આ પહેલનો હેતુ રાજ્યની આર્થિક પ્રગતિને વેગ આપવાનો છે, જે GCCIની ભૂમિકા અને યોગદાનને આગામી વર્ષોમાં વધુને વધુ મહત્વપૂર્ણ બનાવશે
અમદાવાદ
આજે 13મી જુલાઈ 2024 ના રોજ GCCI ની 74મી વાર્ષિક સામાન્ય સભા અને વર્ષ 2024-25 માટે નવા વરાયેલા હોદ્દેદારોના પદગ્રહણ સમારોહનું આયોજન ગોલ્ડન ગ્લોરી હોલ, કર્ણાવતી ક્લબ, અમદાવાદ ખાતે કરવામાં આવ્યું હતું.આ સમારોહમાં સમગ્ર ગુજરાતમાંથી વેપાર-ઉદ્યોગના પ્રતિનિધિઓએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી. વાર્ષિક સભા દરમિયાન, પ્રમુખ અજયભાઇ પટેલે વર્ષ દરમિયાન યોજાયેલ કાર્યક્રમો અને પ્રવૃત્તિઓની સંક્ષિપ્ત માહિતી આપી હતી અને તેમના કાર્યકાળને સફળ બનાવવામાં સહયોગ આપનાર તમામ સભ્યો અને વ્યક્તિઓનો આભાર વ્યક્ત કર્યો હતો.
વાર્ષિક સામાન્ય સભામાં વાર્ષિક હિસાબો અને અન્ય મુદ્દાઓને સભ્યોએ સર્વાનુમતે મંજૂર કર્યા હતા.સંદીપભાઈ એન્જીનીયરે વર્ષ 2024-25 માટે GCCI ના નવા પ્રમુખ તરીકેનો ચાર્જ સંભાળ્યો હતો, જ્યારે રાજેશ ગાંધીએ સિનિયર ઉપપ્રમુખ અને અપૂર્વ શાહે ઉપપ્રમુખ તરીકેનો ચાર્જ સંભાળ્યો હતો. વાર્ષિક સામાન્ય સભામાં કારોબારી સમિતિના નવા ચૂંટાયેલા સભ્યોના નામની પણ જાહેરાત કરવામાં આવી હતી. શ્રી અજયભાઇ પટેલે, નવા વરાયેલા પ્રમુખ, શ્રી સંદીપ એન્જીનયર અને તેમની ટીમ અને ચૂંટાયેલા કારોબારી સમિતિના સભ્યોને શુભેચ્છાઓ પાઠવી હતી.
વાર્ષિક સામાન્ય સભા બાદ નવા હોદ્દેદારોના પદગ્રહણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં શ્રી રાજેન્દ્ર શાહ, ચેરમેન, હર્ષા એન્જીનીયર્સ ઇન્ટરનેશનલ લિમિટેડ મુખ્ય અતિથિ; જ્યારે શ્રી અમિત બક્ષી, ચેરમેન અને મેનેજીંગ ડિરેક્ટર, એરીસ લાઈફસાયન્સિઝ લિમિટેડ અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. અમદાવાદ મહાનગર સદનના મેયર, શ્રીમતી પ્રતિભા જૈને પદગ્રહણ સમારોહમાં વિશિષ્ટ હાજરી આપી હતી. અજય પટેલ, તત્કાલીન પૂર્વ પ્રમુખ, GCCI એ ઉપસ્થિત મહેમાનો અને સભ્યોનું સ્વાગત કર્યું હતું. તેઓએ તેમના કાર્યકાળ દરમિયાન હાથ ધરવામાં આવેલ અનેકવિધ પ્રવૃતિઓ ખાસ કરીને નોમિનલ સભ્યપદના વિષે માહિતી આપી હતી. સમગ્ર વર્ષ દરમિયાન તેઓને પ્રાપ્ત થયેલ સમર્થન અને સહકાર માટે તમામ સભ્યોની હ્રદયપૂર્વક પ્રશંસા વ્યક્ત કરી હતી. તેમણે નવા વરાયેલા પદાધિકારીઓનું સ્વાગત કર્યું અને ઉદ્યોગ અને વેપારના હિતોને આગળ વધારવા માટે નવી ટીમની પ્રતિબદ્ધતાની ખાતરી આપી હતી.
