કોરોના સામે વોરિયર બનેલા કર્મયોગીઓની સેવાને રીટાબેન પટેલ દ્વારા બિરદાવાઇ
મહાનગર પાલિકા વિસ્તારમાં ફરજ બજાવતા સફાઇ કામદારો, ફાયરબ્રિગેડના કર્મચારીઓ, બાગાયત કર્મચારીઓ અને તંત્રમાં સેવા આપતા વર્ગ 4ના તમામ કર્મચારીઓને મેયરશ્રી રીટાબેન પટેલ દ્વારા દિવાળીની ભેટ તરીકે શુદ્ધ ઘીની મિઠાઇનું વિતરણ કરવામાં આવ્યુ હતું. 1500થી વધુ નાના કર્મયોગીઓનું આભિવાદન કરવાની સાથે મેયરશ્રીએ કોરોના કાળમાં અવિરત ફરજ બજાવવા બદલ તેમની સેવાને બિરદાવી હતી. કર્મચારીઓને સંબોધતા મેયરશ્રીએ જણાવ્યુ હતું કે આ કર્મયોગીઓએ જાનના જોખમની પરવા કર્યા વગર સર્વશ્રેષ્ઠ કામગીરી કરીને કોરોનાને રોકવામાં અમૂલ્ય ફાળો આપ્યો છે. મેયરશ્રીએ નવું વર્ષ સુખમય અને આરોગ્યમય નિવડે તેવી દિવાળી પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી.
મેયર દરેક વોર્ડ ઓફિસ પર રૂબરૂ પહોંચ્યા હતાં અને સફાઇ કર્મયોગીઓ સાથે વાતચીત કરવાની સાથે તેમની સાથે સમય વિતાવ્યો હતો, ઉપરાંત તેમની સેવાઓ બદલ દરેકનો આભાર માન્યો હતો. મિઠાઇ વિતરણ કાર્યક્રમમાં તેમની સાથે મહાનગર ભાજપના નવા વરાયેલા પ્રમુખશ્રી ઋચિરભાઇ ભટ્ટ, પૂર્વ પ્રમુખશ્રી મહેન્દ્રભાઇ પટેલ તથા મહાનગર ભાજપના આગેવાનો અને કાર્યકરો જોડાયા હતાં.