ગુજરાતમાં લોકસભાની 26માંથી સુરતની બેઠક ભાજપને બિનહરીફ મળ્યા બાદ બાકીની 25 બેઠકોની યોજાયેલ ચૂંટણીના આજે પરિણામો આવી જતાં ગુજરાતમાં સતત ત્રીજી વખત ક્લિન સ્વીપ કરવાનું ભાજપનું સ્વપ્નું રોળાઈ ગયું છે અને તમામ બેઠકો પાંચ લાખથી વધુ મતની લીડથી જીતવાનું લક્ષ્ય પણ ટુંકુ પડ્યું છે.
માત્ર અમિત શાહ, સી.આર. પાટીલ અને વડોદરાના નવા નિશાળિયા જેવા ઉમેદવાર ડો. હેમાંગ જોષી જ પાંચ લાખથી વધુ મતની લીડ લઈ શક્યા છે. જ્યારે પાટણની બેઠક ભાજપ માંડ માંડ જીત્યું છે તો બનાસ કાંઠાની બેઠક ઉપર કોંગ્રેસના તોખાર મહિલા ઉમેદવાર ગેનીબેન ઠાકોરે ભાજપનું નાક વાઢી લઈ વટભેર વિજય મેળવ્યો છે.
ગુજરાતમાં લોકસભાની ચૂંટણી સમયે જ શરૂ થયેલા ક્ષત્રિય આંદોલનના પડકાર વચ્ચે ભાજપને તમામ બેઠક પાંચ લાખથી વધુ મતે જીતવાનું લક્ષ્ય લગભગ અશક્ય જ લાગતું હતું. સાથો સાથ અમુક બેઠકો બચાવવા માટે પણ ઝઝુમવું પડ્યું હતું અને પરિણામો પણ એવા જ આવ્યા છે. ભાજપને 25 માંથી 22 બેઠકો ઉપર ધાર્યા કરતા ઓછી લીડ મળી છે અને ઉપરથી બનાસકાંઠાની બેઠક ગુમાવવી પડી છે.
લોકસભાની ચૂંટણીના આજે સવારે પરિણામો શરૂ થતાં પ્રારંભીક ટ્રેન્ડમાં બનાસકાંઠા, પાટણ, જૂનાગઢ, જામનગર સહિતની બેઠકો ઉપર ભાજપના ઉમેદવારો પાછળ ચાલી રહ્યા હતા. પરંતુ જેમ જેમ મતગણતરી આગળ વધતી રહી તેમ તેમ ધીરે ધીરે ભાજપના ઉમેદવારોએ લીડ હાંસલ કરી હતી. અને બપોરે ત્રણ વાગ્યા સુધીમાં 25માંથી 24 બેઠકો ઉપર વિજય મેળવ્યો હતો. જ્યારે બનાસકાંઠાની બેઠક ઉપર કોંગ્રેસના ગેનીબેન ઠાકોર ચુંટાયા હતાં.
આજે દેશભરમાં 400ના લક્ષ્યાંક સામે ભાજપ અને એનડીએને 300થી પણ ઓછી બેઠકો મળતા અને ગુજરાતમાં પણ ક્લિન સ્વીપનું સપનું રોળાઈ જતાં ભાજપમાં ખુશીની જગ્યાએ ગમનો માહોલ વધુ જોવા મળ્યો હતો. બપોરે બે વાગ્યા સુધી અમદાવાદ ખાતેના ભાજપના પ્રદેશ કાર્યાલયે પણ કાગડા ઉડતા હોય તેવો માહોલ જોવા મળ્યો હતો.
આજે જાહેર થયેલા પરિણામોમાં સૌથી વધુ લીડ ગાંધીનગરમાં કેન્દ્રીય ગ્રહમંત્રી અમિત શાહને મળી હતી. 7 લાખથી વધુ મતની લીડ મળી હતી. જ્યારે નવસારીમાં ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલને પણ 7.30 લાખની જબરી લીડ મળી હતી. આ સિવાય વડોદરાના ભાજપના સૌથી યુવા ઉમેદવાર ડો. હેમાંગ જોશીને પણ 5.80 લાખ કરતા વધુ લીડ મળી હતી. આ સિવાય ગુજરાતમાં એક પણ ઉમેદવાર પાંચ લાખની લીડ સુધી પણ પહોંચી શક્યો નથી.
ગુજરાતમાં રાજ્યસભામાં ચૂંટાઈને કેન્દ્રીયમંત્રી મંડળમાં દબદબો ધરાવતા ભાજપના બે નેતાઓ પરસોતમભાઈ રૂપાલાએ રાજકોટમાં 4.65 લાખથી વધુ અને પોરબંદરમાં મનસુખભાઈ માંડવિયાએ 3.75 લાખથી વધુ મતે વિજય મેળવ્યો છે. આ ઉપરાંત સુરેન્દ્રનગર, અમરેલી, ભાવનગર સહિતના મતવિસ્તારોમાં ઉમેદવારો બદલવાનો ભાજપનો જુગાર સફળ થયો છે અને ભાજપના નવા ઉમેદવારો ચુંટાઈ આવ્યા છે.