લોકસભા ચૂંટણી 2024 પૂરી થઈ ગઈ અને 4 જૂન 2024ના રોજ તેના પરિણામ પણ આવી ગયા. પરિણામો ચોંકાવનારા રહ્યા કારણ કે બે વખત પોતાના દમ પર બહુમતી મેળવીને સત્તા પર આવેલો ભાજપ આ વખતે બહુમતથી દૂર રહ્યો અને 240 સીટ જ મેળવી શક્યો જો કે ભાજપના નેતૃત્વવાળું ગઠબંધન એનડીએ 292 બેઠકો મેળવીને 272નો જાદુઈ આંકડો સ્પર્શવામાં સફળ રહ્યું પરંતુ આમ છતાં ભાજપને એ વાત કદાચ ખટકતી હશે કે પોતાના દમ પર સરકાર નહીં બને અને સહયોગીઓના ભરોસે રહેવું પડશે.
તેની સામે ઈન્ડિયા ગઠબંધન એક પ્રકારે ચમકારો બતાવી ગયું અને 234 સીટો મેળવી ગયું. હવે આ સીટો વધવા અને ઘટવા પાછળ શું કારણો ભાગ ભજવી ગયા તે મોટો અભ્યાસનો વિષય છે. પરંતુ હાલ જે પ્રકારે આંકડા આવી રહ્યા છે અને મીડિયા રિપોર્ટ્સ સામે આવી રહ્યા છે તે મુજબ તેમાં ગામડા પણ પ્રકારે કામ કરી ગયા તેવું સામે આવી રહ્યું છે.
કૃષિ પ્રધાન એવા ભારત દેશમાં ગામડાંઓ એ તેનું હાર્દ છે અને આ વખતની ચૂંટણીમાં 400 પારના નારા આપતા એનડીએને કદાચ 292માં સમેટવામાં ગામડાઓ મોખરે રહ્યા તે કહેવું ખોટું નહીં હોય કારણ કે ત્યાં મતોની ટકાવારી ઘટતી જોવા મળી છે. એનડીની મતોની ટકાવારીમાં ગામડાઓમાં સૌથી વધુ -1.2ટકાનો ધટાડો થયો છે. જેના કારણે 30 જેટલી બેઠકો ગુમાવવાનો વારો આવ્યો. આ વખતની ચૂંટણીમાં એનડીએને ગામડાઓની 303 બેઠકોમાંથી 168 બેઠકો મળી છે. 2019માં 198 બેઠકો મળી હતી. એટલે કે 30 બેઠકો ઘટી. એનડીએના જે મતો તૂટ્યા તેનો સીધો ફાયદો ઈન્ડિયા અલાયન્સને થતો જોવા મળ્યો અને ગ્રામીણ મતોની ટકાવારીમાં 2019ની સરખામણીએ 10.6 ટકાનો વધારો જોવા મળ્યો. જેની અસર બેઠકો ઉપર પણ થઈ અને ગામડાઓની 109 બેઠકો મળી જે 2019 કરતા 62 બેઠકો વધારે છે. અત્રે જણાવવાનું કે 2019માં ઈન્ડિયા ગઠબંધન અસ્તિત્વમાં નહતું એટલે આંકડા આ વખતે જે રીતે ગઠબંધનની રચના થઈ તેમાં સામેલ પક્ષોના દેખાવ પર આધારિત છે.