સુરતના ડુમસ વિસ્તારમાં સરકારી જમીન ખોટી રીતે ખાનગી વ્યક્તિઓના નામે ચડાવી બે હજાર કરોડનું જમીન કૌભાંડ આચરવા મામલે IAS અધિકારીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સુરત કલેક્ટરની ફરજ દરમિયાન સરકારી જમીન વેચી મહેસૂલ વિભાગને નુકસાન પહોંચાડવા મામલે રાજ્ય સરકાર દ્વારા વલસાડના કલેક્ટર આયુષ ઓકને સસ્પેન્ડ કર્યા છે. લાંબા સમયથી આ જમીન કૌભાંડ મામલે ઝીણવટ ભરી તપાસ ચાલી રહી હતી. જો કે, તપાસના અંતે કલેક્ટર કક્ષાના અધિકારીને સસ્પેન્ડ કરતા સન્નાટો વ્યાપી ગયો છે. ઉલ્લેખનિય છે કે, આયુષ ઓક હાલ વલસાડના કલેક્ટર તરીકે ફરજ બજાવી રહ્યા હતા.
ડુમસ જમીન કૌભાંડ મામલે કોંગ્રેસ નેતા તુષાર ચૌધરીએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, આ એક ખુબ મોટું બે હજાર કરોડ રૂપિયાની જમીનનું કૌભાંડ હતું. જેમાં 20 જેટલા નામ કલેક્ટર દ્વારા ખોટી રીતે સરકારી જમીનમાં ચડાવવામાં આવ્યા હતા. પરંતુ આ લડાઈ અહીં પૂરી નથી થતી. જેમ રાજકોટમાં અગ્નિકાંડ થયા પછી પણ રાજકીય માથાઓના નામ ઉજાગર થયા નથી કે પ્રકાશમાં આવ્યા નથી. તો આ કેસમાં પણ એવું જ છે કે કોઈને કોઈ રાજકીય વ્યક્તિ કે નેતાનું દબાણ હોય તો જ કલેક્ટરે આ નિર્ણય લીધો હોય. એટલે આની હજુ પણ તપાસ થવી જોઇએ. તો જ આ લડાઈનો અંત આવશે. કલેક્ટરની સહી હતી એટલે તેને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે અને ઢાંક પીછોળો કરવામાં આવ્યું હોવાનું એમને લાગે છે. કોણાના દબાણથી કલેક્ટરે આ કર્યું હોય તે પણ બહાર આવું જોઇએ એ પણ અમારી માંગણી છે. આ મામલે 100 ટકા કોઇને કોઇ જમીન માફિયાની સંડોવણી હોઇ શકે છે. ભાજપના આગેવાનની પણ સંડોવણી હોઇ શકે છે તે સિવાય આ કૌભાંડ એકલા કલેક્ટરના હાથે શક્ય નથી.
વલસાડ જિલ્લાના કલેક્ટર આયુષ ઓકને સુરત ડુમસ
રોડ ઉપર આવેલી જમીન કૌભાંડ કેસમાં સસ્પેન્ડ કરવામાં
આવ્યા છે. ત્યારે તેમની જગ્યાએ વલસાડના ADM
અનસૂયા જહાંને કલેક્ટર તરીકેની જવાબાદીર સોંપવામાં
આવી છે. પૂર્વ કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસ નેતા તુષાર ચૌધરીએ
જમીન કૌભાંડ અંગે કરેલી ફરિયાદ બાદ રાજ્ય સરકારે
તપાસ હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે, આજે પણ
વલસાડ જિલ્લા કલેક્ટર તરીકે આયુષ ઓકે સેવા આપી
હતી. સાંજે અચાનક સસ્પેન્ડનો ઓડર કરતા ચર્ચાનો વિષય
બન્યો છે.
ઉલ્લેખનીય છે કે, સુરતના ડુમસ વિસ્તારમાં સરકારી જમીન કલેક્ટર દ્વારા ખોટી રીતે આદેશ કરીને ગણોતિયાના નામે ચડાવી દેવાના આક્ષેપો વિપક્ષ દ્વારા કરવામાં આવ્યા હતા. જેને લઇને રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર સુધી હવે આ મુદ્દો ચર્ચાસ્પદ બન્યો હતો. ત્યારે કોના ઇશારે ગણોતિયાનું નામ દાખલ કરવામાં આવ્યું અને આની પાછળ કયા રાજનેતાનો ખેલ છે તે મામલે SITની રચના કરી તપાસ કરવાની માગ કોંગ્રેસ નેતા દ્વારા કરવામાં આવી હતી. જો કે, કાયદાકીય રીતે પૂર્વ કલેક્ટર દ્વારા જે જમીન સરકારી હોવાનું કહેવામાં આવ્યું હતું તે જમીનમાં રાતોરાત ગણોતિયાનું નામ દાખલ કરીને કેવી રીતે ખેલ પાડી દેવામાં આવ્યો તેને લઇને અનેક શંકાઓ ઉભી થઈ હતી.
ડુમસ વિસ્તારની 2.17 લાખ ચોરસ મીટર જમીન ગણોતિયાનું નામ દાખલ કરાવીને બે હજાર કરોડ રૂપિયાનો ખેલ પાડી દેવાનો આક્ષેપ કોંગ્રેસ નેતા તુષાર ચૌધરી દ્વારા કરવામાં આવ્યો હતો. પોતાના અંગત બિલ્ડરને લાભ કરાવવા માટે રાજકીય દબાણ હેઠળ જમીનમાં ગણોતિયાનું નામ દાખલ કરાવી દેવામાં આવ્યું છે કે કેમ? તેને લઈને મોટો પ્રશ્ન સર્જાયો હતો. રાજ્ય સરકાર સુધી આ સમગ્ર મામલો પહોંચ્યો હતો. જેથી ત્યાંથી પણ તપાસ શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું.
કોંગ્રેસ નેતા તુષાર ચૌધરીએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, જે જમીનમાં વર્ષોથી ગણોતિયા ન હતા તે જમીનમાં એકાએક આ ગણોતિયા ઉભા કરવામાં આવ્યા છે. એથી પણ વધુ ગંભીર બાબત એ છે કે, સુરતના પૂર્વ કલેકટર રાજેન્દ્રકુમાર દ્વારા આ જમીન સરકારી હોવાનું સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે. તો આ સરકારી જમીન બદલી થવાના એક દિવસ પહેલાં જ તે સમયે સુરતના કલેક્ટર રહેલા આયુષ ઓક દ્વારા ગણોતિયાનું નામ દાખલ કરવા માટેનો આદેશ કેવી રીતે અપાયો. અંદાજે 2.17 લાખ ચોરસ મીટર જમીન ખાનગી વ્યક્તિના નામ પર ચડાવી દઈને 2000 કરોડનું કૌભાંડ આચરવામાં આવ્યું. આ સમગ્ર મામલે SITની રચના થવી જોઈએ. સરકારને જે હજારો કરોડનું નુકસાન પહોંચાડવામાં આવ્યું છે, તેની પણ તપાસ કરવામાં આવે.