લોકસભા ચૂંટણીના પરિણામો ધીમે ધીમે આવવા લાગ્યા છે. આ સમયે એનડીએ આગળ છે. પરંતુ, INDIA ગઠબંધન પણ ચૂંટણીમાં પહેલા કરતા સારી સ્થિતિમાં છે. એનડીએ 299 સીટો પર આગળ છે. જેમાં જેડીયુની 14 સીટો સામેલ છે. આવી સ્થિતિમાં JDU સરકાર બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. દરમિયાન સૂત્રોના જણાવ્યા અનુસાર ઈન્ડિયા એલાયન્સે નીતિશ કુમારને નાયબ વડાપ્રધાન બનાવવાની ઓફર કરી છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર સવારે મતગણતરી બાદ શરદ પવારે પણ નીતિશ કુમાર સાથે વાત કરી હતી. કોંગ્રેસ તરફથી સોનિયા ગાંધી પણ વાતચીત કરી શકે છે. જો કે, જેડીયુ તરફથી કહેવામાં આવ્યું છે કે તે એનડીએનો ભાગ રહેશે. જણાવી દઈએ કે જ્યારે નીતીશ કુમાર બિહારમાં મહાગઠબંધનની સરકાર ચલાવી રહ્યા હતા અને કોંગ્રેસ સિવાય આરજેડી પણ તેમની સાથે હતી, ત્યારે નીતિશ કુમારે જ વિપક્ષી પાર્ટીઓને એક કરવા માટે બેઠકો શરૂ કરી હતી, પરંતુ બાદમાં તેમણે મહાગઠબંધન છોડી દીધું હતું .
નીતિશ કુમારે મહાગઠબંધન છોડીને ભાજપ સાથે હાથ મિલાવ્યા અને એનડીએનો ભાગ બની ગયા હતા. આ જ કારણ છે કે આ સમયે રાજકીય હલચલ તેજ બની ગઈ છે.
ટ્રેન્ડ મુજબ ભાજપ અત્યારે 238 સીટો પર આગળ છે. 3 સીટો પર જીત મેળવી છે. આ સિવાય ઈન્ડિયા એલાયન્સ 228 સીટો પર આગળ છે.
આ પહેલા દિલ્હી પ્રવાસ પર આવેલા બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે સોમવારે પટના જતા પહેલા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ સાથે ફોન પર લાંબી વાતચીત કરી હતી. સોમવારે દિવસ દરમિયાન તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ મળ્યા હતા. પીએમ આવાસ પર વડાપ્રધાન મોદી સાથેની મુલાકાત અને તેના થોડાક કલાકો બાદ ભાજપના રણનીતિકાર અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે નીતિશ કુમારની ફોન પર વાતચીતને મંગળવારે મતગણતરી અને ચૂંટણી પરિણામો પછી સરકારની રચનાને ધ્યાનમાં રાખીને મહત્વપૂર્ણ માનવામાં આવી હતી.