લોકસભા ચૂંટણીના પરિણામોમાં ભારતીય જનતા પાર્ટી ને મોટો ફટકો લાગ્યો છે. વર્ષ 2014 અને 2019 ની સરખામણીએ આ વર્ષની ચૂંટણીમાં ઓછી બેઠકો મળતા પક્ષની ચિંતા વધી છે. બીજી તરફ ગુજરાતમાં પણ તમામ લોકસભા બેઠકો જીતીને હેટ્રિક મારવાનું BJP નું સપનું રોડાયું છે. રાજ્યમાં પાર્ટીએ 26 પૈકી 25 બેઠકો પર જીત મેળવી છે. ત્યારે હવે ગુજરાતની રાજનીતિમાં મોટી હલચલ થવાના એંધાણ મળી રહ્યા છે.
પ્રાપ્ત માહિતી મુજબ, લોકસભા ચૂંટણી પરિણામ બાદ ગુજરાતની રાજનીતિમાં મોટો ઉલટફેર જોવા મળી શકે છે. મોવડી મંડળ દ્વારા રાજ્યની સરકાર અને સંગઠનમાં મોટા બદલાવ થઈ શકે છે. પેટાચૂંટણી જીતેલા નેતાઓને મંત્રીમંડળમાં સ્થાન મળવાના અહેવાલ છે. સી.જે.ચાવડા, અર્જૂન મોઢવાડિયાને મંત્રીમંડળમાં સામેલ કરી શકાય છે. જ્યારે બીજી તરફ મોવડી મંડળ વર્તમાન મંત્રીમંડળના કેટલાક મંત્રીઓને પડતા મુકાઈ શકે છે.
આ સાથે એવા પણ અહેવાલ છે કે ભાજપના પ્રદેશ સંગઠનમાં પણ પરિવર્તન થઈ શકે છે. પ્રદેશ પ્રમુખ C.R. પાટીલનો કાર્યકાળ પૂર્ણ થઈ રહ્યો છે, આથી હવે સી.આર.પાટીલને કેન્દ્રીય મંત્રીમંડળમાં સ્થાન મળી શકે છે. આ સાથે અન્ય કેટલાક મોટા ફરેફાર જોવા મળી શકે છે. ઉલ્લેખનીય છે કે ગઈકાલે લોકસભા ચૂંટણી પરિણામ સાથે ગુજરાતની 5 પેટા ચૂંટણીના પરિણામ પણ જાહેર થયા હતા, જેમાં પોરબંદર વિધાનસભા બેઠક પરથી બીજેપીના ઉમેદવાર અર્જુન મોઢવાડિયા, માણાવદર વિધાનસભા બેઠક પરથી બીજેપીના ઉમેદવાર અરવિંદ લાડાણી, વિજાપુર બેઠક પરથી ભાજપના જ સી.જે ચાવડા, વાધોડિયા વિધાનસભા બેઠક પરથી બીજેપી ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલા અને ખંભાત વિધાનસભા બેઠકથી ભાજપનાં ચિરાગ પટેલનો વિજય થયો હતો. આથી હવે તેમણે મંત્રીમંડળમાં મહત્ત્વની જવાબદારી મળી શકે છે.
એવી પણ માહિતી છે કે, ગુજરાતના વિજેતા સાંસદોને દિલ્હીનું તેડું આવ્યું છે. ગુજરાતની 25 લોકસભા બેઠક પર ભાજપના વિજેતા સાંસદોને ભાજપ હાઈકમાન્ડનું તેડું આવ્યું હોવાની માહિતી મળી છે. સૂત્રો મુજબ, લોકસભા ચૂંટણીમાં જીતનારા તમામ નવા સાંસદોને આવતીકાલે દિલ્હી પહોંચવા કહેવાયું છે.