શાહીબાગમાં રોડ ઉપર રખડતી ગાયો પકડવા કોર્પોરેશન અને પોલીસ કર્મચારીઓ ગયા હતા. આ સમયે સ્થાનિક લોકોએ તકરાર કરીને લાકડીઓ વડે હુમલો કર્યો હતો. જેમાં કોર્પોરેશનના અને પોલીસ કર્મચારીઓના ચાર માણસોને ઇજા થઇ હતી. આ ગાયો અમારી છે નહી લઇ જવા દઇએ કહીને તકરાર કરી હતી. આ ઘટનામાં એક શખ્સને પોલીસે પકડી પાડયો હતો જ્યારે અન્ય લોકો પલાયન થઇ ગયા હતા.
આ બનાવ અંગે શાહીબાગ પોલીસે છ શખ્સો સામે રાયોટિંગ સહીતની કલમ હેઠળ ગુનો નાંેધીને વધુ તપાસ હાથ ધરી છે.વેજલપુરમાં રહેતા અને એએમસીમાં સેનેટરી ઇન્સ્પેક્ટરે શાહીબાગ પોલીસ સ્ટેશનમાં છ લોકો સામે ફરિયાદ નોંધાવી છે કે શનિવાર સવારે તેઓ સ્ટાફ સાથે બાપુનગરમાં ફરતા હતા ત્યારે શાહીબાગ સદર બજાર પાસે કેટલીક ગાયો રસ્તામાં ઉભી છે તેવો મેસેજ મળ્યો હતો. જેથી તેઓ ત્યાં પહોચ્યા હતા જ્યાં ચારથી પાંચ ગાયો રોડ ઉપર હાજર હતી. તેથી ગાયો પકડવાની કામગીરી શરૃ કરવામાં આવી હતી ત્યારે ગાયો સદર બજાર તરફ ભાગી હતી. જેથી સ્ટાફ પણ ગાયો પકડવા માટે ભાગ્યો હતો. ત્યારે રબારી વાસ પાસે પંદર જેટલા શખ્સો ત્યાં ઉભા હતા જેમાંથી ત્રણ શખ્સોના હાથમાં લાકડીઓ હતી અને તમામ કર્મચારીઓ પાસે આવીને અહીં તમે કોર્પોરેશનના માણસો ન આવી શકો. આ ગાયો અમારી છે તેમને નહીં લઇ જવા દઇએ કહીને તકરાર કરી હતી બીજી તરફ ઉશ્કેરાયેલ શખ્સોએ કોર્પોરેશનની ટીમ અને પોલીસ ઉપર લાકડીઓથી હુમલો કર્યો હતો. હાજર પોલીસ સ્ટાફ વચ્ચે પડતા તેમના ઉપર પણ લાકડીઓથી હુમલો કર્યો હતો. જેથી બીજી પોલીસનો કાફલો આવતા તમામ શખ્સો ત્યાંથી નાસી ગયા હતા જ્યારે એકને પોલીસે પકડી પાડયો હતો. આ હુમલામાં ચાર લોકો ઘાયલ થયા હતા ગંભીર રીતે ઘાયલ યુવકને સારવાર માટે સિવિલમાં દાખલ કરવામાં આવ્યો હતો. આ ઘટના અંગે શાહીબાગ પોલીસે રાયોટિંગ અને સરકારી કામમાં રૃકાવટ સહિતની કલમ હેઠળ ગુનો નાંેધીને વધુ તપાસ હાથ ધરી છે.