રાજકોટ ગેમઝોન દુર્ઘટનામાં અધિકારીઓની મીલીભગત બહાર આવ્યા બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો મિજાજ હવે સાતમા આસમાને પહોંચ્યો છે. આણંદના સારસામાં યોજાયેલા એક કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ સ્પષ્ટ કહ્યું કે અમે હવે કલેક્ટર ઓફિસે જઇશું…બધી જ કિટલીઓ હવે શાંત થઇ જવાની છે.
રાજકોટ ગેમઝોન અગ્નિકાંડ બાદ જે રીતે અધિકારીઓની સંડોવણી બહાર આવી હતી તે જોતાં રાજ્ય સરકારે કડક કાર્યવાહી શરુ કરી હતી. અધિકારીઓની સાથે સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજકોટના પદાધીકારીઓનો પણ ક્લાસ લીધો હતો. સ્વભાવે મૃદુ ગણાતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હવે મક્કમ પણ બન્યા છે તે તેમની કાર્યવાહી પરથી ખબર પડે છે.
રાજ્ય સરકાર હવે કડક પગલાં લઇ રહી છે અને કોઇપણ ચમરબંધી હોય તેને છોડવા માગતી નથી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે આણંદ જિલ્લાના સારસાની મુલાકાતે હતા. સારસામાં યોજાયેલા એક કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ સ્પષ્ટ રીતે ઝાટકણી કાઢતાં કહ્યું કે અમે હવે અહીંથી કલેક્ટર કચેરીએ જવાના છીએ. બધી જ કિટલીઓ હવે શાંત થઇ જવાની છે.
મુખ્યમંત્રી કઇ કિટલીઓ વિશે વાત કરી રહ્યા હતા તેની જનતાને ખબર છે. ગુજરાતીમાં કહેવત છે કે ચા કરતાં કિટલી ગરમ…અધિકારીઓની શરણમાં કેટલાક તત્વો કિટલી બનીને ફરતાં હોય છે તે વાત પણ જગજાહેર છે. હવે સરકાર આવી કિટલીઓને પણ શોધી શોધી ઠેકાણે પાડશે તેનો અંદાજ મુખ્યમંત્રીની આ વાત પરથી આવી શકે છે.
આણંદના સારસા ગામમાં યોજાયેલા જનસંવાદ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મોટું નિવેદન આપ્યું હતું અને તંત્રની નોકરશાહી સામે મુખ્યમંત્રીનું ઓપરેશન શરુ થશે તેવા સંકેત મળી રહ્યા છે.