લોકસભા ચૂંટણી 2024ના પરિણામોમાં મહારાષ્ટ્રમાં ભાજપ સહિત NDAને મોટો ઝટકો લાગ્યો છે. ભાજપ અને આરએસએસના ઘણા લોકોએ તેના માટે અજિત પવારના એનસીપી સાથેના ગઠબંધનને જવાબદાર ઠેરવ્યા હતા. હવે NCPએ પણ આ અંગે ખુલ્લેઆમ વળતો પ્રહાર કર્યો છે.
NCP એ પણ ચેતવણી આપી છે કે જો અમને આ રીતે નિશાન બનાવવામાં આવશે તો અમે ગઠબંધન તોડીને અલગ રસ્તો અપનાવવા વિચારી શકીએ છીએ.
એનસીપી નેતા અમોલ મિતકારીએ કહ્યું, ‘અમને ખબર પડી છે કે ભાજપના ધારાસભ્યો હાર માટે અજિત પવારને જવાબદાર ઠેરવી રહ્યા છે. હું આવા લોકોને કહેવા માંગુ છું કે જો અજિત પવારને આ રીતે જ નિશાન બનાવવામાં આવશે તો અમારે અલગ સ્ટેન્ડ લેવાનું વિચારવું પડશે.
ખરેખર તો એવા અહેવાલો હતા કે પરિણામોની સમીક્ષા કરવા માટે બોલાવવામાં આવેલી બેઠકમાં ભાજપના ધારાસભ્યોએ નબળા પરિણામો માટે અજિત પવાર જૂથ સાથેના ગઠબંધનને જવાબદાર ઠેરવ્યું હતું. હવે NCP નેતાઓ આ મામલે ભારે નારાજ થયા છે. એનસીપીના કેટલાક નેતાઓએ હાર માટે ભાજપ પર નિશાન સાધ્યું છે. એક નેતાએ કહ્યું કે સંઘ સાથે જે થયું તે તેમનો પોતાનો મુદ્દો છે.
અજિત પવારના કારણે ભાજપને કોઈ નુકસાન થયું નથી. સંભવ છે કે ભાજપ સામે લોકોના ગુસ્સાથી અમને નુકસાન થયું હોય. ભાજપના નેતાઓ સતત 400 પાર કરવાની અને બંધારણ બદલવાની વાત કરતા હતા. કદાચ આને કારણે જ નુકસાન થયું છે.