ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને રાજ્ય મંત્રી મંડળની બેઠક મળી હતી. આ બેઠકમાં લેવાયેલા મહત્વપૂર્ણ નિર્ણયો અંગે પ્રેસ-મીડિયાને માહિતી આપતા પ્રવક્તા મંત્રી શ્રી ઋષિકેશભાઇ પટેલે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PMJAY) અંતર્ગત સરકારી હોસ્પિટલોમાં લાભાર્થીઓને અપાતી સારવારનું ધોરણ વધારવા રાજ્ય સરકારે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. સરકારી હોસ્પિટલોને મળતી PMJAYની આવકમાંથી હોસ્પિટલોના ડોક્ટર, પેરા-મેડીકલ સ્ટાફ અને અન્ય સપોર્ટ સ્ટાફને અપાતા ઇન્સેન્ટીવમાં મોટા પ્રમાણમાં વધારો કરવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. હાલ મળતા ઇન્સેન્ટીવમાં આશરે ૧૦ થી ૧૫ ગણો વધારો થશે.
મંત્રી શ્રી ઋષિકેશ પટેલે વધુ વિગતો આપતા ઉમેર્યું હતું કે, અગાઉ PMJAYના કુલ લાભાર્થીઓમાં ફક્ત SECC (BPL યાદી વાળા) લાભાર્થી પેટે થતી આવક જ ઇન્સેન્ટીવ માટે વિતરણને પાત્ર હતી. જેમાં ફેરફાર કરી હવે ઇન્સેન્ટીવ આપવા માટે PMJAYની સંપૂર્ણ આવકને ધ્યાને લેવામાં આવશે.
*અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં કુલ આવકના ૨૫ % શેયર થશે. આણંદ, મહેસાણા, જામનગર, નવસારી જેવા મુખ્ય શહેરોના નજીક આવેલ જિલ્લાની હોસ્પિટલોમાં શેયર ૩૫ % રહેશે, જ્યારે રાજ્યના આદિજાતિ વિસ્તારના જિલ્લાઓ, અંતરિયાળ વિસ્તારવાળા જિલ્લાઓમાં શેયર ૪૦ % થશે.*
તેમણે જણાવ્યું હતું કે, રાજ્યમાં PMJAY અંતર્ગત અત્યારે થતા કુલ ક્લેઈમના ૧૮ ટકા ક્લેઈમ સરકારી હોસ્પિટલમાં થાય છે. આ ક્લેઈમની સંખ્યાને વધારીને એક વર્ષમાં ૨૫ ટકા અને બે વર્ષમાં ૩૦ ટકા ઉપર લઇ જવાનું રાજ્ય સરકારનું આયોજન છે.