ઉત્તરાખંડના ઉત્તરકાશી જિલ્લામાં સહસ્ત્ર તાલ ટ્રેક દરમ્યાન ખરાબ હવામાનમાં રસ્તો ભૂલી જતાં બાવીસ સભ્યોની ટ્રેકિંગ ટીમના ૯ સભ્યોનાં મૃત્યુ થયાં હતાં, જ્યારે બીજા ૧૩ ટ્રેકર્સને બચાવી લેવામાં આવ્યા હતા. ઉત્તરકાશી-ટીહરી સીમા ખાતે જે ૧૩ ટ્રેકર્સને બચાવી લેવામાં આવ્યા હતા એમાંથી આઠ જણને બુધવારે હેલિકૉપ્ટર દ્વારા દેહરાદૂન લાવવામાં આવ્યા હતા.
જીવ ગુમાવનારા ૯ ટ્રેકર્સમાંથી ચારના મૃતદેહ ખરાબ હવામાનને કારણે કાઢી નહોતા શકાયા. આજે તેમને લાવવાનું અધૂરું કામ પૂરું કરવામાં આવશે. બાવીસ સભ્યોની ટ્રેકિંગ ટીમમાં કર્ણાટકના ૧૮ અને મહારાષ્ટ્રના એક ટ્રેકરનો સમાવેશ થતો હતો. તદુપરાંત તેમની સાથે ત્રણ સ્થાનિક ગાઇડ હતા.