નવા ચૂંટાયેલા સિનિયર ઉપપ્રમુખ રાજેશ ગાંધીએ તેમના સંબોધનમાં ગુજરાતના વેપાર અને ઔદ્યોગિક વિકાસમાં અગ્રણી ભૂમિકા ભજવનાર GCCIના સાત દાયકાના વારસા અંગે વાત કરી હતી. પૂર્વ પ્રમુખ અજયભાઈ પટેલ અને નવા વરાયેલા પ્રમુખ સંદીપભાઈના નેતૃત્વ હેઠળ, GCCI નાના વેપારીઓ અને ઉદ્યોગપતિઓને નોમિનલ સભ્ય તરીકે સમાવીને GCCIની પહોંચને વિસ્તૃત કરી રહ્યા છે અને આ પગલું માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના “વિકસિત ભારત” અને “5 ટ્રિલિયન ડૉલરની અર્થવ્યવસ્થા”ના વિઝન સાથે સુસંગત છે તેવું જણાવ્યું હતું. આ પહેલનો હેતુ રાજ્યની આર્થિક પ્રગતિને વેગ આપવાનો છે, જે GCCIની ભૂમિકા અને યોગદાનને આગામી વર્ષોમાં વધુને વધુ મહત્વપૂર્ણ બનાવશે. નવા ચૂંટાયેલા પ્રમુખ શ્રી સંદીપભાઈ એન્જીનીયરે તેમના સંબોધનમાં ઉપસ્થિત મહાનુભાવોનું સ્વાગત કર્યું હતું અને તેમના પર મૂકેલા વિશ્વાસ બદલ તમામ સભ્યોનો આભાર માન્યો હતો.નવા ચૂંટાયેલા પ્રમુખ શ્રી સંદીપ એન્જીનીયરે તેમના સંબોધનમાં મુખ્ય મહેમાન શ્રી રાજેન્દ્રભાઈ શાહ, અતિથિ વિશેષ શ્રી અમિતભાઈ બક્ષી અને ઉપસ્થિત મહેમાનોનો GCCIના પદગ્રહણ સમારોહમાં ઉપસ્થિત રહેવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો. શ્રી અજયભાઈ પટેલના નેતૃત્વ હેઠળના સફળ વર્ષ વિષે ચર્ચા કરી હતી. જેમાં “નોમિનલ મેમ્બરશિપ” દ્વારા સભ્યપદનો આધાર વિસ્તારવા અને “ઉદ્યોગ જગત ની ચર્ચા” જેવા સફળ કાર્યક્રમો અને ફોરેન ડેલિગેશનો ની મુલાકાત, વાઇબ્રન્ટ ગુજરાત માટે ગુજરાત સરકાર સાથેની પાર્ટનરશીપ જેવી GCCI ની અનેકવિધ મહત્ત્વની પ્રવૃત્તિઓ પર ભાર મૂક્યો હતો. માનનીય કેન્દ્રીય વિદેશ મંત્રી શ્રી એસ. જયશંકર અને માનનીય કેન્દ્રીય નાણા મંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણ સાથે ઇન્ટરેક્ટિવ સત્રો વિષે જણાવ્યું હતું. વેસ્ટ એન્ડ વોટર મેનેજમેન્ટ પર ઇન્ટરનેશનલ કોન્ફ્રન્સ, મેગા બ્લડ ડોનેશન ડ્રાઇવ, ટેક્સટાઇલ લીડરશિપ કોન્ફ્લેવની ત્રીજી આવૃત્તિ અને કરવેરા સંબંધિત અનેકવિધ સેમિનાર વિષે વાત કરી હતી. તેમણે કમિટીઓના યોગદાન અને સહયોગ બદલ આભાર વ્યક્ત કર્યો હતો અને આગામી વર્ષ માં ખાસ કરીને સૂક્ષ્મ અને નાના ઉદ્યોગોનું પ્રતિનિધિત્વ કરવા, એન્ટરપ્રિન્યરશીપ ડેવલપમેન્ટ માટે વિશેષ તાલીમ કેન્દ્રની સ્થાપના કરવામાં આવશે, ઔદ્યોગિક સંબંધોને વધુ મજબૂત કરવા, GCCI ની પ્રવૃત્તિઓનો વ્યાપ વધારવા અને રાજ્યના ઉદ્યોગો અને વેપારનો વિકાસ થકી દેશના વિકાસ પર વિશેષ ધ્યાન આપવામાં આવશે તેવું જણાવ્યું હતું.
