સુરતના હીરા ઉદ્યોગની ચમકને જાણે કે કોઈની નજર લાગી ગઈ હોય તેવી રીતે પડી ભાગ્યો છે.રત્ન કલાકારો મંદીનો સામનો કરી રહ્યા છે.તેમાં પણ વધતી જતી આ મોંઘવારીના કારણે રત્ન કલાકારોની માઠી બેઠી હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે વરાછા ઉમિયાધામ રોડ પર આવેલ ભંડેરી કંપનીમાં આશરે 600થી વધુ રત્નકલાકારોને પગાર આપવામાં ન આવ્યો હોવાનું સામે આવ્યું છે.
જેના પગલે કારીગરો હડતાલ પર ઉતર્યા છે. જો કે આ દરમિયાન મામલો ઉગ્ર બનતા કારીગરોએ રોષે ભરાઈને ફેકટરીમાં તોડફોડ કરી હતી એવી માહિતી સામે આવી છે પરંતુ આ ઘટના અંગે કંપની તરફથી કોઈ જવાબ આપવામાં આવ્યો નથી કે આ બાબતે ખુલાસો કરવામાં આવ્યો નથી. જે બાદ આ અંગે પોલીસને જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળ પર પહોંચી હતી અને પરિસ્થિતિ થાળે પાડી હતી.
ડાયમંડ નગરી સુરતને કોઇની નજર લાગી ગઈ હોય તેવુ લાગી રહ્યું છે. છેલ્લા ત્રણ માસમા સુરતમાં 2 હજારથી વધુ રત્ન કલાકારોને મંદીના કારણે છુટ્ટા કરી દેવામા આવતા તેઓ રસ્તા પર આવી ગયા છે. તો બીજી તરફ આજે રોજ ભંડેરી કંપનીમાં 600થી વધુ રત્નકલાકારોને પગાર ન ચુકવતા બસોને બસો ભરીને મોટી સંખ્યામાં લોકો કંપની ખાતે આવ્યા હતા.
જે બાદ ભારે વિરોધ કર્યો હતો. હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા અમારા સુત્રે જણાવ્યું હતું કે, મામલો ઉગ્ર બનતા કેટલાક લોકોએ ફેકટરીમાં તોડફોડ પણ કરી હતી. જો કે કંપનીના સંચાલકોએ આ વાતની પુષ્ટિ કરી નથી. અને મીડિયાના ફોન પણ ઊંચક્યા નથી. જે બાદ આ ઘટના અંગે પોલીસને જાણ થતા પોલીસનો કાફલો ઘટનાસ્થળ પર પહોંચ્યો હતો અને રોષે ભરાયેલા રત્નકલાકારોની અટકાયત કરી મામલો થાળે પાડ્યો હતો.
સાથે જ કંપનીના માણસોએ કારીગરોને મીડિયા સમક્ષ ઇન્ટરવ્યૂ દેતા અટકાવ્યા હતા. તો બીજી તરફ જો મીડિયા સમક્ષ મોઢું ખોલશે તો પગાર ચુકવવમાં નહીં આવે તેવી ધમકી આપી કારીગરોના અવાજને દબાવવાનો પ્રયાસ કર્યો હતો.તો બીજી તરફ એવી પણ વાત સામે આવી છે કે, અહીંયા અનેક રોકાણકારોના રૂપિયા કંપનીમાં ફસાયા છે અને જયારે આ અંગે કંપનીને પ્રશ્ન પૂછવામાં આવ્યા ત્યારે તેને લેબગ્રોન હીરાના ભાવ તૂટવાથી કંપની નુકશાનીમાં ચાલી રહી છે તેવા ઉડાવ જવાબ આપ્યા હતા.
છેલ્લા બે વર્ષથી રિયલ હીરાની માગ ઘટી જ રહી છે. તેવામાં સુરતના લેબગ્રોન ડાયમંડની વૈશ્વિક બજારમાં માંગ ઘટતા સુરતનો હીરા ઉદ્યોગ મંદીનો સામનો કરી રહ્યો છે.જો કે આ બધી પરિસ્થિતિની અસર મોટા ઉધોગકરોને નડતી નથી.પરંતુ આ મંદીના કારણે જે સામાન્ય પરિવારમાંથી આવે છે તેને અસર પડે છે. હવે જોવાનું એ રહ્યું કે આ મંદીના માર વચ્ચે શું રત્નકલાકારો માટે કોઈ પગલાં ભરવામાં આવશે કે પછી દર વખતની જેમ આવીને આવી પરિસ્થિતિ રહેશે.