બોલીવૂડ એક્ટર સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારો કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ પાછો વરતાયો છે. હમણાં ગુજરાતની સાબરમતી જેલમાં બંધ લોરેન્સ બિશ્નોઈએ પાકિસ્તાનના ગેંગસ્ટર શહઝાદ ભટ્ટીને વીડિયો કોલ કર્યો હોવાનો વીડિયો વાયરલ થયો છે. આ વીડિયો કોલમાં લોરેન્સ બિશ્નોઈ પાકિસ્તાની ગેંગસ્ટર શહઝાદ ભટ્ટીને ઈદની મુબારકબાદ આપે છે. ભારતમાં સોમવારે ઈદ અલ ઝુહા એટલે કે બકરી ઈદ હતી એ જોતાં આ વીડિયો સોમવારનો જ છે એ સ્પષ્ટ છે.આ વીડિયો કોલે ગુજરાતના ગૃહ વિભાગની આબરૂૂના ધજાગરા ઉડાવી દીધા છે એ કહેવાની જરૂૂર નથી પણ આઘાતની વાત એ છે કે, સાબરમતી વાયરલ વીડિયો અંગે સાબરમતી જેલ તંત્રે સાવ હાસ્યાસ્પદ દાવો કર્યો છે.
સાબરમતી સેન્ટ્રલ જેલના ડીવાયએસપી પરેશ સોલંકીએ દાવો કર્યો છે કે, આ વીડિયો સાબરમતી જેલનો લાગતો નથી. બીજો હાસ્યાસ્પદ દાવો એ કર્યો છે કે, વર્ષમાં ત્રણ ઇદ આવે છે તેથી આ વીડિયો કઈ ઇદ અને કઈ જેલનો છે એ તપાસનો વિષય છે.પોલીસના કહેવા પ્રમાણે, 2023ના ઑગસ્ટથી લોરેન્સ અમદાવાદની જેલમાં છે અને તેની પાસેથી કોઈપણ પ્રતિબંધિત વસ્તુ નથી મળી આવી. કેદીઓની સવાર સાંજ બે સમય સ્ક્વોડ દ્વારા જડતી લઈને તપાસ કરવામાં આવે છે.
લોરેન્સને અલગથી રાખવા આવ્યો છે અને સતત જેલ ઓથોરિટી અને એન્ટિ ટેરરિસ્ટ સ્ક્વોડ (એટીએસ)નો જાપ્તો સતત તેની આસપાસ રહે છે. પોલીસે બીજો સાવ હાસ્યાસ્પદ દાવો એવો પણ કર્યો કે, આ વીડિયો આર્ટિફિશયલ ઈન્ટેલિજન્સ (અઈં) જનરેટ હોઈ શકે છે.પોલીસ તંત્રની આ વાત બિલકુલ હાસ્યાસ્પદ છે કેમ કે, શાહઝાદ ભટ્ટી બિશ્નોઈ સાથે તે વાત કરે છે એ આ વખતની ઈદના સંદર્ભમાં છે. વીડિયો કોલમાં ભટ્ટી કહે છે કે, પાકિસ્તાન સિવાય બીજે બધે આજે ઈદ છે જ્યારે પાકિસ્તાનમાં રવિવારે ઈદ ઉજવાઈ ગઈ. ભારતમાં 17 જૂન ને સોમવારે ઈદ ઉજવાઈ હતી જ્યારે પાકિસ્તાનમાં રવિવાર ને 16 જૂને ઈદ ઉજવાઈ હતી.
ઈદની ઉજવણી ચાંદ દેખાય તેના આધારે થતી હોય છે એવી સ્પષ્ટતા પણ ભટ્ટી કરે છે એ જોતાં આ વીડિયો આ વખતનો જ છે એ સ્પષ્ટ છે ને છતાં સાબરમતી જેલનું તંત્ર પોતાને ત્યાંથી વીડિયો કોલ નથી થયો એવો દાવો કરે એ શરમજનક કહેવાય.શરમજનક વાત એ પણ કહેવાય કે, ગુજરાત સરકાર પણ આ મુદ્દે સાવ ચૂપ છે ને સાબરમતી જેલના અધિકારીઓ સામે તપાસની પણ તૈયારી નથી બતાવી. ગુજરાત સરકારે નફફ્ટાઈની હદ વટાવી દીધી છે એમ કહીએ તો ચાલે. લોરેન્સ બિશ્નોઈએ પાકિસ્તાનના ગેંગસ્ટર શહઝાદ ભટ્ટીને વીડિયો કોલ કર્યો એ દેશની સુરક્ષા સામે ખતરો કહેવાય કેમ કે ભટ્ટી પાકિસ્તાની આર્મીનું પ્યાદુ છે ત્યારે આ મુદ્દે ચૂપકીદી સાધીને ગુજરાત સરકાર બેઠી છે ને રીએક્શન આપવા પણ તૈયાર નથી.