ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ)ના સ્કૂલ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજીના ડાયરેક્ટર પ્રો.એસ.ડી. પંચાલ સામે એક મહિલા પ્રોફેસર દ્વારા જાતીય સતામણીની ફરિયાદ કરવામાં આવતાં ભારે ચકચાર મચી ગઇ છે. જેમની સામે ફરિયાદ કરવામાં આવી છે તે પ્રોફેસર પંચાલ ભૂતકાળમાં ઇન્ચાર્જ વાઇસ ચાન્સેલર, બીઓજી મેમ્બર, એકેડેમિક કાઉન્સિલ, રજિસ્ટ્રાર, આઇક્યુ સેલના ડાયરેક્ટર સહિતના અનેક હોદ્દા પર ફરજ બજાવી ચુક્યા છે.
મહિલા પ્રોફેસર દ્વારા ફરિયાદમાં દરરોજ મેસેજ મોકલવા હોવાનો ઉલ્લેખ કરવાની સાથે પીએચડી કરવા માટે હોટલમાં પણ જવું પડે તેવો ટેલિગ્રામ મેસેજ પણ કર્યો હોવાનો ઘટસ્ફોટ કર્યો છે. આ ફરિયાદ બાદ ટેકનિકલ શિક્ષણજગતમાં ભારે હોબાળો થાય તેવી સ્થિતિ છે.
ગુજરાત યુનિવર્સિટીમાં સમાજવિદ્યા ભવનના પ્રોફેસર મુકેશ ખટીક સામે મહિલા પ્રોફેસરે કરેલી ફરિયાદની તપાસમાં મુકેશ ખટીક ગુનેગાર સાબિત થતાં હાલમાં ડિસમીસ કરવામાં આવ્યા છે. હવે ગુજરાત યુનિવર્સિટી બાદ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીમાં પણ મહિલા પ્રોફેસર દ્વારા સ્કૂલ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજીના ડાયરેક્ટર એસ.ડી. પંચાલ સામે જાતીય સતામણીની ફરિયાદ થઇ છે. મહિલા પ્રોફેસરે યુનિવર્સિટીમાં ઇન્વર્ડ કરાયેલી ફરિયાદમાં કરાયેલા ઉલ્લેખ પ્રમાણે જીટીયુ- સાયબર સિક્યોરિટીના પ્રોફેસર એસ.ડી.પંચાલે કાર્યસ્થળ એટલે કે યુનિવર્સિટીમાં જ મહિલા પ્રોફેસરનું ઉત્પીડન કર્યુ હોવાનો ઘટસ્ફોટ કરવામાં આવ્યો છે. મહિલા પ્રોફેસરે ફરિયાદમાં કરેલા ઉલ્લેખ પ્રમાણે એસ.ડી. પંચાલે મારી નોકરી અને પીએચડી દરમિયાન અનેક પ્રકારની મુશ્કેલીઓ ઊભી કરી હતી. હું કેબિનમાં એકલી હોઉં ત્યારે આવીને વિભાગની બાબત કે અંગતની ચર્ચા કરીને કોઇ એવી વ્યક્તિને શોધી રહ્યા છે કે જે તેને સમજી શકે. તે જીવનમાં એકલા છે અને પરિવાર સાથ આપતો નથી કેટલાક વાર આત્મહત્યા કરવાના વિચાર આવે છે તેમ કહીને રડીને ભાવનાત્મક વિશ્વાસ કેળવવા પ્રયાસ કરતાં હતા. મને તેમના ચારિય અંગે શંકા હતી પરંતુ મારું પીએચડી ચાલતું હોવાથી ચૂપ રહી હતી. પીએચડીના છેલ્લા તબક્કામાં તેમણે મારી જાતીય સતામણી કરી અને કુલપતિ માત્ર તેની સૂચનાનું પાલન કરે છે માટે ચૂપ રહેજે તેવી ચીમકી પણ આપી હતી. પ્રો. એસ.ડી. પંચાલ દરરોજ મને તેમની ઓફિસમાં બેસવાનું કહેતા હતા.
હું ન ન જાઉં તો ઓફિસ ફોનથી કોલ કરીને અથવા બીજાને કહીને બોલાવતાં હતા. હું અસંમત થાઉ તો તેઓ સત્તા પ્રમાણે ઓર્ડર કરતાં હતા. વર્ષ 2022માં જાતીય સતામણીનો પ્રયાસ કર્યો પરંતુ મેં મક્કમ રહીને તેમની માગણીનો અસ્વીકાર કરતાં તેમનું મારા તરફનું વર્તન સંપૂર્ણ ફરી ગયુ હતું. મને પામવા માટે તેઓ તમામ જાળ બિછાવતાં ગયા હતા. તેઓએ મારા ઠેકાણા અંગે બ્લેકમેલિંગ કરીને પીછો કરવાનું પણ શરૂ કર્યુ હતુ. કારર્કિદી બગાડવાની ધમકી આપવાની સાથે મને કબજે કરવા માટે સામ, દામ, દંડ અને ભેદનો ઉપયોગ કર્યો હતો. તેઓ ઇન્ચાર્જ વીસી હતા ત્યારે એક મહિલા સ્ટાફ તરફી તેમની સાથે સમાધાન કરી લેવા માટે ફોન કરાવ્યો હતો. આ ઉપરાંત અન્ય એક પ્રોફેસરે મને આડકતરી એવી ચીમકી આપી હતી કે, સત્તા સામે લડશો નહીં તમને નુકસાન જશે. શરૂઆતમાં જ 16મી ડિસેમ્બરે 2022ના રોજ મને મેસેજ મોકલ્યો હતો કે, પીએચડી કરવા માટે હોટલમાં પણ જવું પડે. આ જ સુધી દરરોજ 10થી 25 મેસેજ કરી રહ્યા છે. દરેક મેસેજમાં માનસિક ત્રાસ આપવાની સાથે મારી જાતને સમર્પણ કરવા માટેના દબાણ કરાઈ રહ્યું છે. આ પ્રોફેસર સામે કડક કાર્યવાહી કરવા માગ ઊઠી છે.
યુનિવર્સિટીના મહિલા પ્રોફેસરે કરેલી ફરિયાદના અનુસંધાનમાં યુનિવર્સિટીના સત્તાધીશોનો સંપર્ક કરતાં તેઓએ હજુ સુધી ફરિયાદ મળી ન હોવાનું કહ્યું હતુ. બીજી બાજુ મહિલા પ્રોફેસરે બપોરે ફરિયાદ યુનિવર્સિટીમાં ઇન્વર્ડ કરાવી હોવાનું કહીને કડક પગલાંની માગણી કરી હતી. સૂત્રો કહે છે કે આ ઘટના બાદ હવે આગામી દિવસોમાં યુનિવર્સિટીઓમાં ચાલતાં અન્ય પ્રકરણો પણ બહાર આવી તેવી શક્યતા છે.