મુંબઈના એક નરાધમે તેની લિવ-ઇન પાર્ટનરની ૧૫ વર્ષની દીકરી પર જેસલમેરમાં બળાત્કાર કરવાનો પ્રયાસ કર્યો હતો, જ્યારે ટીનેજરે તેનો વિરોધ કર્યો અને સામનો કર્યો ત્યારે તેને મારી એટલું જ નહીં, તેના પ્રાઇવેટ પાર્ટ પર ઊકળતું તેલ રેડી દીધું હતું. ટીનેજરે જ્યારે તેની મમ્મીને આ જાણ કરી ત્યારે તેણે તેને ચૂપ રહેવા કહ્યું હતું. જોકે ત્યાર બાદ ટીનેજરને શારીરિક તકલીફ વધતાં સારવાર માટે ડૉક્ટર પાસે જવું પડ્યું ત્યારે ડૉક્ટરે તેને ઈજાનું કારણ પૂછતાં મામલો સામે આવ્યો હતો.
એ પછી ડૉક્ટરે આ સંદર્ભે ચાઇલ્ડ વેલ્ફેર કમિટીને જાણ કરતાં તેમણે આ બાબતે પોલીસ-સ્ટેશનને જાણ કરી હતી. જેસલમેર પોલીસે આરોપી સામે બળાત્કાર સહિત પ્રોટેક્શન ઑફ ચિલ્ડ્રન ફ્રૉમ સેક્સ્યુઅલ ઑફેન્સિસ ઍક્ટ (POCSO) હેઠળ ગુનો નોંધ્યો હતો. એ પછી એ કેસ હવે જેસલમેર મહિલા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે જે કેસની વધુ તપાસ કરી રહી છે. ટીનેજરની સોંપણી હાલમાં ચાઇલ્ડ વેલ્ફેર કમિટીને કરવામાં આવી છે.
મૂળમાં આ ઘટના ૧૪ જૂને બની હતી, પણ અત્યારે બહાર આવતાં પોલીસે એના પર કાર્યવાહી કરી છે. એ ટીનેજર પહેલાં મુંબઈમાં રહેતી હતી, પણ ૨૦૧૬માં તેના પપ્પાનું મૃત્યુ થયું એ પછી તે તેની મમ્મી સાથે જેસલમેર રહેવા ગઈ હતી. આ કેસનો આરોપી મુંબઈનો છે. તેણે ટીનેજરને પલંગ સાથે બાંધી હતી અને બળાત્કારનો પ્રયાસ કર્યો હતો. ટીનેજરે જ્યારે વિરોધ કર્યો ત્યારે તેની મારપીટ કરી હતી. એ પછી ક્રૂરતાની હદ તો ત્યારે થઈ હતી જ્યારે એ નરાધમે છોકરીના પ્રાઇવેટ પાર્ટ પર ગરમ-ગરમ તેલ રેડી દીધું હતું.
જેસલમેર પોલીસે કહ્યું હતું કે ‘ચાઇલ્ડ વેલ્ફેર કમિટીએ અમારો અપ્રોચ કરતાં અમે કેસ નોંધ્યો હતો. જોકે ત્યાર બાદ એ કેસ હવે મહિલા પોલીસ સ્ટેશનને ટ્રાન્સફર કરવામાં આવ્યો છે અને તેઓ એની આગળની તપાસ ચલાવી રહ્યા છે.’