અમિત બક્ષી, વિશિષ્ટ અતિથિએ તેમના સંબોધન દરમિયાન ઉલ્લેખ કર્યો હતો કે અભિનેતાઓને આપણા દેશમાં ઘણીવાર હીરો તરીકે ઓળખવામાં આવે છે. તેના બદલે ઉદ્યોગસાહસિકો ખરેખર વીરતાનું સ્વરૂપ ધરાવે છે. તેમણે જણાવ્યું હતું કે દરેક વ્યક્તિ એક અનોખું અભિગમ ધરાવે છે, પરંતુ વેલ્યુ ચેન પર આગળ વધારવામાં ખાસ ધ્યાન આપવું જોઈએ, અસરકારક રીતે મૂડીનું સંચાલન અને વિવેકપૂર્ણ જોખમો લેવા તે ઉદ્યોગકારોના હિતમાં છે. મેન્ટરશીપની મુખ્ય ભૂમિકા પર પ્રકાશ પાડતા તેમણે જણાવ્યું હતું કે ખાસ કરીને શરૂઆતી તબક્કા દરમિયાન માત્ર નાણાકીય પીઠબળ કરતાં મેન્ટરશીપ વધુ મહત્વપૂર્ણ છે. શ્રી અમિત બક્ષીએ GCCI ને વધુ મેન્ટરશીપ તકોના નિર્માણને પ્રાધાન્ય આપવા અપીલ કરી હતી.
આ પ્રસંગે મુખ્ય મહેમાન શ્રી રાજેન્દ્ર શાહે તેમના સંબોધનમાં નવા ચૂંટાયેલા પ્રમુખ શ્રી સંદીપ એન્જીનીયર અને ટીમને અભિનંદન પાઠવ્યા હતા અને જણાવ્યું હતું કે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નિર્ણાયક નેતૃત્વ હેઠળ ભારત વૈશ્વિક પાવર હાઉસ તરીકે ઉભરી રહ્યું છે. અને તેઓએ જણાવ્યું હતું કે આગામી વર્ષો ખુબ જ ઉત્સાહભર્યા રહેશે તેવી અપેક્ષા છે. વધુમાં, તેઓએ ઉમેર્યું હતું કે, સફળતા સુનિશ્ચિત કરવા માટે આપણે લક્ષ્યો પ્રત્યેની પ્રતિબદ્ધતામાં અડગ રહેવું જોઈએ અને નૈતિક મૂલ્યો જાળવી રાખવા જોઈએ. ઉચ્ચ આકાંક્ષાઓ જાળવવી જરૂરી છે અને યુવા સાહસિકોને શોર્ટકટનો આશરો લીધા વિના પડકારોનો સામનો કરવા માટે અપીલ કરી હતી. સ્વધર્મના મહત્વ પર ભાર મૂકતા, સમાજ પ્રત્યેની ફરજ અત્યંત નિષ્ઠાપૂર્વક નિભાવવી જોઈએ. તેમણે વધુમાં જણાવ્યું હતું કે પ્રેરણા અને ધૈર્ય એ ઉદ્યોગસાહસિક સફળતા, ગતિશીલ વ્યવસાયમાં નવીનતા, સ્થિતિસ્થાપકતા અને વૃદ્ધિ માટે એક મજબૂત માળખું તૈયાર કરે છે.
નવા ચૂંટાયેલા ઉપપ્રમુખ અપૂર્વ શાહે તમામ મહાનુભાવોનો આભાર વ્યક્ત કર્યો હતો કે, તેઓ તેમનો અમૂલ્ય સમય ફાળવી આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો અને આભારવિધિ સાથે પદગ્રહણ સમારોહનું સમાપન કર્યું હતું.