અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના ખીચા ગામમાં માતા-પુત્રના સંબંધને કલંક લગાવતી ઘટના ઘટી છે. ખીચા ગામમાં રહેતા એક પુત્રએ તેની સગી માતાને પેટ્રોલ છાંટીને જીવતી સળગાવી દીધી હતી. ગંભીર રીતે દાઝી ગયેલી માતાને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી છે, જયારે માતાને સળગાવનાર નિર્દયી પુત્ર અને તેના એક પિતરાઈ ભાઈની ધરપકડ કરી છે.
સાણંદ તાલુકાના ખીચા ગામમાં રહેતા રાધીબેન હર્ષદભાઈ વાઘેલા વિધવા જીવન જીવી રહ્યા છે. તેમને સંતાનમાં બે પુત્ર છે, જેમાં 21 વર્ષીય મોટા પુત્રનું નામ અજય અને 16 વર્ષીય નાના પુત્રનું નામ મેહુલ છે.
રાધીબેનને ગામમાં જ રહેતા મુકેશ રાવળ નામના એક પુરુષ સાથે મનમેળ હતો, જો કે આ વાત રાધીબેનના પુત્રને પસંદ ન હોવાથી તેણે માતાને મુકેશ રાવળ સાથે વાતચીત ન કરવા કહ્યું હતું.
ગઈકાલે 17 જૂને રાધીબેનને પેટમાં દુઃખાવો થતા તેમણે મુકેશ રાવળને વાત કરી હતી, જેથી મુકેશ તેમને દવાખાને લઇ ગયો હતો અને દવા કરાવી હતી. આ વાતની જાણ થતા રાધીબેનના પુત્ર અજયને ગુસ્સો આવ્યો હતો.
ગઈ રાત્રે રાધીબેન તેમના ઘરે સુતા હતા ત્યારે તેમનો પુત્ર અજય અને તેમના જેઠનો પુત્ર જગદીશ દશરથભાઈ વાઘેલા બંને ત્યાં આવ્યાં હતા અને રાધીબેનને પગમાં ધોકા મારી શરીરે પેટ્રોલ છાંટી જીવતા સળગાવી દીધા હતા. ત્યારબાદ અજયે હીરાપુર ગામમાં રહેતા તેના માસીને ફોન કરીને કહ્યું હતું કે તેની બહેનને બચાવવી હોય તો દવાખાને લઇ જાઓ.
રાધીબેન આખા શરીરે ગંભીર રીતે દાઝી ગયા હતા. તેમના નિવેદનને આધારે તેમની બહેન મંજુલાબેને પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદ નોંધી રાધીબેનના પુત્ર અજય અને જેઠના પુત્ર જગદીશ દશરથભાઈ વાઘેલાની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.