પંચના પાંચ સભ્યોમાં બાલુભાઈ પટેલ, એમીબેન યાજ્ઞિક, સંજયભાઈ અમરાણી, પાર્થિવરાજ કઠવાડિયા અને એસ. એ. કાદરીનો સમાવેશ
અમદાવાદ
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિમાં એક તટસ્થ અને પૂર્ણ સત્તા સાથેનું આંતરિક લોકતાંત્રિક ચૂંટણી પંચ બનાવવામાં આવ્યું છે. ચોક્કસ મતદાર મંડળમાંથી કોઈ નિર્ણય કરવાનો હોય ત્યારે એ મતદાર મંડળના મતદાતાઓ/કાર્યકર્તાઓનો જે અભિપ્રાય હોય તે અભિપ્રાય સ્પષ્ટ અને ખાનગી રીતે રજૂ થાય અને તે અભિપ્રાય મુજબ જ નિર્ણય થાય તેવી ભાવના સાથે આંતરિક લોકશાહીને વધુ મજબૂત બનાવવા માટે પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા પાંચ સભ્યોનું બનેલું આંતરિક લોકતાંત્રિક ચૂંટણી પંચ આજે બનાવવામાં આવ્યું છે. આ પંચના પાંચ સભ્યોમાં (૧) શ્રી બાલુભાઈ પટેલ, (૨) શ્રી એમીબેન યાજ્ઞિક, (૩) શ્રી સંજયભાઈ અમરાણી, (૪) શ્રી પાર્થિવરાજ કઠવાડિયા અને (૫) શ્રી એસ. એ. કાદરીનો સમાવેશ થાય છે. આ પાંચ વ્યક્તિઓનું બનેલું આંતરિક લોકતાંત્રિક ચૂંટણી પંચ એ સંપૂર્ણ સ્વાયત રહેશે અને તેઓના નિર્ણયમાં પ્રદેશ પ્રમુખ સહિત કોઈપણ વ્યક્તિ હસ્તક્ષેપ નહીં કરે તેમ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શ્રી શક્તિસિંહ ગોહિલની એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે. કોંગ્રેસ પક્ષના બંધારણમાં પણ પક્ષની અંદર પણ આંતરિક લોકશાહીની પૂરેપૂરી જોગવાઈ કરવામાં આવી છે અને આંતરિક લોકશાહીને અનુમોદન આપવામાં આવ્યું છે.