દિલ્હીની લિકર પોલિસીમાં કથિત કૌભાંડના મામલામાં EDએ રાઉઝ એવન્યુ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી છે. ચાર્જશીટમાં EDએ દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ અને તેમની આમ આદમી પાર્ટીને પણ આરોપી બનાવ્યા છે. ચાર્જશીટમાં EDએ અરવિંદ કેજરીવાલને કૌભાંડમાં કિંગપિન અને કાવતરાખોર ગણાવ્યા છે. આટલું જ નહીં, EDએ દાવો કર્યો છે કે તેને ગોવાની ચૂંટણીમાં લાંચના પૈસાના ઉપયોગની પણ જાણકારી હતી.
અરવિંદ કેજરીવાલ અને આરોપી વિનોદ ચૌહાણ વચ્ચેની વોટ્સએપ ચેટની વિગતો ચાર્જશીટમાં આપવામાં આવી છે. એવો આરોપ છે કે, કે કવિતાના પીએ વિનોદ મારફત ગોવાની ચૂંટણી માટે આમ આદમી પાર્ટીને 25.5 કરોડ રૂપિયા મોકલ્યા હતા. EDનું કહેવું છે કે ચેટથી સ્પષ્ટ છે કે વિનોદ ચૌહાણના અરવિંદ કેજરીવાલ સાથે સારા સંબંધો હતા.
મંગળવારે, કોર્ટે EDની ચાર્જશીટની નોંધ લીધી અને કેજરીવાલને 12 જુલાઈ માટે સમન્સ મોકલ્યા. લિકર પોલિસી કેસમાં મની લોન્ડરિંગની તપાસ કરી રહેલી EDએ 21 માર્ચે અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી હતી. હાલ તે તિહાર જેલમાં છે. કોર્ટે તેમને 12 જુલાઈના રોજ કેજરીવાલને વ્યક્તિગત રૂપે હાજર કરવા સૂચના આપી હતી.
ચાર્જશીટમાં, EDએ પ્રોસીડ ઓફ ક્રાઇમનો પણ ઉલ્લેખ કર્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે આરોપી વિનોદ ચૌહાણના મોબાઈલમાંથી હવાલા નોટ નંબરના ઘણા સ્ક્રીન શૉટ્સ મળી આવ્યા છે, જે અગાઉ આવકવેરા દ્વારા પણ રિકવર કરવામાં આવ્યા હતા. આ સ્ક્રીન શોટ્સ દર્શાવે છે કે કેવી રીતે વિનોદ ચૌહાણ ગુનાની રકમ હવાલા મારફતે દિલ્હીથી ગોવા ટ્રાન્સફર કરી રહ્યો હતો. આ પૈસાનો ઉપયોગ આમ આદમી પાર્ટી ગોવાની ચૂંટણીમાં કરવાનો હતો. ત્યાં હાજર રહેલા ચેનપ્રીત સિંહ હવાલા મારફતે ગોવા પહોંચેલા પૈસાને મેનેજ કરી રહ્યાં હતા.
દિલ્હી હાઈકોર્ટે સીએમ અરવિંદ કેજરીવાલની જામીન વિરુદ્ધ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની અરજીને 15 જુલાઈએ સુનાવણી માટે સૂચિબદ્ધ કરી છે. હાઈકોર્ટે અગાઉ નીચલી અદાલતના 20 જૂનના આદેશ પર સ્ટે મૂક્યો હતો, જેના હેઠળ કેજરીવાલને કેસમાં જામીન આપવામાં આવ્યા હતા. જસ્ટિસ નીના બંસલ ક્રિષ્ના, જે અરજી પર સુનાવણી કરવાના હતા, તેમને EDના વકીલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે તપાસ એજન્સીને કેજરીવાલના જવાબની નકલ મંગળવારે રાત્રે 11 વાગ્યે મળી હતી અને EDને તેનો જવાબ દાખલ કરવા માટે થોડો સમય જોઈએ છે.