ગુજરાતના બહુચર્ચિત સસ્પેન્ડેડ પોલીસ કોન્સ્ટેબલ નીતા ચૌધરી ના કેસમાં એક મોટો વળાંક આવ્યો છે. સૂત્રોના અનુસાર, જામીન પર રહેલા નીતા ચૌધરી હાલમાં ફરાર થઇ ગયા છે. ગઇકાલે મંગળવારના રોજ ભચાઉ કોર્ટ માં નીતા ચૌધરીના વકીલ હાજર રહ્યા હતા. જણાવી દઇએ કે, ભચાઉ કોર્ટે તેના જામીન રદ્દ કરતા ધરપકડનો આદેશ કરવામાં આવ્યો હતો.
CID ક્રાઈમ પૂર્વ કચ્છમાં ફરજ બજાવતી કોન્સ્ટેબલ નીતા ચૌધરી બૂટલેગર યુવરાજસિંહ જાડેજા સાથે ઝડપાઈ હતી. સફેદ થારમાંથી દારૂ મળી આવવા સાથે PSI પર થાર ચડાવી હત્યાનો પ્રયાસ કરાયો હતો. બંને સામે ભચાઉ પોલીસમાં ફરિયાદ થયા બાદ પોલીસે રિમાન્ડની માંગ સાથે અદાલતમાં રજૂ કરતાં રિમાન્ડ નકારી બીજા દિવસે નીતા ચૌધરીને નીચલી કોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા હતા. બાદમાં પોલીસે જામીનને રદ્દ કરવા ઉપલી કોર્ટમાં જતા જામીન રદ કરવામાં આવ્યા હતા અને હાલ પોલીસ ધરપકડથી બચવા અને જેલમાં જવાના ડરે આરોપી નેતા ચૌધરી ફરાર થઈ ગઈ છે અને તેમને પકડવા 3 અલગ અલગ ટીમો બનાવવી હોવાનું પોલીસમાંથી જાણવા મળ્યું છે.
ઉલ્લેખનીય છે કે, નીતા ચૌધરી અને બુટલેગર જાડેજા બંનેને ભચાઉની એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ડી.એસ.ડાભીની કોર્ટમાં સાંજે રજુ કરવામાં આવ્યા હતા. પરંતુ કોર્ટમાં સરકારી વકીલની દલીલો બાદ જ્યારે સમય આરોપી પક્ષે તેમની વાત અદાલત સમક્ષ કરવાનો થયો ત્યારે તે સમયે સાંજ પડી ગઈ હતી. જેના કારણે બંને આરોપીઓને ગળપાદર જેલમાં જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા. વધુમાં પ્રાપ્ત માહિતી મુજબ, મહિલા કોન્સ્ટેબલ સાથે ઝડપાયેલા બુટલેગર વિરુદ્ધ દારૂની હેરાફેરી સાથે 16 થી વધુ ગુના નોંધાયેલા છે. હિસ્ટ્રીશીટર દારૂની હેરાફેરી કરનાર સામે હત્યાના પ્રયાસ જેવા ગુના પણ નોંધાયેલા છે. બુટલેગરની થારમાંથી 16 બોટલ દારૂનો જથ્થો મળી આવ્યો હતો.
કચ્છના ભચાઉમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ ઉપર બુટલેગર યુવરાજસિંહ જાડેજાએ થાર કાર ચઢાવી હત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. આ થાર ગાડી કે જેના દ્વારા ક્રાઇમ બ્રાન્ચની ટીમ ઉપર હુમલો કરવામાં આવ્યો હતો તે કેસમાં CID બ્રાન્ચમાં ફરજ બજાવતી મહિલા પોલીસકર્મી નીતા ચૌધરીની પણ ધરપકડ કરવામાં આવી હતી. આ મહિલા કોન્સ્ટેબલ ઉપર આરોપ લગાવવામાં આવ્યો હતો કે, બુટલેગરે જ્યારે પોલીસકર્મીઓને કચડી નાખવાનો પ્રયાસ કર્યો હતો ત્યારે મહિલા કોન્સ્ટેબલ નીતા ચૌધરી પણ તેની સાથે કારમાં જ હાજર હતી. બંને આરોપી એટલે કે બુટલેગર અને મહિલા કોન્સ્ટેબલ નીતા ચૌધરીને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા.