ગુજરાત સરકાર દ્વારા જીએમઈઆરએસની ફીમાં કરવામાં આવેલા વધારા સામે આજે ડૉક્ટરો અને બાદમાં વાલી પહોંચ્યા હતા. ગુજરાત સરકાર સામે ડૉક્ટરોએ સૂત્રોચાર કર્યો હતો અને ફી વધારો પાછો ખેંચવાની માંગણી સાથે સચિવાલય પહોંચ્યા હતા.
તબીબી સ્નાતક અભ્યાસ ક્રમમાં જીએમઈઆરએસ દ્વારા શેક્ષણિક વર્ષ 2024-25 માટે કરેલો ફી વધારો તાત્કાલિક રદ્દ કરવા માંગણી કરવામા આવી હતી.
ડૉકટરોએ તેમની રજૂઆત દરમિયાન જણાવ્યુ હતું કે,ગત તારીખ 28 જૂન 2024 જીએમઈઆરએસ દ્વારા પરિપત્રથી તબીબી સ્નાતક અભ્યાસ ક્રમમાં વર્ષ 2024 અને 25 માટે અસહ ફી વધારો કરવામાં આવ્યો છે.
સરકારી સેલ્ફ ફાઈનાન્સ, મેનેજમેન્ટ ક્વોટા અને NRI ક્વોટા માટે વાર્ષિક ફીના ધોરણમાં અસાધારણ વધારો જાહેર કરાયો છે. સરકારી ક્વોટા માટે વાર્ષિક 5.50 લાખ મેનેજમેન્ટ ક્વોટા માટે 17 લાખ જાહેર કરવામાં આવ્યો છે.આ વાર્ષિક ફીમાં તોતિંગ વધારો વિધાર્થીઓ અને વાલીઓ માટે ચિંતા અને રોષનો વિષય બન્યો છે.
આ મુદ્દે ગુજરાત રાજ્ય વિદ્યાર્થી વાલી મંડળના પ્રમુખ કનુ પટેલે જણાવ્યુ હતું કે, વાર્ષિક ફીમાં તોતિંગ વધારો વિધાર્થીઓ અને વાલીઓ માટે ચિંતા અને રોષનો વિષય બન્યો. છે આ ફી વધારાના કારણે કેટલાય પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ તબીબી શિક્ષણથી વંચિત રહેશે.
ઈન્ડિયન મેડિકલ એસોસિયેશન ગુજરાતના તબીબી વિદ્યાર્થીઓના હિતમાં આ તોતિંગ ફી વધારો તાત્કાલિક રદ્દ કરવા માટે મુખ્યમંત્રી, આરોગ્ય મંત્રી અને રાજ્યપાલને મળીને તેઓ રજૂઆત કરનાર છે. જયાં સુધી તેમના પ્રશ્નનો નિવેડો નહીં આવે ત્યાં સુધી તેઓ આ લડત લડવા માટે મક્કમ છે. તેઓ સરકાર તરફથી હકારાત્મક અભિગમની આશા રાખી રહ્યા છે.