સરસપુર નાગરીક કો-ઓપરેટીવ બેંકના મેનેજર તથા બેંક ઓફીસરે આચરેલી છેતરપિંડી મામલે આર્થિક ગુના નિવારણ શાખાએ બન્ને આરોપીની ધરપકડ કરી લીધી છે. બેંકના ગ્રાહકો દ્વારા કરવામાં આવેલી FD પર ઓવર ડ્રાફ્ટ મેળવી 3 કરોડની ઉચાપત કરી બેંક સાથે છેતરપિંડી આચરી હતી અને આ ઉચાપત કરવાનું કારણ જુગાર અને મોજશોખ હોવાનું સામે આવ્યું છે.આર્થિક ગુના નિવારણ શાખા દ્વારા આરોપીના વિરલ બ્રહ્મભટ્ટ અને નમ્રતા પટેલની ધરપકડ કરવામાં આવી છે.
આ બન્ને આરોપી માંથી એક વિરલ બ્રહ્મભટ્ટ સરસપુર નાગરીક કો ઓપરેટીવ બેંકની ગોતા બ્રાંચમાં બ્રાંચ અધિકારી અને નમ્રતા પટેલ મેનેજર તરીકે કામ કરતા હતા. બંને એ સાથે મળીને વર્ષ 2022થી 2024 દરમિયાન બેંકના ગ્રાહકોની ફિક્સ ડીપોઝીટ પર ઓવર ડ્રાફ્ટ મેળવી બેંક સાથે છેતરપિંડી કરી હતી. કુલ 10 ગ્રાહકોની FD પર 3 કરોડ 4 લાખની ઓવર ડ્રાફ્ટ મેળવી ઉચાપત કરી છેતરપિંડીને અંજામ આપ્યો હતો. ફરિયાદના આધારે આર્થિક ગુના નિરાવણ શાખાએ ફરિયાદ નોંધી બન્નેની ધરપકડ કરી છે.
બન્ને આરોપીની ધરપકડ કરી તપાસ કરતા સામે આવ્યું કે મુખ્ય આરોપી વિરલ ભ્રહ્મભટ્ટ જુગાર રમવાનો શોખિન હતો અને તેના માટે રૂપિયાની જરૂર હોવાથી ઉચાપત કરી હતી. બાદમાં પોતાની કરતૂત છુપાવવા માટે બેંક મેનેજર નમ્રતાની મદદથી ગ્રાહકોને ખબર ન પડે તે રીતે એક બાદ એક એફડી પર ઓવર ડ્રાફ્ટ મેળવ્યા હતા. મહત્વનું છે કે બેંકના બન્ને અધિકારી છેલ્લા 10 વર્ષથી બેંક સાથે જોડાયેલા છે. જોકે તેમની કરતૂત સામે આવતા બેંક સત્તાધીશો દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જે ગુનામાં બન્નેની ધરપકડ કરવામાં આવી છે.
મહત્વનું છે કે જે બેંકના અધિકારીઓ પર ગ્રાહકો વિશ્વાસ કરી પોતાની મુડી બેંકમાં મુકતા હોય છે. તે જ બેંકના અધિકારીઓ દ્વારા આ પ્રકારે ઉચાપત કરવામાં આવી છે. ત્યારે આવા કિસ્સામાં પોલીસ શું અને કેવી કાર્યવાહી કરે છે તે જોવાં જોવાનું મહત્વનું બની રહેશે.