મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું છે કે, આજના વિકસીત યુગમાં યુવાઓની મહત્વની ભૂમિકા રહી છે ત્યારે સંગઠિત યુવા ધન જ સામાજિક, આર્થિક અને શૈક્ષણિક પરિવર્તન સાથે ક્રાંતિ લાવી શકે છે.
આજે ગાંધીનગર ખાતે ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્વારા આયોજિત જિલ્લા સંયોજકના પ્રશિક્ષણ હેતુ યોજાયેલા નિવાસી અભ્યાસ વર્ગને સંબોધતા મુખ્યમંત્રીશ્રીએ કહ્યુ હતુ કે, સમગ્ર વિશ્વમાં ભારત ૬૫ ટકા યુવાઓ સાથેનો સૌથી યુવા દેશ છે ત્યારે યુવાઓ પોતાનામાં રહેલી શક્તિને સમાજ અને દેશના ઉત્થાનમાં લગાવશે તો ચોક્કસ ભારત માતા જગત જનની બનશે. કારણ કે ક્રાંતિ અને પરિવર્તન લાવવાનું બળ માત્રને માત્ર યુવાઓમાં જ રહેલું છે એ પછી આઝાદીનો સ્વતંત્ર સંગ્રામ હોય કે ત્યાર બાદની ચળવળો હોય. આઝાદી સંગ્રામમાં ખુદીરામ બોઝ, ભગતસિંહ યુવાન જ હતા. એ જ રીતે ભ્રષ્ટાચારની લડાઈ સામે પણ જયપ્રકાશ નારાયણે ચળવળ કરી હતી તથા સ્વામી વિવેકાનંદનો પણ યુવાઓના ઘડતરમાં સિહ ફાળો રહ્યો છે.
મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું કે, યુવાનો જ સમાજ અને રાષ્ટ્ર પ્રત્યેની અને વિવિધ ક્ષેત્રોમાં જવાબદારી વહન કરશે તો એ વારસો પેઢી-દર પેઢી ચાલશે. વડીલોએ જનરેશન ગેપ ભૂલીને યુવાનોમાં જે પ્રાણ ફૂંક્યા છે તેના સુભગ પરિણામો આજે મળી રહ્યા છે. યુવાનો દાવ પેચથી પર ઉઠીને જ્ઞાતિ, જાતિથી બહાર આવીને પોતાના નિશ્ચિત આદર્શો સાથે આગળ વધી રહ્યાં છે. વિકસતા જતા યુગમાં ટેકનોલોજી, ઈન્ટરનેટના માધ્યમ દ્વારા વૈશ્વિકકક્ષાએ જોડાઈને કારકિર્દી સહિત સમાજ ઉપયોગી ફરજો અદા કરી રહ્યાં છે. જેના પરિણામો આગામી સમયમાં મળશે અને દેશ વધુ સમૃદ્ધ બનશે એવો મને દ્રઢ વિશ્વાસ છે.
તેમણે યુવાઓને ધૈર્ય, નિશ્ચિત લક્ષ અને આત્મવિશ્વાસ સાથે સમર્પિત કાર્યકર્તા બનવા આહવાન કરતાં જણાવ્યું હતુ કે, રાજકીય દાવ પેચથી પર ઉઠીને માત્રને માત્ર રાષ્ટ્ર પ્રેમ માટે જ આપણે સૌ સંકલ્પબદ્ધ થઈશું તો જ દેશ વધુને વધુ વિકસીત બનશે.
આ કાર્યક્રમમાં મુખ્યમંત્રીશ્રીએ યુવાનોને માર્ગદર્શન આપતા કહ્યું કે, આજનો યુવાન એ રાષ્ટ્રનું ભાવિ છે. એક સુદ્રઢ અને આદર્શ રાષ્ટ્રના નિર્માણમાં યુવાઓનું અમૂલ્ય યોગદાન છે. યુવાઓ એ વિચારોનું સંપૂટ છે. જો આ યુવાઓને યોગ્ય દિશા અને માર્ગદર્શન મળે તો આદર્શ રાષ્ટ્રના નિર્માણમાં હકારાત્મક, ક્રાંતિકારી પરિવર્તન આવી શકે તેમ છે.
મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, આજના યુવાઓના શિરે રાષ્ટ્રની સંપૂર્ણ જવાબદારી છે ત્યારે તેમને સમયે-સમયેસચોટ માર્ગદર્શન મળે અને રાષ્ટ્ર ભાવનાના ગુણો કેળવાય તેની ચિંતા રાજ્ય સરકાર કરી રહી છે. આજનો યુવા પાયાવિહોણી વાત ન કરી માત્ર નક્કર પરિણામો સાથે જ આગળ વધતો હોય છે. આપણી આ રાજ્ય સરકાર અનેક જનહિતલક્ષી નિર્ણયો કરી, નક્કર પરિણામો લાવી છે જે આ રાજ્યનો યુવા બખૂબી જાણે છે.
મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતુ કે, દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના સૂત્ર ‘સૌનો સાથ સૌનો વિકાસ’ને આપણે સૌએ સાકાર કરવો જોઈએ. યુવાઓમાં આત્મવિશ્વાસ ત્યાગ, તપસ્યા અને બલિદાનની ભાવના હોવી જોઈએ જે આ અભ્યાસ વર્ગ થકી કેળવાશે.
આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્ય યુવા બોર્ડના સભ્યો, જિલ્લા સંયોજકો અને બહોળી સંખ્યામાં યુવાઓ ઉપસ્થિત રહ્યાં હતા.