ઉદ્યોગ ભવનમાં આવેલા નાણાંકીય નિગમમાં ફરજ બજાવતા વર્ગ-3ના કર્મચારીએ અરજદાર પાસે એનઓસી પ્રમાણપત્ર આપવા માટે એક લાખ રૂપિયાની માંગ કરી હતી. પહેલા 5 હજાર રૂપિયા આપવામાં આવ્યા પછી અરજદારે એસીબીમાં જાણ કરી છટકુ ગોઠવતા રંગેહાથ ઝડપી લીધો હતો. આ કેસ ગાંધીનગરની કોર્ટમાં ચાલી જતા આરોપી કર્મચારીને 3 વર્ષની જેલની સજા ફટકારી હતી. જ્યારે 20 હજારનો દંડ કરવામાં આવ્યો હતો.
મળતી માહિતી મુજબ જગદીશભાઇ કાંતીલાલ ત્રિવેદી મિનલર પાણીની ફેક્ટરી ચાલુ કરવા માંગતા હતા. જેથી તેમણે તેમના મિત્રને વાત કરતા ગાંધીનગરના ઉદ્યોગ ભવનમાં આવેલી ગુજરાત નાણાં નિગમમાંથી 22 લાખ રૂપિયાની લોન કરાવી હતી. લોન સામે 5 લાખ રૂપિયામાં બાહેધરી તરીકે ફ્લેટ ગીરવે મુક્યો હતો. આ દરમિયાન જગદીશભાઇનુ અકસ્માતમાં મોત થતા મિનરલ પાણીની ફેક્ટરી બંધ કરવી પડી હતી અને લોનની ભરપાઇ થઇ શકી ન હતી.
પરિણામે નાણાં નિગમે ફ્લેટને સીલ કરી ફેક્ટરીની હરાજી કરી દીધી હતી. જે હરાજીમાંથી આવેલી રકમથી ફ્લેટની લોનની ભરપાઇ કરી હતી. જ્યારે બાકીના રૂપિયાનુ સેટલમેન્ટ કર્યુ હતુ. ફ્લેટની કિંમત ચૂકવાઇ ગયા પછી મૃતકના મિત્ર નિગમના જોઇન્ટ મેનેજર રમેશચંન્દ્ર કાંતીલાલ પટેલને મળ્યા હતા અને ફ્લેટનો કબજો અને એનઓસી પ્રમાણપત્ર આપવા રજૂઆત કરી હતી.જેથી જોઇન્ટ મેનેજરે એક લાખ રૂપિયાની લાંચ માંગી હતી. જેમાં ડીસેમ્બર 2012માં પહેલા 5 હજાર રૂપિયા આપ્યા હતા.
ત્યારબાદ 30 હજારના વાયદા સમયે મૃતકના મિત્રએ એસીબીનો સંપર્ક કરી મેનેજરને સબક સિખવાડવા માટે છટકુ ગોઠવી નાખ્યુ હતુ. જેથી 30 હજાર રૂપિયા લેતા સમયે જોઇન્ટ મેનેજરને એસીબીની ટીમે ઝડપી લીધો હતો. આ બનાવ બાદ કેસ ગાંધીનગરની કોર્ટમાં ચાલ્યો હતો. સરકારી વકીલની દલીલોના આધારે આરોપીને 3 વર્ષની જેલ અને 20 હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો.