સંસદના વિશેષ સત્ર દરમિયાન કોંગ્રેસના સાંસદ અને વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ હિન્દુઓને લઈને નિવેદન આપ્યું હતું. જે બાદ ભાજપ સહિત હિંદુ સંગઠનોએ તેમની સામે મોરચો ખોલ્યો હતો અને દેશભરમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા હતા.
રાહુલ ગાંધીના હિંદુ નિવેદનની ઉગ્ર ટીકા વચ્ચે શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી કોંગ્રેસના સાંસદના સમર્થનમાં સામે આવ્યા છે.
તેમણે કહ્યું કે અમે રાહુલ ગાંધીનું આખું ભાષણ સાંભળ્યું. તેઓ સ્પષ્ટ કહી રહ્યા છે કે હિંદુ ધર્મમાં હિંસાને કોઈ સ્થાન નથી.
કોંગ્રેસ પાર્ટીએ તેના ઓફિશિયલ એક્સ હેન્ડલ પર શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદજીનો એક વીડિયો પોસ્ટ કર્યો છે, જેમાં તેઓ કહેતા સાંભળવા મળે છે કે, “અમે રાહુલ ગાંધીનું આખું ભાષણ સાંભળ્યું. તેઓ સ્પષ્ટપણે કહી રહ્યા છે કે હિંદુ ધર્મમાં હિંસાને કોઈ સ્થાન નથી. રાહુલ ગાંધી ક્યાંય હિંદુ ધર્મની વિરુદ્ધ વાત નથી કરી રહ્યા. રાહુલ ગાંધીના નિવેદનનો અડધો ભાગ ફેલાવવો એ ગુનો છે. આમ કરવાથી ગુનેગારને સજા થવી જોઈએ. ”
વાસ્તવમાં, રાહુલ ગાંધીએ 01 જુલાઈના રોજ લોકસભામાં કહ્યું હતું કે, “જે લોકો પોતાને હિંદુ માને છે તેઓ 24 કલાક હિંસા અને નફરત કરતા રહે છે. તમે લોકો બિલકુલ હિંદુ નથી. હિંદુ ધર્મમાં સ્પષ્ટ લખ્યું છે કે સત્યને સાથ આપવો જોઈએ.”
રાહુલ ગાંધીના આ નિવેદન પર ભાજપના સાંસદોએ ગૃહમાં હંગામો મચાવ્યો હતો. ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ વાંધો વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું કે આ બહુ ગંભીર મુદ્દો છે, સમગ્ર હિન્દુ સમાજને હિંસક કહેવું ગંભીર છે. જેના પર રાહુલ ગાંધીએ કહ્યું હતું કે ના, નરેન્દ્ર મોદી સંપૂર્ણ હિન્દુ સમાજ નથી, ભાજપ અને આરએસએસ સંપૂર્ણ હિન્દુ સમાજ નથી. આનો ઠેકો ભાજપે નથી લીધો.