પ્રયાસ કરવાનું નગરપાલીકાના ભાજપના પૂર્વ સભ્યએ જણાવ્યું હતું.
- ગટર વેરો અને પાણી વેરો રૂપિયા 600 હતો તે વધારી 1200 રૂપિયા કરાયો
- ગટર વેરો 125 રૂપિયાના બદલે 240 રૂપિયા કરી દેવામાં આવ્યો છે.
બોટાદ શહેર અને જિલ્લો મુખ્યત્વે હિરા ઉધોગ ઉપર નભતો જિલ્લો છે. હાલ હિરામા જોરદાર મંદિ ચાલે છે અને વળી બેફામ મોંઘવારી ચાલે છે ત્યારે બોટાદ નગરપાલિકા દ્વારા વેરામા તોતીંગ વધારો કરવામાં આવતા શહેરીજનો ને મુશ્કેલી મા મુકાયા છે. જો વેરો વધારાનો નિર્ણય રદ કરવામાં નહિ આવે તો બોટાદમાં ઉગ્ર આંદોલન થાય તો નવાઈ નહીં તેવું લાગી રહ્યું છે.